સાબરમતી રિવરફ્રન્ટમાં ₹ ૫,૦૦૦ કરોડનું જમીન કૌભાંડ: કૉંગ્રેસ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેર મનપા સંચાલિત સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. દ્વારા ૧૧ કિ.મી.ના સાબરમતી રિવરફ્રન્ટનો વિકાસ કરવા માટે અત્યાર સુધીમાં રૂ. ૧૮૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અમલી બન્યો તે વખતે રાજ્ય સરકારે મોટાભાગની સરકારી જમીનો સાબરમતી રિવરફ્રન્ટના વિકાસ માટે આપી હતી.
અમદાવાદ મનપા દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પાછળ કરેલો ખર્ચ અને રાજ્ય સરકારની જમીનની કિંમત સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ર્ચિમ કિનારે આવેલી અંદાજે ૧.૭૫ લાખ ચો.મી. જમીન વેચાણ કરીને મેળવવાની હતી. જોકે, હવે સાબરમતી રિવરફ્રન્ટની ૧.૭૫ લાખ ચો.મી. જમીન ઓક્શનથી વેચાણ કરવાને બદલે તેના ડેવલપમેન્ટ રાઇટ્સનું વેચાણ કરીને ૫,૦૦૦ કરોડનું સ્કેમ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ મનપા બજેટ ચર્ચા દરમિયાન કૉંગ્રેસ ઘ્વારા કરવામાં આવ્યા હતા.
મનપા કૉંગ્રેસ પક્ષના નેતા શહેઝાદખાન પઠાણે રિવરફ્રન્ટ જમીન કૌભાંડ અંગે રજૂઆત કરતા જણાવ્યું હતું કે આ સ્કેમના ત્રણ તબક્કા છે. ૧. સાબરમતી રિવરફ્રન્ટની જમીનનું જાણી જોઇને ઓછું વેલ્યુએશન ૨. સાબરમતી રિવરફ્રન્ટની જમીનના ડેવલપમેન્ટ રાઇટ્સ વેચાણ કરવાનું ખાયકીનું મોડેલ ૩. સાબરમતી રિવરફ્રન્ટની જમીન માત્ર પ્રતિ ચો.મી. ૧૦ રૂપિયાના ભાવે લીઝ ઉપર આપવાનું કૌભાંડ આ ત્રણ તબક્કામાં સાબરમતી રિવરફ્રન્ટનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે જેમાં પહેલાથી જ ખરીદદારો નક્કી છે એટલે તેઓને પાણીના ભાવે જમીન પધરાવી દેવા માટેનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે. આ ષંડયંત્ર ૫,૦૦૦ કરોડનું કૌભાંડ છે.
સાબરમતી રિવરફ્રન્ટની તમામ ૧.૭૫ લાખ ચો.મી. જમીનનું રાજ્ય સરકારની લેન્ડ ડિસ્પોઝેબલ પોલિસી ૨૦૦૨ મુજબ વેલ્યુએશન કરવામાં આવે તો અંદાજે ૧૦ હજાર કરોડથી વધુની જમીનની વેલ્યુ થાય તેમ છે.
પ્રથમ દૃષ્ટિએ જ ખોટો વેલ્યુએશનથી સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ.ને અંદાજે ૫,૦૦૦ કરોડનો ચૂનો લાગી રહ્યો છે તેમ જણાવ્યું હતું.