અમદાવાદના ૧૭ ફાયર સ્ટેશન પરપચીસ ટીમ તહેનાત: જવાનોની રજા કેન્સલ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરમાં દિવાળીના તહેવારમાં આગની ઘટના વધુ પ્રમાણમાં બનતી હોય છે. તેને પહોંચી વળવા ફાયર વિભાગ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરી દેવાયો છે, જેમાં શહેરમાં ૧૭ ફાયર સ્ટેશનોમાં કુલ ૨૫ ટીમો તહેનાત રહેશે. દરેક ફાયર જવાનની રજાઓ કેન્સલ કરી દેવામાં આવી હતી, જેમાં એક ટીમમાં છ ફાયરકર્મીઓ રાખવામાં આવ્યા છે. તેમજ દરેક ફાયર સ્ટેશનમાં એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. જો કે, શહેરમાં દિવાળીમાં ફટાકડાને કારણે ફાયરની ઘટનાઓ મોટા પ્રમાણમાં બનતી હોય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવારને લઈને ફાયર વિભાગ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરી દેવાયો છે, જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તમામ ફાયર જવાનોની રજાઓ કેન્સલ કરવામાં આવી છે. તેમ જ દરેક ફાયર સ્ટેશનમાં એક ટીમ આગ લાગે તેવો ફોન આવે કે તરત જ રવાના થાય તેવી સૂચના પણ ફાયર ઓફિસરો દ્વારા આપવામાં આવી છે. તેમ જ રિવરફ્રન્ટ પર ફાયરની ટીમ પણ પેટ્રોલિંગ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષ ૨૦૨૧માં દિવાળીના તહેવારમાં ફાયરને આગના ૧૧૦ કોલ મળ્યા હતા. તેમ જ વર્ષ ૨૦૨૨માં ૧૦૭ કોલ મળ્યા હતા. જોકે આ વર્ષે છેલ્લા બે દિવસમાં નાની-મોટી આગ થઇને ફાયરને ૩૦થી વધુ કોલ મળી ચૂક્યા છે.