Gujarat માટે મંગળવાર ‘અમંગળ’ સાબિત થયો, અકસ્માતની વિવિધ ઘટનામાં 11 લોકોનાં મૃત્યુ

Gujarat Accident News: ગુજરાત માટે મંગળવારનો દિવસ અમંગળ રહ્યો હતો. અકસ્માતની વિવિધ ઘટનામાં 10 લોકોનાં મૃત્યુ થયા હતા. ભાવનગર નજીક ત્રાપજ પાસે હાઈવે પર રોડની સાઇડમાં ઊભેલા ડમ્પર ટ્રકની પાછળ ખાનગી બસ અથડાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ભાઇ-બહેન સહિત 6 લોકોના મોત થયા હતા. જ્યારે 10 કરતાં વધુ લોકોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ભાવનગરના એસપી હર્ષદ પટેલનાં જણાવ્યા મુજબ, મહુવા તરફ જતી લકઝરી બસ સવારે 6 કલાકે ત્રાપજ ગામ નજીક ડમ્પર પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ખાનગી ટ્રાવેલ્સ બસનો એક બાજુના અડધા ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. દાહોદના લીમખેડામાં શાસ્ત્રી ચોક પાસે પૂરઝડપે આવતાં ટેન્કરે એક પ્રૌઢને અડફેટે લીધા હતા. જેમાં તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.
Also read: Bhavnagar સોમનાથ હાઇવે પર બસ- ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 6 લોકોના મોત
સુરતના સચિન વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટનામાં પોલીસ કોન્સ્ટેબલનું મોત થયું હતું. વેસુ પોલીસ મથકમાં ફરજ બજાવતાં કૉન્સ્ટેબલ ફરજ બજાવી ઘરે પરત ફરતા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે પાછળથી ટક્કર મારતાં ગંભીર ઈજા થતાં સારવાર અર્થે ખસેડાયા હતા. ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં કન્ટેનર ચાલકે બાઇક સવારને અડફેટે લેતાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. જ્યારે એકને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાના પગલે રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. માંડલા વરમોર ગામથી એક કિમી દૂર એંછવાડા ગામ તરફ જવાના રસ્તે બાઇક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં દંપત્તીનું મોત થયું હતું. દસાડા (પાટડી) તાલુકાના વણોદ ગામનું દંપત્તિ જખવાડા ગામે સામાજિક કામે બહાર ગયું હતું અને ત્યાંથી પરત ફરતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં પતિનું ઘટના સ્થળે અને પત્નીનું સારવાર માટે લઈ જતી વખતે મોત થયું હતું.