અમે જીવનથી થાકી ગયા છેઃ હેલ્પલાઈન નંબર પર રોજ કેટલાય કરે છે મરવાની વાતો
અમદાવાદઃ જીવન ઘણું અમૂલ્ય છે, પરંતુ માણસ માનસિક રીતે જ્યારે થાકી જાય ત્યારે તેને દોરડું પણ સાપ લાગવા માંડે છે. હતાશા માણસની જીવન જીવવાની ઈચ્છા ધીમે ધીમે મારી નાખે છે. માનસિક સંતાપ ક્યારેક એટલો વધી જાય છે કે માણસ અંતિમ પગલું ભરી લે છે. આવી મરવાની ઈચ્છા વ્યક્ત કરતા ફોન રોજ ગુજરાતની સ્યૂસાઈડ પ્રિવેન્શન હેલ્પલાઈન નંબર પર આવે છે.
અહીંના કાઉન્સેલરો તેમની સમસ્યા સાંભળી તેમને યોગ્ય માર્ગદર્શન આપે છે અને આ રીતે દેવદૂત બનીને તેમનું જીવન બચાવે છે. પણ જે હેલ્પ લેતા જ નથી તેઓ જીવનથી હાથ ધોઈ બેસે છે.
ગુજરાતમાં 104 સ્યૂસાઇડ પ્રિવેન્શન હેલ્પલાઇન પર છેલ્લા પાંચ વર્ષમાં કોલ કરીને 5,642 લોકોએ જીવનથી કંટાળીને આપઘાત કરી લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જેમાં 3,885 પુરૂષો , 1,755 મહિલાઓ અને બે ત્રીજી જાતીના લોકોએ કોલ કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
શહેરી જીવન વધારે મુશ્કેલ બન્યુ હોવાથી આ ફોનકોલ્સ ગુજરાતમાં 104 સ્યૂસાઇડ પ્રિવેન્શન હેલ્પલાઇન પર રાજ્યમાં સૌથી વધુ 2,193 કોલ અમદાવાદમાંથી આવ્યા હતા.
ગુજરાતભરમાંથી 70 કોલ એવા આવ્યા હતા જેઓ શારીરિક છેડતી અને સેક્યુઅલ હેરેસમેન્ટથી ત્રાસીને આપઘાત કરવાનો વિચાર કરતા હતા. જ્યારે 56 કોલ વિદ્યાર્થીઓના છે, જે ભણતરના ભારણથી કંટાળી ગયા હોવાની ફરિયાદ કરે છે અને મરી જવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
કાઉન્સિલિંગથી આપઘાતનો વિચાર માંડી વાળ્યો
હેલ્પલાઇનના અધિકારીઓના જણાવ્યા મુજબ 104 સ્યૂસાઇડ પ્રિવેન્શન હેલ્પલાઇન પર કોલ કરનારનું નિષ્ણાત દ્વારા કાઉન્સિલિંગ કરાય છે. દર કલાકે અપડેટ લેવાય છે, તેઓને સારૂ લાગે અને વિચાર માંડી ના વાળે ત્યાં સુધી તેઓનો સતત સંપર્ક કરીને કાઉન્સિલિંગ કરાય છે. મોટાભાગના કિસ્સામાં કાઉન્સિલિંગથી જ પ્રેરાઇને લોકોએ આપઘાતનો વિચાર માંડી વાળ્યો હોય તેવું જોવા મળ્યું છે. સૌથી વધુ માનસિક બીમારીએ લોકોને મોતને ભેટવા માટેના વિચારમાં તરતા કરી દીધા હોવાનું આવેલા કોલના વિશ્લેષણ પરથી જાણવા મળે છે. પારિવારિક સમસ્યા, પ્રેમસંબંધ, આર્થિક બાબતો, શારીરિક બીમારીઓથી કંટાળીને પણ લોકોને જીવન ટૂંકાવવાના વિચાર આવતા હોય છે.
આટલું કરો
- નિરાશા અનુભવો ત્યારે મનગમતી પ્રવૃત્તિ કરો, અથવા ધ્યાન ધરો, યોગ કરો
- જરૂર જણાય તો કોઈપણ જાતની શરમ વિના ડોક્ટર પાસે જાઓ, નજીકના વ્યક્તિને વાત કરો કે તમને નકારાત્મક વિચારો આવી રહ્યા છે અને તમને મદદની જરૂર છે
- ડોક્ટરની સલાહ પ્રમાણે વર્તો અને સાથે મનને મજબૂત રાખો. મનમાં હોય તે બોલી નાખો.
- જીવનમાં સમસ્યાઓ હોય જ છે, પરંતુ નાસીપાસ ન થતા પરિસ્થિતિ સાથે તાદાત્મ્ય સાધી રહેવાનું દરેક મનુષ્યએ શિખવા જેવું છે.
Also Read –