સૌરાષ્ટ્રને કરોડોના વિકાસકાર્યોની ભેટ: પીએમ મોદીએ દૂધાળા ગામે ભારત માતા સરોવરનું લોકાર્પણ
અમરેલી: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતે છે. સવારે વડોદરામાં સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે સાથે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે ભવ્ય રોડ શો પણ યોજ્યો હતો.
વડોદરામાં ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ આજે વડાપ્રધાન મોદી સૌરાષ્ટ્રની મુલાકાતે છે. વડાપ્રધાને અમરેલી જિલ્લાને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી છે. તેમણે લાઠીના દુધાળા ગામે ભારત માતા સરોવરનું લોકાર્પણ કર્યું છે.
અમરેલીના કાર્યક્રમમાં પીએમ મોદીના હસ્તે અમરેલી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, કચ્છ, ભાવનગર અને બોટાદ જિલ્લાઓના રૂ. 4800 કરોડના 1600 જેટલા વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ કામોમાં જળસંચય, રેલવે, રાષ્ટ્રીય ધોરી માર્ગ સહિતના કામોનો સમાવેશ થાય છે.
અમરેલીના ભવ્ય ભૂતકાળને કર્યો યાદ:
વડાપ્રધાને આ પ્રસંગે સંબોધન કરતાં કહ્યું હતું કે અમરેલીનો ભવ્ય ભૂતકાળ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે આ ભૂમિએ યોગીજી મહારાજ, ભોજા ભગત, દુલા ભાયા કાગ, કલાપી, રમેશ પારેખ, કે.લાલ, જીવરાજ મહેતા આપ્યા છે.
તેમણે કહ્યું હતું કે પાણી આવ્યું છે આથી કલાપીના આત્માને સંતોષ મળ્યો છે. અહીથી જાદુગર કે. લાલ પણ અહીથી આવ્યા છે. અમરેલીના સંતાનોએ પ્રાકૃતિક આપદાઓને પડકારીને, મુસીબતોની સામે લડ્યા છે અને તેમની સામે સામર્થ્યનો રસ્તો પસંદ કર્યો છે.
આપણ વાંચો: GIDCના વિકાસ માટે ₹ 564 કરોડના વિકાસકાર્યોનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ
પાણીના મહત્વને સૌરાષ્ટ્ર-કચ્છને સમજાવું ન પડે:
તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપ સરકારે પ્રારંભથઈ જ પાણીને આપણે પ્રાથમિકતા આપી છે.ધોળકીયા પરિવારે નદીઓની જીવતી કરી. નદીઓને જીવતી કરવાનો આ જ રસ્તો છે. આપણે નર્મદાથી 20 નદીઓ જોડી હતી અને નદીઓ, નાના તળાવો બનાવવાની આપણી કલ્પના હતી. જેથી માઈલો સુધી પાણીને સાચવી શકે.
પાણી જમીનમાં ઉતરે એટલે અમી આવ્યા વગર રહે જ નહીં. પાણીનું શું મહત્વ છે તે ગુજરાત કે સૌરાષ્ટ્રના લોકોને સમજાવવું ન પડે. કારણ કે તેઓ સમસ્યાથી વાકેફ છે. પાણી વિના કચ્છ અને સૌરાષ્ટ્ર બંને સ્થળાંતર થઈ રહ્યા હતા.
અમરેલી જિલ્લામાં સુકારા માટે ખ્યાત ગાગડીયો નદી પર પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ અન્વયે રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા રુ.35 કરોડના ખર્ચે ગાગડીયો નદી પુન:જીવિત કરવા અને નદી પર બનાવવામાં આવેલા ભારત માતા સરોવરના લોકાર્પણના કાર્યોનો પણ સમાવેશ છે.
વોટરશેડ ખાતા હસ્તકના 4.50 કરોડ લીટર પાણીની સંગ્રહ શક્તિ ધરાવતા ચેકડેમને ઉંડો કરવાની કામગીરી ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી. વધુમાં ચેકડેમની બંને બાજુએ માટીથી મજબૂતાઈ કરવામાં આવી છે, આથી ચેકડેમની પાણીની સંગ્રહ શક્તિમાં 20 કરોડ લીટરનો વધારો થયો છે.