ગુજરાતના આટલા શ્રદ્ધાળુઓને રેલવેએ પહોંચાડ્યા મહાકુંભમાં

અમદાવાદઃ પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં કરોડો લોકો ભક્તિભાવથી આવી રહ્યા છે. મહાકુંભ હવે પૂર્ણાહુતિ તરફ છે. 13મી જાન્યુઆરીએ શરૂ થયેલો કુંભમેળો 26મી ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના દિવસે સમાપ્ત થશે. ખૂબ જ ભવ્ય આ સાંસ્કૃતિક અને ધાર્મિક મેળાવડા સુધી શ્રદ્ધાળુને પહોંચાડવા માટે રેલવેએ પણ કમર કસી હતી અને વિવિધ શહેરો-જંકશનોથી વિશેષ ટ્રેન દોડાવી હતી.
અમદાવાદ મંડળ તરફથી પણ શ્રદ્ધાળુઓને પ્રયાગરાજ અથવા લખનઉ પહોંચાડવા વિશેષ આયોજન કરાયા હતા. પશ્ચિમ રેલ્વે પશ્ચિમ રેલ્વેના વિવિધ સ્ટેશનો જેમ કે અમદાવાદ, સાબરમતી, મુંબઈ સેન્ટ્રલ, વાપી, વલસાડ, ઉધના, વડોદરા, વિશ્વામિત્રી, ભાવનગર, રાજકોટ, ઇન્દોર વગેરે પરથી 125 ટ્રીપ ખાસ ટ્રેનો ચલાવી રહી છે.
કુંભ સ્પેશિયલ ટ્રેનોની 24 ટ્રીપ અમદાવાદ ડિવિઝનથી, 26 ટ્રીપ મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનથી, જ્યારે 8 ટ્રીપ ભાવનગર ડિવિઝનથી, 4 ટ્રીપ રાજકોટ ડિવિઝનથી, 2 ટ્રીપ વડોદરા ડિવિઝનથી અને 6 ટ્રીપ રતલામ ડિવિઝનથી ચલાવવામાં આવી રહી છે. જોકે કુંભમેળામાં થયેલા લોકોના જમાવડાને કારણે અમુક રેલવે સ્ટેશનો પર સ્થિતિ વણસી ગઈ હતી અને રેલવેએ ટ્રેનો રદ કરવાની અને રેલવે સ્ટેશનો પર લોકોની અવરજવર બંધ કરવાની ફરજ પડી હતી. દિલ્હી રેલવે સ્ટેશન ખાતે થયેલી નાસભાગમાં 18 જણે જીવ ગુમાવ્યો હતો. ત્યારબાદ રેલવેએ સુરક્ષા સઘન કરી હતી અને ઘણા ફરેફારો કર્યા હતા.