રાજકોટમાં એક જ રાતમાં 17 લોકોનાં મોત, પોસ્ટ મોર્ટમ રૂમમાં લાગી લાઇન

રાજકોટઃ શહેરમાં મોતનું કાળચક્ર ફર્યું હોય તેમ એક જ રાતમાં 17 લોકોનાં ટપોટપ મોત થતાં ફફડાટ ફેલાયો હતો. રાજકોટ સિવિલ હૉસ્પિટલના પોસ્ટ મોર્ટમ રૂમમાં મૃતદેહોના થપ્પા લાગ્યા હતા. 17 લોકોએ અલગ અલગ કારણોસર જીવ ગુમાવ્યો હતો. અકસ્માત, હાર્ટ એટેક સહિતના કારણોથી તમામના મોત નિપજ્યા હતા. રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં મૃતદેહોનો લાઇન લાગી હતી.
કયા કારણોસર થયાં મોત
રાજકોટમાં કોઈ પરિવારના સ્વજને આપઘાત કર્યો હતો, કોઈનું હૃદય બંધ પડી જતાં મૃત્યુ થયું હતું. કોઈનુ અકસ્માતમાં તો અમુકનું બીમારીથી મોત થયું હતું. સિવિલ હૉસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં લાશોનો ઢગલો થતાં રાતભર પીએમની કાર્યવાહી કરવામાં આવી હતી.
Also read: માંડવીમાં અન્નનળીમાં ફુગ્ગો ફસાઈ જતાં ત્રણ વર્ષના માસૂમનું મોત
પુત્રના લગ્નના ચાર દિવસમાં જ પિતાનું મોત
કોઠારિયા રોડ પર કૈલાસ પાર્કમાં રહેતા વિક્રમભાઇ વિભાભાઇ જળુ (ઉ.46) તેના ઘેર હતા ત્યારે અચાનક બેભાન થઇ જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. બનાવની જાણ થતા આજી ડેમ પેાલીસે તપાસ કરતા મૃતકને સંતાનમાં બે પુત્ર હોવાનું અને ચાર દિવસ પહેલાં તેના પુત્ર રાજના લગ્ન થયા હતા. જે આંગણે લગ્નના ઢોલ ઢબૂક્યા હતા ત્યાં આજે પિતાનાં મોતથી મરશિયા ગવાયા હતા. પરિવારજનોએ કાળો કલ્પાંત કર્યો હતો.
બેડીપરામાં રહેતા બંગાળી યુવક નઇમે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. યુવકના 15 દિવસ પહેલા જ લગ્ન થયા હતા. લોકમાન્ય તિલક ટાઉનશિપમાં રહેતા હરદેવ પરમાર નામના યુવકે સાતમાં માળેથી મોતની છલાંગ લગાવી હતી. મોરબીના જયંતિભાઈ ટાંક રાજકોટમાં દીકરી-જમાઈને મળીને જતા હતા ત્યારે કાગદડી પાસે વાહન સ્લીપ થતાં મૃત્યુ થયું હતું. જામનગર રોડ પર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશન પાસે ચા પીતી વખતે ઢળી પડતાં એખ પુરુષનું મોત થયું હતું. તિરુપતિ સોસાયટીમાં રહેતી એક મહિલાને પ્રસુતિની પીડા ઉપડ્યા બાદ મૃત્યુ થયું હતું. તમામ 17 મૃતકોના સ્વજનોએ કાળો કલ્પાંત કરતાં માહોલ ગમગીન બની ગયો હતો.