અમદાવાદ: શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ૧૪મી ઓક્ટોબરે રમાનારી મેચને પગલે સમગ્ર શહેરમાં ૫૦૦૦ થી વધુ જવાનો તૈનાત કરાશે તેમજ સ્ટોડિયમાં પણ લોખંડી પહેરા ગોઠવવામાં આવશે. અમદાવાદમાં મેચ પહેલા સંવેદનશીલ વિસ્તારમાં પેરા મિલિટરી ફોર્સ ગોઠવાશે.ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચને પગલે સુરક્ષાના મુદ્દે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ પદે ગાંધીનગર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં આઈ.સી.સી. વર્લ્ડ કપ ક્રિકેટ મેચ સંદર્ભમાં રાજ્યના પોલીસ તંત્ર દ્વારા હાથ ધરાયેલી સુરક્ષા-સલામતી વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી સહિત મુખ્ય પ્રધાનના મુખ્ય અગ્રસચિવ કૈલાશનાથન, મુખ્ય સચિવ રાજકુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની સુરક્ષા વ્યવસ્થા અંગે તથા મેચ જોવા આવનારા દર્શકોની સલામતી તથા ટ્રાફિક નિયમન અંગે પણ બેઠકમાં વિગતો મેળવી હતી. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સુરક્ષા વ્યવસ્થા બાબતે વિસ્તૃત સમિક્ષા કરાઈ છે. ભારત પાક.ની મેચ જોવા અનેક રાજ્યોમાંથી દર્શકો આવશે. સ્ટેડિયમ નજીકની તમામ એમ્બ્યુલન્સને ડાયનામિક ડીસ્પેચ આપવામાં આવશે. વર્લ્ડ કપની પ્રથમ મેચમાં પાંચ વધારાની એમબ્યુલન્સ રાખવામાં આવી હતી. ગુજરાત કિક્રેટ એસોસિએશન અને પોલીસ સાથે સંકલન કરી જરૂર જણાતા વધુ એમ્બ્યુલન્સ પણ મુકાશે.
