આપણું ગુજરાત

ગુજરાતમાં વરસાદથી 18 લોકોના મૃત્યુ, 20 જિલ્લાઓમાં એસ.ડી.આર.એફની ટીમો તહેનાત કરવામાં આવી

રાજ્યમાં વરસાદથી 18 લોકોના મૃત્યુ

ગાંધીનગરઃ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે રાહત કમિશનર આલોકકુમાર પાંડેએ આગામી સમયમાં રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીની માહિતી આપતા જણાવ્યું હતું કે, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે SEOC ગાંધીનગર ખાતે IMDના અધિકારીઓ, એન.ડી.આર.એફ, એસ.ડી.આર.એફ, અન્ય વિભાગો તેમજ વરસાદથી પ્રભાવિત જિલ્લાના કલેકટરો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઈને ત્યાં થયેલી રાહત -બચાવ અને અન્ય કામગીરીની સમીક્ષા કરી હતી.

રાહત કમિશનરે જણાવ્યું હતું કે, અરબ સાગરમાં લો પ્રેશરની સ્થિતિના કારણે આગામી બે દિવસોમાં ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના ક્ષેત્રમાં વરસાદની સ્થિતિ જોવા મળશે. અત્યાર સુધીમાં બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં અને ત્યારબાદ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં સૌથી વધુ વરસાદ જોવા મળ્યો હતો.

રાહત બચાવની કામગીરીની વિગતો આપતા પાંડેએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ૧૨ એન.ડી.આર.એફની ટીમ વરસાદી સ્થિતિમાં નાગરિકોને સલામત સ્થળે ખસેડવા અને આપત્તિના સમયે નાગરિકોના બચાવ માટે જુદા જુદા જિલ્લાઓમાં મોકલવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના ૨૦ જિલ્લાઓમાં એસ.ડી.આર.એફની ટીમો પણ ડિપ્લોય કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી વરસાદ ચાલુ છે ત્યારે વીજળી પડવાથી, વાવાઝોડાનાં કારણે તથા અન્ય કેટલાક કારણોથી રાજ્યમાં ૧૮ જેટલા નાગરીકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત વરસાદમાં કાચા મકાનો અને પાકા મકાનોને પણ નુકશાન થયું છે. તેની ગ્રાન્ટ જિલ્લા કલેક્ટરને ફાળવવામાં આવી છે તેમ પણ જણાવ્યું હતું.

આ પણ વાંચો -‏‏‎ આજે ભાવનગર જિલ્લાની તમામ શાળાઓ બંધ રહેશે, ગુજરાતમાં 23 જૂન સુધી અતિભારે વરસાદની આગાહી

અત્રે ઉલેખ્ખનીય છે કે, ગુજરાતમાં ચોમાસાની સ્થિતિ સંદર્ભે રાહત કમિશનર શ્રીઆલોક પાંડેની અધ્યક્ષતામાં SEOC- ગાંધીનગર ખાતે ‘વેધર વોચ ગ્રુપ’ની બેઠક યોજાઈ હતી જેમાં ભારતીય હવામાન વિભાગના અધિકારી દ્વારા બેઠકમાં આગામી અઠવાડિયા દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button