આપણું ગુજરાત

અમદાવાદમાં ₹ ત્રણ કરોડનો ૧.૦૧ લાખ કિલો ખાદ્યપદાર્થનો જથ્થો સીઝ કરાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેર મનપા હેલ્થ-ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ કરીને નાગરિકોના આરોગ્યને જોખમમાં મુકનાર એકમોમાં ચેકિંગ કરીને ૧લી જાન્યુઆરીથી ૧૧મી નવેમ્બર, ૨૦૨૩ સુધીના સમયગાળા દમિયાન કુલ ૧,૬૯૭ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં ફ્ક્ત ૧૨ સેમ્પલ જ ફેઇલ અને ૧૧ને મિસબ્રાન્ડેડ જાહેર થયા હોવાને પગલે મનપા ફૂડ વિભાગની કામગીરી શંકાસ્પદ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

મનપા ફૂડ વિભાગ દ્વારા કુલ ૩,૪૫૨ સર્વેલન્સ સેમ્પલ લેવામાં આવ્યા છે અને તે પૈકી લેબોરેટરી દ્વારા ૪૭ સેમ્પલ અપ્રમાણિત અને ૩,૧૦૮ સેમ્પલ પ્રમાણિત જાહેર થયા છે અને ૨૯૭ સેમ્પલના પરિણામ હજુ પેન્ડિંગ છે. આ સમયગાળા દરમિયાન ફૂડ વિભાગ દ્વારા ફૂડ વિભાગ દ્વારા શહેરમાં રૂ. ૩.૦૨ કરોડનો ૧.૦૧ લાખ કિલો ખાદ્યપદાર્થનો જથ્થો સીઝ કરાયો હતો. જ્યારે ૫.૯૦ લાખ કિલો અને ૫૩ લીટર જેટલો જથ્થો સ્થગિત કરવામાં આવ્યો હતો. દિવાળીના તહેવારોમાં માવાની મિઠાઈ, માવો, ડ્રાયફ્રુટ, મુખવાસ, પનીર, બટર, ઘી, વગેરેના સેમ્પલ લઈને જે તે સમયે સીઝ કરેલ શંકાસ્પદ ખાદ્ય પદાર્થ લેબોરેટરીના રીપોર્ટમાં પ્રમાણિત જાહેર થયા પછી સક્ષમ સત્તાની મંજૂરી મળ્યા બાદ સીઝ કરેલ જથ્થો છૂટો ક૨વામાં આવશે. રૂ. ૬૭,૬૦,૩૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો અને મનપામાં નહીં નોંધાયેલા અને લાયસન્સ નહીં ધરાવનારા ૨૨,૮૬૪ વેપારીઓ-એકમોને લાઇસન્સ રજિસ્ટ્રેશન આપીને ૧,૨૯,૨૫,૯૦૦ની લાયસન્સ ફી વસૂલ કરવામાં આવી હતી. ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ કરીને નાગરિકોના આરોગ્યને હાનિ પહોંચાડનાર ૧૦૦ જેટલા એકમોને સીલ કરવામાં આવ્યા હતા અને ૧૧,૮૯૩ કિલોગ્રામ અને ૧૨,૧૮૨ લીટર બિનઆરોગ્યપદ ખાદ્યચીજવસ્તુઓનો નાશ કરવામાં
આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button