રાજ્યમાં ઉત્તરાયણમાં 22 લોકોના મૃત્યુ, અમદાવાદ એરપોર્ટ પરથી 7000 પતંગ પકડવામાં આવી
અમદાવાદઃ ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર ખૂબ ઉત્સાહની મનાવવામાં આવ્યો હતો. બે દિવસ દરમિયાન રાજ્યમાં વિવિધ ઘટનામાં 22 લોકોના મૃત્યુ થયા હતા. અમદાવાદમાં એક, વડોદરામાં 6, રાજકોટમાં 4, મહેસાણા અને સુરતમાં બે-બે લોકોએ જીવ ગુમાવ્યા હતા. નવસારી અને વલસાડમાં પણ એક – એક લોકોએ જીવ ગુમાવ્યો હતો. મહેસાણામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના કારણે બંને લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે 2500થી વધુ લોકો ઘાયલ થયા હતા. અમદાવાદમાં 100થી વધુ લોકો દોરીથી ઘાયલ થયા હતા.
ઇમરજન્સી કેસમાં ત્રણ ગણો વધારો
અમદાવાદના ડેપ્યુટી કમિશ્નર બી સી પરમારના જણાવ્યા મુજબ, ઉત્તરાયણમાં દોરોથી ઘાયલ થયેલા 34 લોકોને એલજી હૉસ્પિટલમાં, 33ને શારદાબેન હૉસ્પિટલમાં, 23ને વીએસ હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. બે લોકોને આંખમાં ઇજા થઈ હોવાથી આંખની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ વખતે ગળુ, આંખ, હાથ, આંગળી, પગ અને માથામાં ઇજાના કેસની સંખ્યા વધારે હતી. ઉત્તરાયણ દરમિયાન ઇમરજન્સી કેસમાં પણ ત્રણ ગણો વધારો થયો હતો. ઈએમઆરઆઈને 14 અને 15 જાન્યુઆરીએ અઅમદાવાદ સિટી અને રૂરલમાંથી 1150 ઈમરજન્સી કોલ મળ્યા હતા. જ્યારે 15 જાન્યુઆરીએ સાંજે 6 વાગ્યા સુધીમાં 3300થી વધુ ઈમરજન્સી કોલ મળ્યા હતા.
અમદાવાદ એરપોર્ટ પરથી 7000થી વધુ પતંગ એકત્ર કરવામાં આવ્યા
ઉત્તરાયણ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પરથી મોટી સંખ્યામાં પતંગ એકત્ર કરવામાં આવ્યા હતા. એરપોર્ટ સત્તાધીશોના કહેવા મુજબ 11 થી 15 જાન્યુઆરી સુધી રન વે પરથી પતંગ એકત્ર કરવા 30 લોકોની ટીમ રાખવામાં આવી હતી. ઉત્તરાયણના દિવસે 10-10 માણસોની ત્રણ ટીમે કામગીરી કરી હતી. 11 થી 15 જાન્યુઆ દરમિયાન આ ટીમ દ્વારા 7000થી વધુ પતંગ પકડવામાં આવ્યા હતા.
Also read: ઉત્તરાયણનું પર્વ બન્યું જીવલેણ; રાજ્યમાં 6 લોકોના મૃત્યુ
અમદાવાદ એરપોર્ટના સૂત્રોના જણાવ્યા મુજબ, એરપોર્ટની આસપાસ મોટી સંખ્યામાં માનવ વસાહત છે. જેમાં મેઘાણીનગર, સરદારનગર, કોતરપુર, નોબલનગર, હાંસોલ અને શાહીબાગનો સમાવેશ થાય છે. કેટલી સોસાયટી એરપોર્ટ વૉલની એકદમ નજીક આવેલી છે. ઉત્તરાયણના પર્વ પર આ વિસ્તારમાંથી પણ લોકો મોટા પાયે પતંગ ચગાવે છે, જેના કારણે પતંગો કપાઇને એરપોર્ટ એરિયામાં પડે છે. પતંગ જો પ્લેનના વ્હીલમાં ફસાઇ જાય તો મોટી મુશ્કેલી ઉભી થઈ શકે છે. ગત વર્ષે પણ હજારો પતંગ કપાઇને એરપોર્ટ પર પડ્યા હતા.