ગુજરાતમાં બે વર્ષમાં ૩.૭૧ લાખ રેશનિંગ કાર્ડ રદ | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

ગુજરાતમાં બે વર્ષમાં ૩.૭૧ લાખ રેશનિંગ કાર્ડ રદ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં વર્ષ ૨૦૨૧માં ૨.૧૯ લાખ અને વર્ષ ૨૦૨૨માં ૧.૫૨ લાખ એમ બે વર્ષમાં ૩.૭૧ લાખથી વધુ રેશનિંગ કાર્ડ રદ બાતલ કરવામાં આવ્યા હતા. આમાં નકલી રેશનિંગ કાર્ડ, એક જ પરિવારના બે રેશનિંગ કાર્ડ, સ્થાયી પ્રવાસ, મૃત્યુ, પાત્રતા ન હોવા છતાં રેશનિંગ કાર્ડ રાખવા સહિતના વિવિધ કારણસર કાર્ડને રદ બાતલ કરાયા હતા. વધુ રેશનિંગ કાર્ડ રદ થયા હોય તે મામલે ગુજરાત દેશમાં ત્રીજા
ક્રમે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાં બે વર્ષના અરસામાં ૫૧.૧૭ લાખ રેશનિંગ કાર્ડ રદ કરાયા છે. રદ થયેલા રેશનિંગ કાર્ડના કિસ્સામાં નવા પુરાવા રજૂ કરાયા પછી નવેસરથી કાર્ડ ઈશ્યૂ કરવામાં આવે છે, જોકે સામાન્ય લોકોને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ અપાતા સસ્તા અનાજનો જથ્થો મેળવવામાં નાકે દમ આવી જાય છે. નવા રેશનિંગ કાર્ડ બનાવવા માટે એજન્ટોનો સહારો લેવો
પડે છે.

અમદાવાદ શહેરમાં સરકારી કચેરીઓ ઉપર સામાન્ય લોકો રેશનિંગ કાર્ડ માટે ફોર્મ ભરે એ પછી નવું કાર્ડ લેવા માટે ૧૫ દિવસની મુદત અપાય છે. જોકે એજન્ટને કામ સોંપો તો એકથી બે દિવસમાં કામ પતી જાય છે.

Back to top button