મુંદરા બંદરેથી દોઢ કરોડનો ૨૭.૮૧ મેટ્રિક ટન સોપારીનો જથ્થો પકડાયો
કાળા ગુંદની આડમાં મુંબઈની જાણીતી પેઢીએ કરી હતી સોપારીના જથ્થાની આયાત
(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: સરહદી કચ્છ સહિત દેશના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપી રહેલું મુંદરા અદાણી પોર્ટ અને ભ્રષ્ટ કસ્ટમ તંત્ર કરોડોનું ડ્રગ્સ, ચાઈનીઝ સિગારેટ, સોપારી, ડીઝલ સહિતની પ્રતિબંધિત ચીજ-વસ્તુઓની દાણચોરી અને તાજેતરમાં બહાર આવેલા લાંચકાંડને કારણે બદનામ થઇ રહ્યું છે ત્યારે ચાલુ માસમાં સતત બીજી વખત કસ્ટમના સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન બ્યૂરોએ ઇન્ડોનેશિયાથી કાળા ગુંદની આડમાં મિસ ડિક્લેરેશન થકી આયાત કરવામાં આવેલો અંદાજિત દોઢ કરોડના મૂલ્યનો ૨૭.૮૧ મેટ્રિક ટન જેટલો સોપારીનો જથ્થો ઝડપી લેતાં ચકચાર પ્રસરી જવા પામી છે.
અગાઉ દેશના અલગ અલગ વિસ્તારની ડીઆરઆઈ મુંદરા બંદરેથી ડ્રગ્સ, સોપારી, બેઝઓઈલ, એમએચઓ, કેરોસીન, ડીઝલ જેવા જથ્થાઓ પકડી રહી છે ત્યારે લાંચકાંડ બાદ સવાલો વચ્ચે ઘેરાઈ ચુકેલો કસ્ટમ વિભાગ જાણે પોતાની લાજ બચાવવા હવાતિયાં મારતો હોય તેમ આ કાર્યવાહી કરીને સોપારીનો જથ્થો પકડયો હોવાનો આ તાલ હોવાની ચર્ચા વચ્ચે કાર્યવાહી અંગે જાણવા મળેલી વિગતો મુજબ, મુંબઈસ્થિત એક જાણીતી પેઢીએ ઇન્ડોનેશિયાથી કાળા ગુંદની આડમાં મિસ ડિક્લેરેશન થકી આ જથ્થો આયાત કર્યો હોવા સાથે ટૂંકા ગાળામાં કસ્ટમે ૧૦.૩૮ કરોડનો ૧૭૨.૩૯ મેટ્રિક ટન સોપારીનો જથ્થો કબજે કર્યા ઉપરાંત ચાલુ નાણાંકીય વર્ષમાં તેનો આંક પંદર કરોડને આંબી ગયો હોવાનું ટાંકી હાલ સમગ્ર મુદ્દે તલસ્પર્શી તપાસ જારી હોવાનું જણાવ્યું છે.
અત્રે નોંધનીય છે કે, ભારે ચર્ચાસ્પદ બનેલા પંદર કરોડના સોપારી તોડકાંડમાં સામેલગીરી છતી થયા બાદ કચ્છ પોલીસ દ્વારા ચાર ભ્રષ્ટ ખાખીધારીઓને ફરજ મોકૂફ કરાયા ઉપરાંત બે વચેટિયા સહિત કુલ નવ લોકોની ધરપકડ કરાઈ હતી, જો કે કસ્ટમ તંત્રએ તેના અધિકારીઓ વિરુદ્ધ ખાતાકીય પગલાં લેવાની તસ્દી સુધ્ધાં લીધી નથી. વધુમાં લાંચ રુશવત શાખાએ સપાટો બોલાવી બે સુપરિટેન્ડન્ટ તથા એક વચેટિયાને લાંચ લેતા રંગે હાથ પકડી પાડયા હતા. અખબારી માધ્યમોથી વિગતો છુપાવતી કસ્ટમ શાખાએ ત્રણ દિવસ પહેલાં પકડાયેલી સોપારીની આજે સામેથી જાહેરાત કરતા બંદરીય સૂત્રો તેને એક પ્રકારનું ડેમેજ કંટ્રોલ માની રહ્યા છે.