બોગસ ડેથ સર્ટિફિકેટ બનાવી બીજાની વીમા પૉલિસીના ૧૫ લાખ ઉપાડ્યા, ત્રણની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરમાં બોગસ ડેથ સર્ટિફિકેટ બનાવીને એક વીમા પૉલિસી ધારકની પૉલિસીના રૂ. ૧૫ લાખ ઉપાડી લેવામાં આવ્યા હતા. પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાની જાણ થતાં પૉલિસીધારકે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરીને ત્રણ આરોપીને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય ત્રણ આરોપીને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
એસીપીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરના એક રામચંદ્ર હરીલાલ પટેલ નામના વેપારીએ ૨૦૦૯ની સાલમાં એક પૉલિસી આદિત્ય બિરલા કેપિટલમાં લીધી હતી. ૨૦૦૯થી ૨૦૧૨ સુધી પ્રિમિયમ ભર્યું હતું. બાદમાં ૨૦૨૦માં પૉલિસી બંધ કરાવવાનો વિચાર આવ્યો ત્યારે તેઓ ઓફિસમાં ગયા હતા ત્યારે તેમને જાણવા મળ્યું કે તેમના ડેથ સર્ટિફિકેટ થકી તેમની પૉલિસીના ૧૫ લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. તેમની સાથે છેતરપિંડી થયાની જાણ થતાં તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો.આ કેસમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ત્રણ આરોપી ફારુક હુસૈન, રોહિત કુમાર અને સુનિલ શંકર સ્વરૂપને પકડ્યા હતા. જેમાં ઉજ્જૈનનો રહેવાસી સુનિલ શંકર સ્વરૂપ પહેલા ઇન્સ્યોરન્સની ઇન્કવાયરી કરતો હતો. તેણે રજનીકાંત સંતોષ પ્રસાદ સાથે મળીને આ સમગ્ર છેતરપિંડીનું કાવતરું રચ્યું હતું. તેની સાથે ફારુક હુસૈન લોસુનમિયા મિર્ઝા નામનો જે આરોપી પકડાયો છે, તે તલાટી-કમ મંત્રી છે અને બાયડ ગામનો રહેવાસી છે. ત્રીજો આરોપી રોહિત કુમાર છે, જેણે ફારુક હુસૈનને બોગસ ડેથ સર્ટિફિકેટ બનાવવા માટે પૈસા આપ્યા હતા. અત્યાર સુધીમાં આ છેતરપિંડી કેસમાં પોલીસે ત્રણ આરોપીને ઝડપ્યા હતા અને ત્રણ આરોપીની ધરપકડ કરવાની બાકી છે. જે આરોપી પકડવાના બાકી છે તેમાં ચિરાગ ગણેશ પરમાર નામના આરોપીએ જે નોમીની છે તેની પત્નીના નામનું બોગસ એકાઉન્ટ બેન્કમાં ખોલાવીને પૈસા ઉપાડ્યા હતા અને બાદમાં બધાએ ભાગ પાડ્યો હતો. અમદાવાદના કુબેરનગરનો રહેવાસી રાજેશ રાઠોડે રોહિત કુમારને કહ્યું હતું અને રોહિત થકી ફારુક હુસૈન પાસેથી બોગસ ડેથ સર્ટિફિકેટ બનાવડાવ્યું હતું. જે ત્રણ આરોપી પડકાયા છે તેમની અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ૨૦૨૧માં આ ત્રણેય આરોપીની આ જ પ્રકારની મોડસ ઓપરેન્ડીવાળા ગુનામાં અટકાયત કરવામાં આવી હતી.