આપણું ગુજરાત

નર્મદા નદીના પટમાં આવેલા વ્યાસ બેટમાં ફસાયેલા ૧૨ લોકોને આર્મીની બોટથી બચાવાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: મધ્ય ગુજરાતમાં અનરાધાર વરસાદથી વ્યાસ બેટમાં ફસાયેલા ચાર સ્ત્રી, બે બાળકો અને છ પુરુષોને બચાવી લેવામાં આવ્યા હતા.
કરજણ તાલુકામાં નર્મદા નદીની વચ્ચે આવેલા વ્યાસ બેટ ખાતે પૂરના પાણીમાં ફસાયેલા ૧૨ વ્યક્તિને સેનાની મદદથી બચાવી લેવામાં આવી છે. ખરાબ વાતાવરણના કારણે વાયુસેના કે કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર ઉડાન ના ભરી શકવાના કારણે આર્મીની બોટ મગાવી આ કાંઠા તરફ લાવવામાં આવી હતી. છેલ્લા ૪૮ કલાકથી ચાલી રહેલી મહેનત પછી સોમવારે સવારે આ પરિવારનું રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી.

ગત શનિવારના રોજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર અંગે સૂચના આપવા આવ્યા બાદ પણ વ્યાસ બેટ ખાતે એક પરિવારના ૧૨ સભ્યો સલામત સ્થળે આવી શક્યા નહોતા. હવે એ દરમિયાન નર્મદા નદીમાં પાણીની આવક વધતા વ્યાસ બેટમાં પાણી ભરાવાના શરૂ થયા હતા. આ સ્થિતિને ધ્યાને રાખીને કલેક્ટર અતુલ ગોર દ્વારા રાહત કમિશનર મારફત એરફોર્સનું હેલિકોપ્ટર મગાવવામાં આવ્યું હતું પરંતુ અમદાવાદમાં ભારે વરસાદના કારણે તે ઉડાન ભરી શક્યું નથી. તો ફરી સંકલન સાધી કોસ્ટગાર્ડનું એક ચોપર દમણથી અસાઇન કરવામાં આવ્યું હતું તેની સાથે પણ એવું થયું અને હેલિકોપ્ટર આવી શક્યું નથી. આ સ્થિતિને ધ્યાને રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રવિવારે બપોર બાદ એક બોટ નદીમાં ઉતારવામાં આવી હતી પણ પ્રવાહ એટલો તેજ હતો કે બચાવકર્મીઓએ પરત ફરવું પડ્યું હતું. આવી કપરી સ્થિતિને જોતા અંતે આર્મી પાસેથી વધુ શક્તિશાળી બોટ રવિવારે સાંજે મગાવી લેવામાં આવી અને સોમવારે સવારે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સવારે આર્મીની એક બોટ સ્થાનિક જાણકાર વ્યક્તિને સાથે રાખી નાસ્તો અને જરૂરી સામાન લઇ વ્યાસ બેટ ઉપર પહોંચી ગઇ હતી. જ્યાં ફસાયેલી તમામ ૧૨ વ્યક્તિને પ્રથમ તો નાસ્તો કરાવવામાં આવ્યો હતો અને બાદમાં બોટમાં બેસાડવામાં આવ્યા હતા. નદીના પ્રવાહમાં આ બોટ સલામત રીતે આ કાંઠા તરફ આવતા જિલ્લા વહીવટી તંત્ર અને ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button