આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પ્રદર્શન માટે મુકાઇ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: પ્રતિષ્ઠિત આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી સરદાર સરોવર નર્મદા બંધ નજીકનાં વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પ્રદર્શન માટે મૂકવામાં આવી છે. ટ્રોફીના વૈશ્વિક પ્રવાસના ભાગરૂપે એકતાનગરની પણ ઐતિહાસિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટ્રોફીને અવકાશની સાથે 18 દેશોના પ્રસિદ્ધ સ્થાનોની મુસાફરી કરાવવામાં આવી છે.
ક્રિકેટ પ્રેમીઓ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીના મુલાકાતીઓને આ ટ્રોફીને નજીકથી નિહાળવાની દુર્લભ તક મળી હતી. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ટ્રોફીની મુલાકાત ક્રિકેટની લોકપ્રિયતા અને વિશ્વભરના લોકોને એક કરવાની તેની ક્ષમતા બતાવે છે.
આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફીએ આ વર્ષની શરૂઆત થી જ તેની અદ્ભુત સફર શરૂ કરી છે. પૃથ્વીથી 1,20,000 ફૂટની ઉંચાઈ પર આવેલા સ્ટે્રટોસ્ફિયર સુઘી પહોંચી હતી. ટ્રોફીની રોમાંચક અને ઐતિહાસિક સફર દરમિયાન તેને વિશ્વભરમાં વિવિધ પ્રસિદ્ધ સ્થળોએ લઈ જવામાં આવી છે, જે તેને એકતા અને રમતગમતની શ્રેષ્ઠતાનું પ્રતીક બનાવે છે.