વધુ ચાર આરોપી ઝડપાયા, પેટા કોન્ટ્રાક્ટર નીલેશ જૈન સહિત ચારની ધરપકડ
વડોદરા બોટકાંડ
અમદાવાદ: વડોદરા હરણી બોટકાંડમાં વધુ ચાર આરોપીઓ ઝડપાયા હતા. વડોદરા પોલીસે પેટા કોન્ટ્રાક્ટર નીલેશ જૈન, જતીન દોશી, નેહા દોશી અને તેજલ દોશીની ધરપકડ કરી હતી. નીલેશ જૈન લેક ઝોનનું સંચાલન કરતો હતો. બોટકાંડમાં પોલીસે અત્યાર સુધીમાં કુલ 13 આરોપીની ધરપકડ કરી છે. હજુ છ આરોપીઓ ફરાર છે.
સૂત્રોના જણાવ્યા મુજબ 10 મહિના પહેલા જ નીલેશ જૈનને લેકઝોનનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. બાકીના ત્રણ આરોપી જતીન દોશી, નેહા દોશી અને તેજલ દોશી પણ કોટિયા પ્રોજેક્ટમાં ભાગીદાર હતા. હરણી લેક બોટ દુર્ઘટનામાં પકડાયેલા નવ આરોપી રિમાન્ડ પર છે. જેમાં પોલીસ તમામ આરોપીઓની આકરી પૂછરપછ કરી રહી છે. પૂછપરછ દરમિયાન આરોપી ગોપાલદાસ શાહ, બિનિત કોટીયા, ભીમસિંગ યાદવ, વેદપ્રકાશ યાદવ અને રશ્મિકાંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, લેકઝોનનું સંચાલન મુખ્ય આરોપી પરેશ શાહ અને તેનો દીકરો વત્સલ શાહ કરે છે. આ ઉપરાંત વર્ષ-2023માં અન્ય ભાગીદારોની જાણ બહાર સમગ્ર લેકઝોનનું સંચાલન ત્રિપક્ષીય કરીને નીલેશ જૈનને આપ્યું હતું. સિટ દ્વારા પકડાયેલા તમામ આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. બોટ દુર્ઘટનાને લઇને વધુ પુરાવાઓ મેળવવામાં આવી રહ્યા છે. આરોપીઓ જરૂરી માહિતી આપતા ન હોવાથી પોલીસ વિવિધ યુક્તિઓ અજમાવીને માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. બોટ દુર્ઘટનામાં હજુ છ આરોપીઓ ફરાર છે. મુખ્ય આરોપી પરેશ શાહનો પુત્ર વત્સલ શાહ, પત્ની નૂતન શાહ અને પુત્રી વૈશાખી શાહ ઉપરાંત દિપેન શાહ, ધર્મીલ શાહ, ધર્મીન ભટાણી હજી પણ ફરાર છે. પોલીસ ટીમો બનાવીને તમામ આરોપીઓની શોધખોળ કરી રહી છે.ઉ
બોટમાં ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડ્યાનું તપાસમાં ખૂલ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વડોદરા હરણી લેક દુર્ઘટનામાં એફએસએલની તપાસમાં મોટો ખુલાસો થયો છે. જેમા બોટની ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવાને કારણે જ દુર્ઘટના સર્જાઈ હતી. બોટ બનાવનારા કંપની સંચાલકોએ પૂછપરછમાં જણાવ્યું હતું કે, અમારી બનાવેલી બોટની ક્ષમતા માત્ર એક ટન વજનની હતી જેમાં દોઢ ટન વજન કરવામાં આવ્યું હતું.આ અંગે પોલીસ અને એફએસએલના રિપોર્ટમાં અનેક ખુલાસા સામે આવ્યા હતા. જેમા હરણી લેકમાં બોટની ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવાને કારણે જ આ દુર્ઘટના સર્જાઈ હતી. આ સાથે તપાસમાં સામે આવ્યું છે કે, એક ટન વજનની ક્ષમતા ધરાવતી બોટમાં દોઢ ટન વજન થઈ ગયું હતું. નિયમ પ્રમાણે બોટમાં આગળના ભાગમાં કોઈને બેસાડવાના હોતા નથી. જ્યાં કોઈને બેસાડી ન શકાય ત્યાં દસ બાળકોને બેસાડવામાં આવ્યા હતા. આગળના ભાગે બાળકો બેસાડ્યા હતા જેથી ટર્ન લેતી વખતે બોટ પલટી ખાઇ ગઇ હતી. અત્રએ ઉલ્લેખનીય છે કે હરણીના લેકઝોન ખાતે ગત તા.18મીએ શહેરની ન્યૂ સનરાઇઝ શાળાના બાળકો પ્રવાસમાં આવ્યા હતા. જ્યાં બોટિગ દરમિયાન બોટ પલટી ખાતા 12 વિદ્યાર્થીઓ સાથે બે શિક્ષિકા સહિત કુલ 14 લોકોનાં મોત નીપજ્યાં હતાં. ઉ