ગુજરાતનો ટેબ્લો પિપલ્સ ચોઇસ એવૉર્ડમાં પ્રથમ: જ્યૂરી ચોઇસમાં બીજા ક્રમે
અમદાવાદ: ગુજરાતને મળેલા આ ગૌરવ સન્માન ધોરડો વર્લ્ડ ટૂરિઝમ વિલેજ-યુએડબલ્યુટીઓ’ની થીમ આધારિત ઝાંખી મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા ૭૫મા પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં નવી દિલ્હી ખાતે કર્તવ્ય પથ પર પ્રસ્તુત કરવામાં આવી હતી. ૭૫મા પ્રજાસત્તાક પર્વની આ રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી અને પરેડમાં નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના પ્રેસિડેન્ટ ઇમેન્યુઅલ મેક્રોનની પ્રેરક ઉપસ્થિતિમાં કર્તવ્ય પથ પર રજૂ થયેલી રાજ્યોની વિવિધ ઝાંખીમાંથી ગુજરાત સરકાર દ્વારા પ્રસ્તુત કરાયેલા આ નયનરમ્ય ટેબ્લોને પિપલ્સ ચોઈસ એવૉર્ડઝ કેટેગરીમાં દેશભરમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે. પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં પ્રતિવર્ષ દેશભરના રાજ્યો અને વિવિધ વિભાગો દ્વારા ટેબ્લોઝ પ્રસ્તુત કરવામાં આવે છે. ૨૦૨૪ની આ વર્ષની પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં દેશના રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશ તથા મંત્રાલયો મળીને કુલ ૨૫ ટેબ્લોની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી. આ ટેબ્લોઝની ઝાંખીમાં ગુજરાતના ટેબ્લોને સતત બીજા વર્ષે પિપલ્સ ચોઇસ-જનતા જનાર્દનની પસંદગીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે. એટલું જ નહીં, ટેબ્લોઝની શ્રેષ્ઠતા માટેની પસંદગી સમિતિની- જ્યૂરીની ચોઈસમાં પણ ગુજરાતના ટેબ્લોએ બીજો ક્રમ મેળવ્યો છે.