E-vehicle Subsidy: અમદાવાદમાં 2135 લોકોને ઈ-વ્હિકલની સબસિડી મળી નથી
અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા ઈલેક્ટ્રિક વાહનોના વેચાણને પ્રોત્સાહન આપવા 2021થી સબસિડી આપવાની યોજના અમલમાં મૂકી હતી. શહેરમાં આ સમયગાળામાં 15,648 અરજદારોએ સબસિડી મેળવવા અરજી કરી હતી. જેમાં હજુ સુધી 2135 લોકોને રૂ. 20 હજારથી માંડીને 1.5 લાખ સુધીની સબસિડી આપવામાં આવી નથી.
રાજ્ય સરકારે ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વધારાને પ્રોત્સાહન આપવા માટે સરકારે સબસિડી 900 કરોડ ફાળવ્યા હતા. 1.10 લાખ ટુ વ્હીલર, 10 હજાર કાર અને 70 હજાર થ્રી વ્હીલરને સબસિડી આપવાની હતી. ટુવ્હીલરનો લક્ષ્યાંક પૂરો થઈ ગયો છે. પરંતુ કાર અને થ્રી વ્હીલર ખરીદનારાને હાલ સબસિડી મળી રહી છે. સરકાર કિલોવોટ બેટરી પાછળ 10 હજાર સબસિડી આપતી હતી. આ ગણતરીએ ટુ વ્હીલરને અંદાજે 20 હજાર, કારને 1.5 લાખ અને થ્રી વ્હીલરને 50 હજાર સબસિડી મળી શકે.
આ અંગે આરટીઓના અધિકારીએ જણાવ્યું હતુ કે, સબસિડી માટે રજૂ કરવામાં આવતા ફોર્મ સાથે લોકો પૂરતા દસ્તાવેજ જોડતા નથી. જેને કારણે સબસિડી મેળવવામાં સમસ્યા સર્જાય છે. જે અરજદારે યોગ્ય પુરાવા જોડ્યા હોય તેમને સાત દિવસમાં જ સબસિડી મળી જતી હોય છે. વાહન ડીલરના જણાવ્યા અનુસાર ઈલેક્ટ્રિક ટુ વ્હીલરની ખરીદી કરનારાને સબસિડી મળશે નહીં.