ગુજરાતમાં છ વર્ષમાં ૯૩ સરકારી અધિકારીઓ પાસેથી ૧૫૦ કરોડની અપ્રમાણસરની મિલકત જપ્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ : ગુજરાતમાં ભ્રષ્ટ સરકારી અધિકારીઓ વિરુદ્ધ એસીબીની કડક કાર્યવાહી ચાલી રહી છે. રાજ્યમાં ચાલુ વર્ષ ૨૦૨૩માં નવ સરકારી અધિકારી વિરુદ્ધ ગુનો નોંધીને ૮.૫૩ કરોડની અપ્રમાણસરની મિલકત જપ્ત કરવામાં આવી છે. છેલ્લાં છ વર્ષમાં ૯૩ સરકારી અધિકારીઓ પાસેથી ૧૫૦ કરોડથી વધુની અપ્રમાણસરની મિલકત મળી છે. કરોડોની અપ્રમાણસર મિલકત મળી આવતા ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં લાંચિયા સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ પર લાંચ રુશ્ર્વત વિરોધી બ્યુરોએ તવાઈ બોલાવી છે. વર્ષ ૨૦૨૩માં એસીબીએ અપ્રમાણસરની મિલકતને લઈને નવ ગુના નોંધ્યા છે અને ૮.૫૩ કરોડની અપ્રમાણસરની મિલકતને લઈને ખુલાસો કર્યો છે. રાજ્યમાં છેલ્લાં પાંચ વર્ષની વાત કરીએ તો ૨૦૧૯ માં ૧૮ ગુના નોંધીને ૨૭ કરોડની અપ્રમાણસરની મિલકત જપ્ત કરી છે. જ્યારે વર્ષ ૨૦૨૦ માં ૩૮ કેસ નોંધીને ૫૦ કરોડ, વર્ષ ૨૦૨૧ માં ૧૧ કેસ નોંધીને ૫૬ કરોડ અને વર્ષ ૨૦૨૨ માં પાંચ ગુના નોંધીને ૪.૫૨ કરોડની અપ્રમાણસરની મિલકત જપ્ત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, એસીબીના ડાયરેક્ટર દ્વારા ભ્રષ્ટાચારને નાબૂદ કરવા ચિંતન શિબિર પણ યોજી હતી. અને આ વર્ષે અપ્રમાણસરની કરોડોની મિલકત જપ્ત કરીને ભ્રષ્ટ અધિકારીઓ પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.