આપણું ગુજરાત

ગુજરાતમાં કોરોનાના ૧૩ એક્ટિવ કેસ: એક પણ દર્દી હૉસ્પિટલમાં સારવાર હેઠળ નથી

૫૭૦૦ થી વધુ સરકારી અને પ્રાઇવેટ હૉસ્પિટલમાં મોકડ્રિલ યોજાઇ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં ઠંડી શરૂ થતા જ ફરી એક વાર કોરોના વાઈરસના નવા વેરિયન્ટને પગલે લોકોમાં ગભરાટ ફેલાયો છે. પાટનગર ગાંધીનગરમાં જ બે કેસ નોંધાયા બાદ સરકારે આરોગ્ય તંત્રને એલર્ટ કર્યું છે. બીજી બાજુ સરકારના પ્રવક્તા પ્રધાને જ રાજ્યમાં કોરોનાના ૧૩ કેસ નોંધાયા હોવાનું સ્વીકાર્યું છે. તેમણે કોરોના નવા વેરિયન્ટ સામે આરોગ્ય તંત્ર તૈયાર હોવાનો પણ દાવો કર્યો હતો.
રાજ્યના આરોગ્ય પ્રધાન અને પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઓક્ટોબરની સરખામણીએ ડિસેમ્બર મહિનામાં નોંધાયેલા કેસની સંખ્યા ઓછી છે. હાલ રાજ્યામાં ૧૩ જેટલા એક્ટિવ કેસ છે. જેમાં એક પણ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ નથી. રાજ્યમાં કોરોના પોઝિટિવ તમામ કેસોનું જીનોમ સિકવન્સિંગ કરવામાં આવે છે. હાલ વિશ્ર્વમાં જોવા મળી રહેલા જે.એન.૧ વેરિયન્ટથી લોકોએ ગભરાવવાની જરૂર નથી. આ વેરિયન્ટના કેસોમાં તેની ઘાતકતા ઓછી જોવા મળી છે. જેથી લોકોએ ગભરાવવાની નહીં, પરંતુ સતર્કતા રાખવી જરૂરી છે.

બુધવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયાએ દેશનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના આરોગ્ય પ્રધાન તેમજ આરોગ્ય સેક્રેટરી સાથે યોજેલી વીડિયો કોન્ફરન્સ સંદર્ભે ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આ વીડિયો કોન્ફરન્સમાં સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિ અંગે રીવ્યુ કરવામાં આવ્યો હતો. દેશમાં કેટલાંક રાજ્યોમાં જોવા મળી રહેલ કોરોનાના કેસ સંદર્ભે તેમણે સતર્કતા રાખવા સૂચના આપી હતી. કોરોના સંદર્ભે તમામ વ્યવસ્થાઓ સુનિશ્ર્ચિત કરવા માટેની તાકીદ પણ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખભાઇ દ્વારા કરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, ગુજરાતમાં ૧૩ થી ૧૭ ડિસેમ્બર સુધીમાં રાજ્યની ૫૭૦૦ થી વધુ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં કોવિડની પૂર્વ તૈયારીના ભાગરૂપે મોકડ્રિલનું આયોજન કરાયું હતું. જેમાં સમગ્ર વ્યવસ્થા, તૈયારીઓ, બફર સ્ટોકની ઉપલબ્ધતા સુનિશ્ર્ચિત કરાઇ છે. હાલ રાજ્યમાં નોંધાતા કોરોના પોઝિટિવ કેસમાં તેમનું જીનોમ સિકવન્સિંગ પણ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય પ્રધાને ઉમેર્યું હતું કે, શિયાળાની ઋતુ દરમ્યાન સામાન્ય રીતે શરદી, તાવ, ઉધરસ વગેરેના કેસોમાં વધારો જોવા મળે છે જેથી અગમચેતીના ભાગરૂપે હાલ કોવિડ-૧૯ના કેસો ન વધે તેની તકેદારી રાખવા તંત્રને સૂચના આપી દેવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button