છોટા ઉદેપુરની એકલવ્ય મોડલ સ્કૂલના 100થી વધુ વિદ્યાર્થીઓ બીમાર પડતાં તંત્ર થયું દોડતું

છોટા ઉદેપુર: છોટા ઉદેપુર જિલ્લાની પુનિયાવાંટ ખાતેની એકલવ્ય મોડેલ સ્કૂલના 100 થી વધારે બાળકો બીમાર પડી ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં હાલ 109 જેટલા બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દાખ્યાલ કરવામાં આવેલ બાળકોની હાલત સ્થિર હોવાનું હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ મામલે ફૂડ પોઇઝનિંગ થયું હોવાની આશંકા સેવાઇ રહી છે.
હાલ મળતી વિગતો અનુસાર પુનિયાવાંટ એકલવ્ય મોડેલ સ્કૂલના 100 બાળકો એકસાથે બીમાર પડ્યા હોવાની ગત સવારથી જ બાળકોએ તાવ અને માથામાં દુખતું હોવાની અને ઉલટી થવાની ફરિયાદ કરી હતી. મોટાભાગના બાળકોએ માથું દુખતું હોવાની ફરિયાદ કરી હતી. આ બાદ બાળકોને અલગ અલગ સ્થળોએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બાળકોને તેજગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, અન્ય બાળકોને છોટા ઉદેપુર સિવિલ હોસ્પિટલ અને અન્ય બાળકોને પાવી જેતપુરની સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : Ahmedabad માં કાજુકતરીમાંથી મરેલી જીવાત નીકળી, કોર્પોરેશનમાં ફરિયાદ કરાઇ
આ ઘટના બાદ તંત્ર દોડતું થઈ ગયું છે. એકસાથે જ 100 થી પણ વધારે બાળકો બીમાર પડી જતાં તેનું કરણ જાણવા એકલવ્ય મોડેલ સ્કૂલના 325 બાળકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. આ મામલે વધુ તપાસ માટે વડોદરા સયાજી હોસ્પિટલના 4 એમડી ડોક્ટર તેમજ 5 પીડિયાટ્રિશિયન કુલ 9 ડોક્ટરની ટીમ છોટા ઉદેપુર તેમજ તેજગઢ હોસ્પિટલ ખાતે આવી પહોંચી હતી. તેઓ હોસ્પિટલમાં દાખલ કરેલા બાળકોની તપાસ કરવામાં આવશે.
વડોદરા રીજનલ ડેપ્યુટી ડાયરેકટર ડૉ.મીનાક્ષી ચૌહાણે જણાવ્યું હતું કે ગઈકાલે પુનિયાની એકલવ્ય મોડેલ સ્કૂલના બાળકોને તાવ, ઝાડા અને ઊલ્ટીની તકલીફ થઈ હતી. આ બાદ સ્કૂલમાં સ્ક્રિનિંગ કરીને બાળકોને છોટા ઉદેપુર સિવિલ હોસ્પિટલમાં, પાવી જેતપુર અને તેજગઢ CHC ખાતે બાળકોને રીફર કરવામાં આવ્યા હતા. બાળકોની તબિયતમાં સુધાર થાય અને સંપૂર્ણ સ્વસ્થ બને ત્યાં સુધી ટીમને અહીં જ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે.