નેશનલ હેલ્થ મિશન (NHM) હેઠળ કામ કરતા કરાર આધારિત કર્મચારીઓનો પગારમાં ૨૫%નો વધારો

અમદાવાદઃ કરાર આધારિત કામ કરતા કર્મચારીઓની ઘણી માગણી સંતોષાતી નથી ત્યારે રાજ્ય સરકારે લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા નેશનલ હેલ્થ મિશન હેઠળ કામ કરતા કર્મચારીઓ માટે 25 ટકાના વેતન વધારાની જાહેરાત કરી છે.
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન હેઠળ ૧૧ માસના કરાર આધારિત કાર્યરત ટેકનિકલ અને નોન ટેકનિકલ વર્ગના આરોગ્ય કર્મીઓના પગારમાં ૨૫% નો વધારો કરાયો છે. ટેકનિકલ અને નોન ટેકનિકલ ૧૦૦ જેટલી કેડરમાં પગાર અને લઘુત્તમ વેતનમાં વધારો કરાયો છે. રાજ્યના અંદાજિત ૨૬,૦૦૦ થી વધુ આરોગ્ય કર્મીઓને આ નિર્ણયનો લાભ મળશે, તે રાજ્ય સરકારે જણાવ્યું હતું. ૧૧ મહિનાનો કરાર પૂર્ણ થતા પુન: નિમણૂક વખતે પાંચ ટકાનો વધારો આપવામાં આવશે. તા.૧-૦૩-૨૦૨૪ ના ઠરાવથી આ નિર્ણય અમલી બનશે. આ નિર્ણયથી સરકારની તિજોરી પર માસિક ₹ 18.15 કરોડ અને વાર્ષિક ₹ 217.484 કરોડનો બોજો પડશે, તેમ પણ સરકારે જણાવ્યું હતું.