ચોટીલા માર્કેટિંગ યાર્ડમાં 10 દિવસના દિવાળી વેકેશનની જાહેરાત કરવામાં આવી

(અમારા પ્રતિનિધિ તરફથી)
સુરેન્દ્રનગરઃ દિવાળીના પર્વ આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ખેડૂતો પોતાના પરિવારજનો સાથે સમય વીતાવી શકે તે માટે ચોટીલા માર્કેટિંગ યાર્ડ દ્વારા 10 દિવસના વેકેશનની જાહેરાત કરવામાં આવી હતી. ચોટીલા માર્કેટિંગ યાર્ડ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, વેકેશનની શરૂઆત તારીખ 17 ઓક્ટોબર, 2025થી થશે. આ રજાઓ સતત દસ દિવસ સુધી ચાલશે અને તેની 26 ઓક્ટોબર, 2025 સુધી રહેશે. આ સમયગાળા દરમિયાન જણસની ખરીદ-વેચાણની તમામ કામગીરી સંપૂર્ણપણે બંધ રહેશે.
ખેડૂતોને પોતાની જણસ વેચવા માટે 17 ઓક્ટોબર પહેલા અથવા તો વેકેશન પૂરું થયા પછીનો સમય નક્કી કરવા અપીલ કરવામાં આવી હતી. વેકેશનના 10 દિવસ દરમિયાન માર્કેટિંગ યાર્ડમાં કોઈ પણ પ્રકારની જણસની આવક કે હરાજી થશે નહીં. યાર્ડમાં કાર્યરત તમામ કર્મચારીઓ, વેપારીઓ અને અન્ય સહાયક સ્ટાફ આ લાંબી રજાઓનો લાભ લઈને પોતાના વતન જઈને ઉત્સાહભેર તહેવારની ઉજવણી કરી શકશે.
આ પણ વાંચો: ગોંડલ યાર્ડમાં મગફળીની ધૂમ આવકઃ 2 કિમી વાહનોની લાઈન લાગી
ચોટીલા માર્કેટિંગ યાર્ડ દ્વારા વહેલી જાહેરાત કરવામાં આવતા ચોટીલા અને આસપાસના વિસ્તારોના ખેડૂતો અને વેપારીઓને પોતાનું કામકાજ સમયસર આયોજિત કરવા માટે પૂરતો સમય મળશે.
ઉલ્લેખનીય છે કે ચોટીલા માર્કેટિંગ યાર્ડ કાળા બજારના વેપારને લઈને પણ ચર્ચામાં રહ્યું હતું. ભૂતકાળમાં, ડેપ્યુટી કલેક્ટરે રાજ્યના ગરીબોને વેચવા માટેના સસ્તા અનાજ (ઘઉં)ના કાળા બજાર કરીને ઊંચા ભાવે વેચાણ કરવાના ઇરાદા સાથે ચોટીલા માર્કેટિંગ યાર્ડ ખાતે લાવવામાં આવેલા જથ્થાને ઝડપી પાડ્યો હતો.