ભુજમાં વધુ એક ગૃહિણી બની ડિજિટલ એરેસ્ટનો ભોગ, પતિને વાત કરતાં થઈ જાણ
![Another housewife in Bhuj becomes a victim of digital arrest, found out while talking to her husband](/wp-content/uploads/2024/11/INTERVAL-6.jpg)
ભુજઃ ભુજની એક ગૃહિણીને ક્રાઈમ બ્રાન્ચના નામે ડરાવી-ધમકાવી, ડિજિટલ અરેસ્ટ કરીને સાયબર ગેંગે ૪.૪૫ લાખ રૂપિયા પડાવી લીધાં હોવાનો બનાવ બહાર આવતાં ચકચાર મચી ગઈ હતી. ભુજના કેમ્પ એરિયાના ભાવેશ્વનગરમાં આદિનાથ એલિટામાં રહેતી ૩૪ વર્ષિય ગૃહિણી રીમાબેન વિકાસભાઈ મહેતાએ બનાવ અંગે ભુજ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પતિ વિકાસ મહેતા ફર્નિચરનો શૉરૂમ ધરાવે છે. ગત ૩૦ ડિસેમ્બરે તેઓને અજાણ્યા નંબર પરથી ફેડએક્સ કુરિયરમાંથી બોલતો હોવાનું જણાવી તેમના આધાર કાર્ડના નંબર પર મુંબઈથી તાઈવાનમાં એક કુરિયર મોકલાયું હોવાનું શખ્સે જણાવ્યું હતું.
કુરિયરમાંથી પાંચ પાસપોર્ટ, ૧૪૦ ગ્રામ એમડી ડ્રગ્ઝ, પાંચ હજાર રોકડાં ડૉલર વગેરે જેવી વાંધાજનક ગેરકાયદેસર ચીજવસ્તુ નીકળી હોવાનું જણાવી ફોન કરનારે ફરિયાદીને ક્રાઈમ બ્રાન્ચમાં રૂબરૂ જઈ અથવા ઓનલાઈન ફરિયાદ નોંધાવી દેવાના વિકલ્પ આપ્યા બાદ ગૃહિણીએ ઓનલાઈન કમ્પ્લેઈન્ટનો વિકલ્પ પસંદ કરતાં કૉલરે ફોન ક્રાઈમ બ્રાન્ચમાં ટ્રાન્સફર કરી દીધો હતો.
ક્રાઈમ બ્રાન્ચના અધિકારી બનેલાં શખ્સે મોબાઈલમાં સ્કાઈપી એપ ડાઉનલૉડ કરાવી વીડિયો કૉલ કરાવીને તેમની કહેવાતી ફરિયાદ નોંધવાનું નાટક કરી તમારા આધાર નંબરનો બીજે ક્યાંય દુરુપયોગ તો નથી થયો ને તે વેરીફાઈ કરી લઈએ કહી, વેરીફિકેશન કરીને આધાર નંબર પર દેશના વિવિધ રાજ્યોની વિવિધ બેન્કોમાં એકાઉન્ટ ખૂલ્યાં હોવાનું, ખાતામાં ૨૧ કરોડ રૂપિયા જમા હોઈ મની લોન્ડરિંગનો કેસ થયો હોવાનું જણાવીને ગૃહિણીને ડરાવી દીધી હતી.
મદદ કરવાના બહાને મને તમારા બધા બેન્ક ખાતાની માહિતી આપો, તમારી પ્રોપર્ટીની નેવું ટકા રકમ અમારા ખાતામાં જમા કરાવવી પડશે, તપાસના અંતે તમને એનઓસી સાથે બધી રકમ પાછી મળી જશે તેમ કરડાકીભર્યા અવાજમાં નકલી પોલીસ અધિકારીએ જણાવ્યા બાદ ફફડી ગયેલી ગૃહિણીએ તેના તમામ શેર વેચી મારીને યુપીઆઈથી ૯૫ હજાર રૂપિયા ગઠિયાઓએ આપેલા બેન્ક ખાતામાં ટ્રાન્સફર કર્યાં હતાં. બાદમાં બીજી જાન્યુઆરીના રોજ બેન્કમાં રહેલી ફિક્સ ડિપોઝીટ તોડાવી ૩.૫૦ લાખ રૂપિયા RTGSથી ટ્રાન્સફર કરાવી દીધા હતા!.
પોતાની પાસે રહેલા તમામ ૪.૪૫ લાખ રૂપિયા જમા કરાવી લીધાં બાદ ગૃહિણીએ જમા કરાવેલાં રૂપિયા ક્યારે પાછાં મળશે? તેમ પૂછતાં ફાયનાન્સ ઑફિસર બનેલાં અન્ય એક ગઠિયાએ વધુ ૨.૮૫ લાખ રૂપિયા જમા કરાવવા દબાણ કર્યું જો કે, ગૃહિણીએ હવે કશું વધ્યું ના હોવાનું જણાવી રૂપિયા જમા કરાવવાનો ઈન્કાર કરી દેતાં ગઠિયાઓએ રકમ ટ્રાન્સફર થયે તરત એનઓસી સાથે બધા રૂપિયા પાછાં મળી જશે એવી ધરપત આપી હતી.
આ પણ વાંચો…હવે ટકલા વાયરસનો શિકાર બની મહિલાઃ બુલઢાણાની આ ગંભીર સ્થિતિનો કોઈ ઈલાજ છે કે નહીં?
ગૃહિણીએ આ રકમ પતિ પાસે માંગીને બધી વાત કરતાં પતિએ તે સાયબર ફ્રોડનો ભોગ બની હોવાનું જણાવી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જુદાં જુદાં ત્રણ મોબાઈલ નંબર અને બે બેન્ક એકાઉન્ટધારક વિરુદ્ધ ગુનો નોંધીને આરોપીઓને ટ્રેસ કરીને દબોચી લેવા તજવીજ હાથ ધરી હતી.