હોળી-ધૂળેટીએ માર્ગ અકસ્માતમાં 13 લોકોનાં મૃત્યુ, 108 ઈમરજન્સીને મળ્યા અધધ કોલ…

અમદાવાદઃ ગુજરાતભરમાં ધામધૂમથી ધૂળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યમાં હોળી-ધૂળેટીના પર્વની પર મારામારી, માર્ગ અકસ્માત સહિતની ઘટનાઓ નોંધાઈ હતી. તહેવારોમાં અકસ્માત સહિતની ઘટનાઓને ધ્યાનમાં રાખીને રાજ્યમાં 24 કલાક 108 ઈમરજન્સી સેવામાં સજ્જ રહી હતી. 108 ઈમરજન્સી સેવા દ્વારા રાજ્યમાં ધૂળેટીની સાંજે 6 વાગ્યા સુધીમાં આવેલા કોલને લઈને આંકડાકીય માહિતી જાહેર કરી હતી. 3485 કોલ્સમાંથી સૌથી વધુ 715 માર્ગ અકસ્માતના કોલ નોંધાયા હતા. મેડિકલ ઈમરજન્સીના કેસમાં 30 ટકા જેટલો વધારો થયો છે. ગુજરાત માટે હોળી-ધુળેટીના બે દિવસમાં માર્ગ અકસ્માતમાં 13 લોકોના મોત નીપજ્યાં હતા.
Also read : અમદાવાદમાં ગટરમાં ઉતાર્યા બાદ સફાઇ કામદારનું મોત; કોન્ટ્રાકટર સહિત ત્રણ સામે ફરિયાદ…
માર્ગ અકસ્માતની ઘટનાના સૌથી વધુ 715 કોલ્સ
108 ઈમરજન્સી સેવા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ રાજ્યમાં શુક્રવારે ધૂળેટીના દિવસે 3485 મેડિકલ ઈમરજન્સી કોલ્સ આવ્યા હતા. જેમાંથી માર્ગ અકસ્માતની ઘટનાના સૌથી વધુ 715 કોલ્સ નોંધાયા હતા. જ્યારે 360 મારામારીના અને 209 સામાન્ય ઈજાના નોંધાયા હતા.
અમદાવાદમાં સૌથી વધુ માર્ગ અકસ્માતના કેસ નોંધાયા
અકસ્માતના અમદાવાદમાં 95 કેસ, સુરતમાં 93 કેસ, વડોદરામાં 51 કેસ, રાજકોટમાં 34 કેસ, દાહોદમાં 30 કેસ, ખેડામાં 29 કેસ, બનાસકાંઠામાં 24 કેસ, પંચમહાલ-ભરૂચમાં 23-23 કેસ અને વલસાડ, નવસારી અને આણંદમાં 20-20 કેસ 108 ઈમરજન્સીમાં આવ્યા હતા. સામાન્ય રીતે રાજ્યમાં સરેરાશ 3735 ઈમરજન્સી કોલ્સ નોંધાતા હોય છે. જ્યારે સામાન્ય દિવસની સરખામણીએ માર્ગ અકસ્માતને લઈને 108 ઈમરજન્સીમાં નોંધાયેલા કેસમાં વધારો નોંધાયો છે. જેમાં 458 સામાન્ય દિવસના કોલની તુલનાએ એક દિવસમાં 257 જેટલાં કોલ વધુ નોંધાયા હતા.
હોળી-ધૂળેટીએ માર્ગ અકસ્માતમાં 13 લોકોના મોત
ગુજરાત માટે હોળી-ધૂળેટીનો તહેવાર ગોઝારો બન્યો હોય તેમ બે દિવસમાં માર્ગ અકસ્માતમાં 13 લોકોના મોત નીપજ્યાં હતા. એક તરફ ગુજરાતીઓ રંગોના પર્વને ધામધુમથી ઉજવી રહ્યાં હતાં, ત્યારે ઘણાં પરિવાર માટે રંગોનો પર્વ બેરંગ બની માતમમાં ફેરવાઈ ગયો હતો.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ મુક્તાનંદ સર્કલ પાસે ગઈકાલે (13 માર્ચ, 2025) રાત્રે નશામાં ચૂર કારચાલકે 8 લોકોને અડફેટે લઈને ફૂટબોલની જેમ ફંગોળ્યા હતા. જેમાં ઘટનાસ્થળે જ મહિલાનું મોત થયું હતું. બીજી ઘટનામાં વડોદરાના પોર નજીક અર્ટિગા કારનો ગમખ્વાર અકસ્માત થયો છે. સુરતના એક પરિવારની પાવાગઢથી પરત ફરતા અર્ગિટા કાર હાઈવેથી નીચે ઉતરી ઝાડ સાથે અથડાઈ હતી. જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યા હતા.
Also read : અમારા માસૂમ બચપણ પર લગ્નની જવાબદારી ન ઠોકોઃ કોડિંગ ગેમ બનાવી બાળકોએ આપ્યો સંદેશો ને બન્યા વિજેતા
ખેડા જિલ્લામાં હોળી-ધુળેટીના તહેવાર દરમિયાન બે અલગ-અલગ વાહન અકસ્માતમાં બે વ્યક્તિના મોત નીપજ્યા હતા. ગળતેશ્વર તાલુકાના માલવણ ગામના હિતેશભાઈ શાંતિલાલ પટેલને હોળીના દિવસે આણંદથી મોડી રાત્રે પરત ફરતી વખતે ગળતી નદીના પૂલ પર અજાણ્યા વાહને ટક્કર મારી હતી. ગંભીર ઈજાઓને કારણે ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બીજો અકસ્માત ધૂળેટીના દિવસે નડિયાદમાં યોગેશ ઉર્ફે યુવરાજ રાજપૂત (ઉ.વ.22) પોતાના બનેવીના ઘરેથી મોટરસાયકલ લઈને નીકળ્યા હતા. આ દરમિાયન કારે તેમને ટક્કર મારી હતી. અકસ્માતમાં યોગેશનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
હોળીના દિવસે રાજકોટથી દાહોદ તરફ જઈ રહેલા ડીજે સાઉન્ડ સિસ્ટમ ભરેલા ટ્રકનો ધોળકા-બગોદરા હાઇવે પર ગાંગડ ગામ નજીક ટાયર ફાટતાં પલટી ખાતાં બે વ્યક્તિના મોત નીપજ્યા હતા. હોળીના દિવસે અમદાવાદ-બાવળા હાઈવે પર મટોડા પાટિયા પાસે એક કારે બે બાઇક અને એક સ્કૂટરને અડફેટે લીધા હતા. જેમાં સ્કૂટર પર સવાર પ્રકાશ હુરજીભાઇ મીના (ઉં.વ.32)નું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
હોળીના દિવસે જેતલાવાસણા ગામના રમેશ રબારી બાઈક મહેસાણા-ઊંઝા હાઈવે પર જઈ રહ્યા હતા. ત્યારે કારએ તેમની બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રમેશભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક મહેસાણાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. સુરતના માંડવી તા લુકાના અરેઠ ગામમાં અકસ્માત સર્જાતા ટ્રેક્ટરચાલક રમેશ ચૌધરી (ઉં.વ.58)નું મૃત્યુ થયું હતું.
Also read : માનવ તસ્કરી કરતાં દેશના કુલ એજન્ટ પૈકી 50 ટકા ગુજરાતી, ઈડી તપાસમાં થયો ખુલાસો…
ઊંઝા તાલુકામાં હોળીના દિવસે વિસનગર તાલુકાના તરભ ગામના રાજપૂત વાસના રહેવાસી કરસનસિંહ રાજપૂત (ઉં.વ.62) પોતાના બાઇક પર કરલીથી તરભ ગામ જવાના રોડ પર જીઇબી સ્ટેશન નજીક એક અજાણ્યા વાહનચાલકે તેમના બાઇકને ટક્કર મારી હતી. ગંભીર રીતે ઘવાયેલા કરસનસિંહને 108 એમ્બ્યુલન્સ મારફતે ઊંઝા કોટેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.