Vadodara માંથી પ્રતિબંધિત 1000 ચાઇનીઝ તુક્કલ ઝડપાઈ, અમદાવાદથી આવ્યો હતો જથ્થો

અમદાવાદઃ ઉત્તરાયણને હજુ એક મહિનાની વાર છે ત્યાં બજારમાં ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલનું પણ ગેરકાયદે વેચાણ થવા લાગ્યું છે. આ દરમિયાન વડોદરામાંથી પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલનો જથ્થો ઝડપાયો હતો. માંજલપુરના ઇવા મૉલ પાસેથી એસઓજીએ રેકી કરીને બે ઇસમોને ચાઇનીઝ તુક્કલના જથ્થા સાથે ઝડપી લીધા હતા. પોલીસે ચાઇનીઝ તુક્કલના 1000 નંગ મળી કુલ રૂ,. 25,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે કેયુર રતનસિંહ પઢિયાર અને આશિષ કેશવભાઈ પંચાલ (બંને રહે ગણેશ નગર, ડભોઇ રોડ) ની અટકાયત કરી હતી. જ્યારે જથ્થો મોકલનાર અમદાવાદના વિપિનને વોન્ટેડ જાહેર કર્યો હતો.
આ પણ વાંચો : ફરી કરણી સેના મેદાનમાં: અમદાવાદમાં ભરશે ક્ષત્રિયોનું મહા સંમેલન
ચાઇનીઝ તુક્કલના કારણે આગ લાગવાના મોટી સંખ્યામાં બનાવો બનતા હોય છે. જેમાં જાનમાલને ભારે નુકશાન થતું હોય છે. ઇલેક્ટ્રીક, ફર્નિચર સહિતના ગોડાઉનો સળગવાના, ઝૂંપડપટ્ટીમાં આગ લાગવાના, બંધ પડેલા કારખાનામાં ખુલ્લામાં કે ધાબા પર પડેલો કચરો સળગવાના અનેક બનાવો ભૂતકાળમાં બનેલા છે. ગ્રામ્ય વિસ્તારમાં સુકુ ઘાસ સળગવાના પણ બનાવો બનતા હોય છે. ફાયરબ્રિગેડે પણ બે દિવસ સતત દોડધામ કરવી પડતી હોય છે. આગ ઓલવવામાં લાખો લીટર પાણીનો બગાડ થતો હોય છે. આ કારણે થોડા વર્ષો પહેલા રાજ્ય સરકારે તેના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. દર વર્ષે પ્રતિબંધ મૂકાતો હોવા છતાંય આ વસ્તુઓ બજારમાં છૂટથી કાળા બજારમાં વેચાઇ રહી છે.