દિવાળીમાં એસટી-રેલવેએ ધીકતી કમાણી કરી
સૌરાષ્ટ્રના મુળ વતની અનેક પરિવારોએ દિવાળી અને નૂતનવર્ષની ઉજવણી વતનમાં કરતાં રાજકોટ એસટી ડિવિઝન, પશ્ચિમ રેલ્વે અને ખાનગી ટુર ઓપરેટરોને સારી કમાણી થઈ હતી.
મળતી માહિતી મુજબ રાજકોટ એસટી ડિવિઝને દિવાળીના તહેવારોમાં ૧૬૦ એકસ્ટ્રા બસો દોડાવીને માત્ર દિપાવલી પર્વમાં અંદાજે રૂા.૩ કરોડની કમાણી કરી છે. આ દિવસોમાં સુરત-વડોદરા, અમદાવાદ, પંચમહાલ, ગોધરા તરફ જવા ઈચ્છુક મુસાફરોનો ભારે ઘસારો રહ્યો હતો. કાળી ચૌદશનાં દિવસે સૌથી વધુ રૂા.૭૦ લાખની આવક થઈ હતી. એસટી તંત્રની તમામ બસોમાં તહેવારો દરમિયાન ભરચકક ટ્રાફિક રહ્યો હતો. ખાનગી ટુર ઓપરેટરોને પણ દિવાળીના તહેવારો ફળ્યા હોય તેમ લાંબા રૂટની તમામ બસો હાઉસફૂલ જોવા મળી હતી. બહારગામ ફરવા ઈચ્છુકોની મોટી સંખ્યા હોવાથી ખાનગી ટુર ઓપરેટરોને પણ ધરખમ આવક થઇ હતી.
રાજકોટ સ્થિત પશ્ચિમ રેલ્વેના સૂત્રોએ જણાવ્યું હતું કે દિવાળીના તહેવારોમાં સંખ્યાબંધ પરિવારો પોતાના વતનમાં જવા ઈચ્છુક હોવાને લીધે રેલ્વે તંત્રને પણ તગડી કમાણી થઈ હતી. રેલ્વે ડિવિઝનની ધનતેરસની ચાલુ ટીકીટની એક જ દિવસની જનરલ ટીકીટની આવક એક કરોડ રૂપિયાને આંબી ગઈ હતી. ફેસ્ટીવલ દરમિયાન લોકોને સુગમતા રહે તે માટે પાંચ એકસ્ટ્રા ટ્રેન દોડાવી હતી જેનો લાભ અનેક મુસાફરોએ લીધો હતો. પરિવાર સાથે દિવાળીના તહેવારો ઉજવવાની પરંપરા વર્ષોથી યથાવત રહી છે. તહેવારો દરમિયાન અનેક લોકો ખાનગી વાહનો ભાડે કરી ફરવા ઉપડી જતાં હાઈ-વે ઉપર અનેક સ્થળોએ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.