આપણું ગુજરાત

ગુજરાતમાં ભાજપના ૨૬માંથી ૨૩ સાંસદો ૫૦થી વધુ વર્ષના

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં ભાજપ નો રિપીટ થિયરી, જૂના જોગીઓ અને ૭૦ પ્લસ ઉમેદવારોને ટિકિટ નહીં જેવા રૂપકડા નામો હેઠળ ટિકિટ ના ફાળવવાના પ્લાન તો ઘડે છે પણ હાલમાં ગુજરાતમાં ૨૬ લોકસભા બેઠક પર એકપણ યુવા સાંસદ નથી. જો તમે ૫૦ વર્ષથી નીચેના સાંસદોને યુવા ગણો તો યુવા સાંસદો માત્ર ત્રણ જ છે. એમાંયે પૂનમબેન માડમ હવે ૫૦ પ્લસના થઈ જશે. ગુજરાતમાં લોકસભાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ભાજપે પાંચ લાખની લીડથી હેટ્રીક ફટકારવાના સપનાં સાથે સરકાર અને સંગઠનને કામે લગાડ્યું છે.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગ રૂપે મોટા શહેરમાં પૂરબહારમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યાં છે. ગુજરાત એ અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું હોમ સ્ટેટ હોવાને પગલે ભાજપ અહીં ૨૬માંથી ૨૬ બેઠકો જીતવા માગે છે. લોકસભાની ચૂંટણીમાં હાલમાં અમિત શાહ અને પાટીલ સિવાય કોઈની પણ ટિકિટ ફાઈનલ નથી. ભાજપ પ્રધાનો પુરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાને પણ રાજ્યસભામાં રિપીટ નહીં કરે તો લોકસભાની ચૂંટણી લડાવશે. ગુજરાતમાં ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં ૧૮૨માંથી અંદાજિત ૭૨ જેટલા ધારાસભ્યોને જ રિપીટ કર્યા હતા જ્યારે ૧૧૦ જેટલા ધારાસભ્યોનો ‘રિપીટ થિયરી’નો ભોગ બન્યા હતા. અમદાવાદ જેવા શહેરમાં માત્ર મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને એક પૂર્વ પ્રધાન જગદીશ વિશ્ર્વકર્માને જ રિપીટ કર્યા હતા, જ્યારે ૧૪ જેટલા નવા ઉમેદવારને તક આપી હતી. ભાજપના સાંસદ મનસુખ વસાવાએ હવે ભાજપ હાઇકમાન્ડ સામે આત્મસમર્પણ કર્યું છે. ભાજપે વસાવાને છ વખત ટિકિટ આપી છે. એટલે એમને મૂંગા મંતર થઈને પાર્ટી જે ઉમેદવાર નક્કી કરે તેને જીતાડવાની જવાબદારી મારી છે એમ કહી હાથ ખંખેરી લીધા છે. મહેસાણાનાં સાંસદ શારદાબેન પટેલ પણ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી ચૂક્યા છે. તેમણે ઇશારો કરતાં કહ્યું હતું કે, મારી હવે ઉંમર થઇ છે. ટિકિટના માપદંડમાં આવતી નથી. દેશને આજે યુવાઓની જરૂર છે. યુવાનોને તક આપવી જોઇએ. વર્તમાન સમયમમાં દેશને આઇટી સેક્ટર-ટૅકનોલૉજીના જાણકાર યુવાઓની વધુ જરૂર છે. આમ આ બંને ઉમેદવારોએ તો ટિકિટ ન આપવાનો ઈશારો કરી દીધો છે. ભાજપ પાસે હાલમાં કુલ ૨૬માંથી છ મહિલા સાંસદ છે. લોકસભા ચૂંટણીમાં ભાજપ ૬થી ૭ જેટલી મહિલા ઉમેદવારને ફરી ટિકિટ આપી શકે છે. ઉપરાંત વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીની વાત કરીએ તો ભાજપે ગુજરાતમાં માત્ર ત્રણ મહિલા ઉમેદવારોને ટિકિટ આપી હતી, જ્યારે ૨૦૧૯માં છને ટિકિટ આપી હતી. આગામી સમય જ બતાવશે કે લોકસભાની સીટમાં મહિલાઓને કેટલું પ્રાધાન્ય મળે છે. ભાજપ યુવા બ્રિગેડને આગળ વધારવાની વાત કરે છે અને યુવાઓને તક આપવાની વાત છે ત્યારે ગુજરાત ભાજપમાં હાલના યુવા સાંસદોની વાત કરીએ તો પક્ષ જોડે ફક્ત ત્રણ જ ચહેરા છે, જેમાં કચ્છ બેઠક પરથી વિનોદ ચાવડા (ઉં.વ.૪૪), જામનગર બેઠક પરથી પૂનમ માડમ (ઉં.વ.૪૯) અને જૂનાગઢ બેઠક પરથી રાજેશ ચૂડાસમા (ઉં.વ.૪૧) છે. અમિત શાહની ઉંમર પણ ૬૦ વર્ષની થઈ છે. સી આર પાટીલ પણ ૬૮ વર્ષના છે. ગુજરાત ભાજપ પાસે ૫૦થી ૭૦ વર્ષની ઉંમર ધરાવતા ૧૭થી વધુ સાંસદો છે, જેમાં ચાર મહિલા સાંસદનો પણ સમાવેશ થાય છે. આમ લોકસભાના ૨૩ સાંસદ ૫૦ પ્લસના છે. આમ લોકસભામાં ભાજપ જૂના જોગીઓનો સહારો લેશે. ભાજપ ૭૦ પ્લસ ઉંમરના નેતાઓને ફરી રિપીટ ના કરે તો ગુજરાતના છ સાંસદની ટિકિટ કપાઈ શકે છે, જેમાં બનાસકાંઠા બેઠક પરથી પરબત પટેલ, મહેસાણા બેઠક પરથી શારદાબેન પટેલ જેઓ પોતે જ ચૂંટણી લડવાની ના પાડી ચૂક્યા છે, વલસાડ બેઠક પરથી ડૉ. કે. સી. પટેલ, અમદાવાદ પશ્ર્ચિમ બેઠક પરથી કિરીટ સોલંકી, રાજકોટ બેઠક પરથી મોહન કુંડારિયા, સાબરકાંઠા બેઠક પરથી દિપસિંહ રાઠોડને ફરિવાર ટિકિટ મળવી મુશ્કેલ દેખાઈ રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ