પાકિસ્તાનથી આવેલા આટલા નાગરિકો હવે ભારતીય
પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓ માટે આજે અનેરા આનંદનો દિવસ હતો. આજથી તેઓ શરણાર્થી મટી ભારતીય થયા છે. આજે અમદાવાદ જિલ્લા કલેકટર કચેરીના સહયોગથી પાકિસ્તાની આશ્રિતોને ભારતની નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 108 શરણાર્થીને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યો હતો. વર્ષ 2017થી અત્યારસુધીમાં અમદાવાદ જિલ્લામાં વસતા આવા 1,149 શરણાર્થીને ભારતની નાગરિકતા આપવામાં આવી છે. આ પ્રસંગે અહીં હાજર સૌએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો. કિરીટ સોલંકીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના એક નાગરિક અમદાવાદમાં શરણાર્થી તરીકે આવ્યા હતા. તેઓ ENT સર્જન હતા, પરંતુ પાકિસ્તાનની ડીગ્રી ભારતમાં માન્ય નહિ હોવાથી તેઓ ગાંધી રોડ પર ચપ્પલ વેચતા હતા, જોકે હવે આ પ્રશ્ન દૂર થયો છે. જૂના વાડજના તુલસીનગરમાં કેટલાક દલિતો કરાંચીથી આવીને અહીં વસ્યા છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભારતીય નાગરિકતા ધારણ કરનારા સૌનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે આજનો દિવસ તમારા જીવનમાં અતિમહત્ત્વનો છે. દર વર્ષે આ દિવસને તમે જન્મદિવસની જેમ જ ઊજવશો, એવો વિશ્વાસ છે. આજથી તમે મહાન ભારત દેશના નાગરિક બન્યા છો. નાગરિક તરીકે તમને બધા અધિકારો મળશે તથા સરકારની તમામ યોજનાનો લાભ પણ ઉઠાવી શકશો. ગુજરાતમાં તમે સૌ સલામતીનો અનુભવ કરી શકશો, એવી ખાતરી પણ સૌને આપી હતી.