Ahmedabad ના ધોળકામાં થયેલી 1 કરોડની ચોરીનો ભેદ સ્નિફર ડોગની મદદથી ઝડપથી ઉકેલાયો, બે આરોપીની ધરપકડ
અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)ગ્રામ્ય પોલીસે ધોળકા તાલુકાના કોઠ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સરગવાડા ગામના ખેડૂતના ઘરમાં ઘઉંના ડ્રમમાંથી એક કરોડ સાત લાખની ચોરીના કેસમાં બે લોકોની ધરપકડ કરી છે. આ બંને ચોર સરગવાડા ગામના રહેવાસી છે. બંને ચોરો સુધી પહોંચવામાં સ્નિફર ડોગે મહત્વની ભૂમિકા ભજવી હતી.
40 આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી
આ અંગે અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમપ્રકાશ જાટે જણાવ્યું કે સરગવાડા ગામના ખેડૂતે પોતાની જમીન વેચી દીધી હતી. જેમને એડવાન્સ તરીકે રૂપિયા1,07,80000 મળ્યા હતા. ખેડૂતે આ પૈસા ઘઉંના ડ્રમમાં બંધ કરીને રાખ્યા હતા. પરંતુ તેમના ઘરમાંથી આ નાણાંની ચોરી થઈ હતું. જે અંગે કોઠ પોલીસને ફરિયાદ મળ્યા બાદ સ્થાનિક પોલીસ, એલસીબી અને એસઓજીની ટીમોએ તપાસ શરૂ કરી હતી. આ ફરિયાદી સાથે વાત કર્યા બાદ કોલ ડિટેઈલ અને પૈસાની લેવડ-દેવડની જાણકારી ધરાવતા 40 આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી.
સ્નિફર ડોગની મદદથી પોલીસ આરોપી સુધી પહોંચી
એસપી ઓમપ્રકાશ જાટે કહ્યું કે અમે આ કેસમાં સ્નિફર ડોગની મદદ લીધી હતી. જે ઘરમાંથી ચોરી થઈ હતી ત્યાંથી એક થેલી મળી આવી હતી. પરંતુ 4 વર્ષના સ્નિફર ડોગની મદદથી પોલીસ આરોપી સુધી પહોંચી હતી. સ્નિફર ડોગ આરોપીના ઘરથી 50 મીટર દૂર પોલીસ પાસે પહોંચ્યો હતો. જ્યાંથી આરોપીઓને પકડીને પૂછપરછ હાથ ધરી હતી.
બુધ અમને સહકાર અને મદદ કરી રહ્યો હતો
એસપી ઓમપ્રકાશ જાટે કહ્યું કે ત્યારબાદ અમે ચોર બુધના ઘરેથી 53,90,000 રૂપિયા રિકવર કર્યા. જ્યારે પૂછપરછ દરમિયાન, બાકીના નાણાં પણ અન્ય ચોર વિક્રમના ઘરેથી મળી આવ્યા હતા. એસપી ઓમપ્રકાશ જાટે જણાવ્યું હતું કે મુખ્ય આરોપી બુધે ઉદેસંગના ઘરમાંથી 1,07,80,000 રૂપિયાની ચોરી અંગે પોલીસને જાણ કરી હતી. જેથી કોઈને તેના વિશે શંકા ન રહે.આ સમગ્ર તપાસ દરમિયાન બુધ અમને સહકાર અને મદદ કરી રહ્યો હતો પરંતુ તે મુખ્ય ચોર નીકળ્યો.
ઉદેસંગ તારાપુર જવાનો હતો
બીજો આરોપી વિક્રમ પણ બુધનો મિત્ર છે. વિક્રમ વિરુદ્ધ અગાઉ પણ કેટલાક કેસ નોંધાયેલા છે. બુધ અને વિક્રમ ચોટીલા ગયા હતા ત્યાંથી પરત ફરતી વખતે નવરાત્રિ દરમિયાન અષ્ટમીની રાત્રે બંનેએ ઉદેસંગના ઘરમાંથી ચોરીનું કાવતરું ઘડ્યું હતું. બુધને ખબર હતી કે તે રાત્રે ઉદેસંગ તારાપુર જવાનો હતો.
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાડા ગામમાં રહેતા 53 વર્ષીય ખેડૂત ઉદેસંગ સોલંકીએ 13 ઓક્ટોબરના રોજ કોઠ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેની 12 એકર જમીન વેચાઈ હતી. 10 ઓક્ટોબરે જમીન ખરીદનારાઓ ઉદેસંગને એડવાન્સ તરીકે રૂપિયા આપ્યા હતા.