ગુજરાતમાં એક જ દિવસમાં હાર્ટ એટેકની 2 કરૂણ ઘટનાઓ
ચાલુ બસે ડ્રાઇવરને હાર્ટ એટેક, 10 વર્ષીય બાળકીના શ્વાસ થંભ્યા..
હિંમતનગર/ભરૂચ: આજે ગુજરાતમાં હૃદય દ્રવી જાય તેવી હાર્ટ એટેકની 2 ઘટનાઓ ઘટી છે. પહેલી ઘટનામાં હિંમતનગર-વિજાપુર હાઈવે પર પાટણ-લુણાવાડાની બસ ચલાવી રહેલા એસટી બસના ડ્રાઈવરને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. જો કે તેણે આ કપરી સ્થિતિમાં પણ બહાદુરી બતાવી હતી અને મુસાફરોના જીવ બચે તે માટે બસ સાઇડમાં ઉતારી મુસાફરોનો જીવ બચાવ્યો હતો.
વિજાપુર હાઇવે પાસે આવેલા એક ખાડામાં ઓચિંતા જ ડ્રાઇવરે બસ ઉભી રાખી દેતા મુસાફરોનું ધ્યાન તેના પર પડ્યું હતું અને લોકોએ એકત્ર થઇ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી તેને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હાલ આ ડ્રાઇવરની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.
અન્ય એક કિસ્સામાં ભરૂચમાં ચોથા ધોરણમાં ભણતી 10 વર્ષની માસૂમ બાળકીને ઓચિંતો હાર્ટ એટેક આવતા પરિવાર તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. તે ઉપરાંત ભરૂચમાં આજે ચાર વ્યક્તિઓને હાર્ટ એટેક આવ્યા હતાં જેમાંથી ત્રણ લોકોના મોત થયાં છે અને એકની સારવાર ચાલુ છે. રાજકોટમાં પણ વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકને કારણે મોત નિપજ્યું છે.