આપણું ગુજરાત

રાજ્યમાં બળાત્કારના ૧૧ આરોપીઓને ફાંસી અને ૬૮ને આજીવન કેદની સજા થઇ છે: સંઘવી

(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ કૉંગ્રેસના ધારાસભ્યએ રાજ્યમાં મહિલાઓની સુરક્ષાની બાબતે સરકારને ભીડવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ગૃહ રાજ્ય પ્રધાને મહિલાઓની સુરક્ષાના મામલે ઉઠાવેલા સવાલોના જવાબમાં કહ્યું હતું કે, રાજ્યમાં બળાત્કારના ૧૧ આરોપીને ફાંસીની સજા આપવામાં આવી છે. ૬૮ આરોપીને આજીવન કેદની સજા કરવામાં આવી છે. રાજ્ય પોલીસે બળાત્કાર જેવા ગુનામાં ૨૪ કલાકમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. સુરતમાં બળાત્કારના ગુનામાં આરોપીને ૬૦ દિવસમાં ફાંસીની સજા ફટકારવામાં આવી હતી.
ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજ્યની મહિલાઓના સુરક્ષાના મામલે કૉંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરી અને શૈલેશ પરમારે એવો સવાલ ઉઠાવ્યો હતો કે, રાજ્યમાં મહિલા સુરક્ષા માટે કમિટી ક્યારે બનાવવામાં આવશે.
કૉંગ્રેસ ધારાસભ્ય તુષાર ચૌધરીએ નેશનલ ક્રાઇમ બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવેલા બળાત્કાર અને મહિલા અત્યાચારના આંકડા રજૂ કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં દર વર્ષે ૫૫૦ મહિલાઓ બળાત્કારનો ભોગ બને છે. રાજ્યમાં દર મહિને ૪૫ મહિલાઓ પર બળાત્કાર થાય છે. રાજ્યમાં દર મહિને ૧૦૦ મહિલાઓ પર હુમલા થાય છે. આ મહિલાઓની સુરક્ષા માટે રાજ્ય સરકારે કોઇ કમિટી બનાવી છે કે નહીં અથવા રાજ્ય સરકાર કમિટી બનાવવા માગે છે કે નહીં. આ ઉપરાંત કૉંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે મહિલા સુરક્ષા માટે કમિટી ક્યારે બનાવશો તેની માહિતી સરકાર પાસે માગી હતી.
રાજ્યમાં મહિલા સુરક્ષા અને કમિટી બનાવવા બાબતે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં બળાત્કાર જેવો એક પણ ગુનો ન નોંધાય તે માટે પોલીસ રાત દિવસ કામગીરી કરી રહી છે. દેશમાં અન્ય રાજ્ય કરતાં ગુજરાતમાં ક્રાઇમ રેટ ખૂબ ઓછો છે. દેશમાં બળાત્કારનો ક્રાઇમ રેટ ૪.૮ છે જ્યારે ગુજરાતનો ક્રાઇમ રેટ ૧.૮ છે.
સંઘવીએ કૉંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના પ્રશ્ર્નનો જવાબ આપતાં જણાવ્યું હતું કે, મહિલા સુરક્ષા સમિતિ મામલો ૨૭ વર્ષથી પેન્ડિંગ નથી. કમિટી ૨૦૧૪ અને ૨૦૧૭માં બનાવવામાં આવી હતી પણ સમય પૂર્ણ થઇ ગયો છે. મહિલા સુરક્ષા માટે સમિતિ ઝડપી બનાવીશું. ૨૭ વર્ષમાં ગુજરાતના ખૂણે ખૂણે મહિલાઓને સુરક્ષા ભાજપે આપી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button