ગુજરાતમાં મોતના માર્ગ? માર્ગ અકસ્માતને કારણે દરરોજ 22 લોકોના મૃત્યુ

અમદાવાદઃ દેશમાં વધી રહેલા માર્ગ અકસ્માતો અંગે જનજાગૃતિ લાવવા માટે સડક સુરક્ષા સપ્તાહની ઉજવણી ચાલી રહી છે. આ દરમિયાન રાજકોટ શહેર અને જિલ્લામાં ટ્રાફિક પોલીસ દ્વારા અવારનવાર ટ્રાફિક અવેરનેસ ડ્રાઈવ યોજવામાં આવે છે. જેથી અકસ્માતની સંખ્યામાં ઘટાડો થાય અને લોકોને ટ્રાફિકના નિયમો વિશે માહિતી મળે. રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ, આરટીઓ કચેરી, પોલીસ કમિશનર અને ડીસીપીની સરાહનીય કામગીરીને પગલે વર્ષ 2023 કરતાં વર્ષ 2024માં માર્ગ અકસ્માતની સંખ્યામાં 6-7 ટકાનો ઘટાડો નોંધાયો છે.
વર્ષ 2023માં 7852 લોકોના મોત વર્ષ 2023માં રાજકોટ શહેર, ગ્રામ્ય અને જિલ્લામાં 370 લોકોના મોત માર્ગ અકસ્માતમાં થયા હતા. જેમાં રાજકોટ શહેરમાં 169 અને જિલ્લામાં 197 લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયાં છે. જ્યારે ગુજરાતમાં વર્ષ 2023માં 7852 લોકોના મોત માર્ગ અકસ્માતમાં થયાં છે. જ્યારે ભારત દેશમાં કુલ માર્ગ અકસ્માતમાં 1,73,000 લોકોના મોત થયાં હતાં.
Alsor read: અમદાવાદમાં અકસ્માતના બે બનાવમાં દંપતી સહિત ત્રણ લોકોના મૃત્યુ
રાજકોટમાં દરરોજ 1 વ્યક્તિનું માર્ગ અકસ્માતમાં મોત અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં દરરોજ સરેરાશ 140 લોકોના માર્ગ અકસ્માતમાં મોત થાય છે. જ્યારે ગુજરાતમાં દરરોજ 22-23 લોકોના મોત માર્ગ અકસ્માતમાં થાય છે. રાજકોટ જિલ્લામાં દરરોજ 1 વ્યક્તિનું મોત માર્ગ અકસ્માતમાં થાય છે. વર્ષ 2023માં રાજકોટ ખાતે 169 લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા હતા. જ્યારે વર્ષ 2024માં આ સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. વર્ષ 2024માં માર્ગ અકસ્માતમાં 157 લોકોના મોત થયા હતા. એટલે માર્ગ અકસ્માતમાં ગયા વર્ષ કરતાં આ વર્ષે 6થી 7 ટકાનો ઘટાડો નોંધાયો છે.