ત્રણ વર્ષ જુના પોક્સો કેસમાં બિટ્ટાના આરોપીને ૧૦ વર્ષની કેદ
ભુજ: એક તરુણીના અનુચિત ફોટા ઇન્ટરનેટ પર વાયરલ કરવાના નામે બ્લેકમેઇલ કરીને શારીરિક શોષણ કરવાના ત્રણ વર્ષ જૂના જે-તે સમયે ભારે ચર્ચાસ્પદ બનેલા ગુનામાં આરોપી હરેશ નાનજી જેપારને ખાસ પોક્સો કોર્ટે કસૂરવાર ઠેરવ્યો હતો અને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા તથા રૂા. ચાર લાખનો દંડ ફટકારતો ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો.
આ કેસ અંગે ફરિયાદી તરફે રહેલા ધારાશાત્રી ડી. વી. ગઢવીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૧માં આચરાયેલા ગુનામાં અબડાસા તાલુકાના બિટ્ટા ગામમાં રહેતા આરોપી હરેશે તરુણીને સ્માર્ટ ફોન આપ્યો હતો. બાદમાં શારીરિક સંબંધ રાખવા મજબૂર કરી હતી.
Also read: Gujarat ફરી વધશે ઠંડીનો ચમકારો, હવામાન વિભાગે કરી આ આગાહી
પોતાના મલીન ઈરાદા પૂરા કરવા ભોગ બનનારને જબરદસ્તી પોતાના કાકાના ઘરે બોલાવી બિભત્સ ફોટા પાડયા બાદ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું અને કોઈને જાણ કરશે તો તેને તથા તેના માતા-પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ કેસમાં અદાલતે રજૂ થયેલા ૨૬ દસ્તાવેજી પુરાવા અને આઠ સાક્ષીઓને તપાસીને અપરાધીને કોર્ટે તકસીરવાન ઠેરવ્યો હતો અને પોક્સો સહિતની જુદી-જુદી કલમ હેઠળ ૧૦ વર્ષની કેદ અને ભોગ બનનારને વળતર પેટે રૂા.ચાર લાખ ચૂકવવા હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર પક્ષે પોક્સો સંબંધિત ગુનાઓ માટે ખાસ નિયુક્ત સરકારી વકીલ એચ.બી.જાડેજાએ દલીલ કરી હોવાનું તેમણે ઉમેર્યું હતું.