અમદાવાદમાં રખડતાં ઢોર-કૂતરાઓ સંબંધી એક મહિનામાં ૧,૩૪૬ ફરિયાદો
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત હાઈ કોર્ટના કડક વલણ બાદ અમદાવાદ શહેરમાં રખડતાં ઢોર પકડવાની ઝુંબેશ સઘન બનાવવામાં આવી છે. અમદાવાદ મનપા દ્વારા રોજ ખૂબ જ મોટી સંખ્યામાં રખડતા ઢોર પકડવામાં આવે છે, પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે શહેરના નાગરિકો દ્વારા ઓક્ટોબર મહિનામાં સીએનસીડી વિભાગમાં રખડતાં ઢોર કરતાં કૂતરાઓ માટે વધુ ફરિયાદ કરવામાં આવી હતી. ઓક્ટોબર મહિનામાં રખડતાં ઢોરની ૩૯૧ ફરિયાદ સામે કૂતરાઓની ૯૫૫ ફરિયાદ થઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં રખડતાં કૂતરાઓની સમસ્યા વર્ષો જૂની છે. છેલ્લાં દોઢ દાયકાથી શહેરના નાગરિકો રખડતાં કૂતરાઓથી પરેશાન છે. સાથે સાથે રખડતાં ઢોરની સમસ્યા પણ વધી રહી છે. ગુજરાત હાઈ કોર્ટની આકરી ટીકા બાદ મનપા તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ થઈ છે. જ્યારે શહેરી કૂતરાઓ માટે ખસીકરણ કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેના ધાર્યા પરિણામ મળતાં નથી. જેના કારણે નાગરિકો ત્રસ્ત છે. શહેરના તમામ વિસ્તારમાં રખડતાં કૂતરાની સમસ્યા વધી રહી છે. જે બાબત સીએનસીડી વિભાગ સમક્ષ નાગરિકોએ કરેલી ફરિયાદ ફલિત કરે છે. શહેરના મધ્ય ઝોનના જમાલપુર વોર્ડમાં એક મહિનામાં રખડતાં કૂતરાઓ માટે ૨૫ અને દરિયાપુર વોર્ડમાંથી ૧૫ ફરિયાદો થઈ હતી. જ્યારે ઉ.પ. ઝોનના બોડકદેવ વોર્ડમાં રખડતાં ઢોર માટે ૩૮ ફરિયાદો કરવામાં આવી હતી. દક્ષિણ ઝોનના ઈસનપુર વોર્ડમાં ૩૫ અને ખોખરા વોર્ડમાં ૨૦ ફરિયાદ રખડતાં કૂતરા માટે નોંધાઈ હતી. જ્યારે દ.પ. ઝોનના સરખેજ વોર્ડમાં ૧૪, પશ્ર્ચિમ ઝોનના નવરંગપુરા વોર્ડમાં ૨૨ અને સાબરમતી વોર્ડમાં ૨૮ ફરિયાદ છેલ્લા એક મહિના દરમિયાન રખડતાં કૂતરાં માટે નોંધાઇ હતી. જેની સામે ઉત્તર ઝોનના નરોડા વોર્ડમાં રખડતાં ઢોર માટે ૨૪, સૈજપુર બોઘા વોર્ડમાં ૩૬, સરદારનગર વોર્ડમાં ૨૩ ફરિયાદ નાગરિકો દ્વારા કરવામાં આવી હતી.
ઉ.પ. ઝોનના ઘાટલોડિયા વોર્ડમાં ૧૫ અને ગોતા વોર્ડમાં ૨૨ ફરિયાદ નાગરિકોએ કરી હતી. પશ્ર્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાંથી રખડતાં કૂતરાં માટે ૧૨ અને રખડતાં ઢોર માટે ૧૫, જ્યારે સાબરમતી વોર્ડમાં રખડતાં ઢોર માટે ૧૨ અને કૂતરાં માટે ૨૮ ફરિયાદો નાગરિકો દ્વારા કરવામાં આવી હતી.