ગુજરાતમાં એક વર્ષમાં 20 નકલી અધિકારી પકડાતા કૉંગ્રેસે શું કરી માંગ? જાણો

રાજકોટઃ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાંથી નકલી સરકારી ઓફિસ, નકલી અધિકારી, નકલી શાળા ચાલતી હોવાના ખુલાસાઓ થયા છે. રાજ્યમાં નકલી સીએમઓથી લઈ નકલી જજ પકડાયા છે, જેને લઈ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સરકાર પાસે નકલી મંત્રાલય વિભાગ જાહેર કરવા માંગણી કરવામાં આવી હતી.
રાજકોટ કૉંગ્રેસના અતુલ રાજાણીએ મીડિયાને જણાવ્યું, રાજ્યમાં સમયાંતરે પકડતા નકલી અધિકારીઓના કારણે ગાંધી અને સરદારનું ગુજરાત રાજયના નબળા વહીવટને કારણે દેશમાં બદનામ થઈ રહ્યું છે. સરકારમાં પી.એમ અને સી.એમ પણ વારંવાર કહેતા હોય છે કે વિરોધ પક્ષ કોઈ સારું સૂચન કરે તો અમે કરવા તૈયાર જ હોઈ છીએ. રાજ્યની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાનમાં લઈને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સરકારને નકલી મંત્રાલય વિભાગ જાહેર કરવા માંગ કરે છે.
તેમણે કહ્યું, આજે એક પણ મંત્રાલય કે વિભાગ એવો નથી જ્યાં કોઈ નકલી ના પકડાયો હોય. આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને આગામી વિધાનસભામાં આ નકલીઓને ડામવાનો કડક કાયદો લાવવામાં આવે તેવી માંગ છે. તેમજ બીજા મંત્રાલયની જેમજ નકલી મંત્રાલયમાં કેબિનેટ મંત્રી, રાજય કક્ષાના મંત્રી તથા અગ્ર સચિવ, સચિવનું સંપૂર્ણ મહેકમ મંજૂર કરવામાં આવે. જેથી ગુજરાતના કરોડો લોકોની સેવા કરી શકે અને બીજા વિભાગને પણ આ નકલીઓના સામ્રાજય ડામવામાંથી મુક્તિ મળી શકે. ગુજરાતનું ક્યું મંત્રાલય નકલીમાંથી મુક્ત રહ્યું તેને લઈ અમે ઈનામ જાહેર કરીશું.