રાજકોટમાં બે બાઇકની ટક્કર: પાંચ લોકોનાં મોત
રાજકોટ: રાજકોટ શહેરના સરધાર-ભૂપગઢ રોડ પાસે બુધવારે રાત્રે બે ટુ વ્હીલર વચ્ચે અથડામણ થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ૫ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા.
ભોગ બનેલા લોકોમાંથી ત્રણ એક બાઇક પર મુસાફરી કરી રહ્યા હતા. આજીડેમ પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર એ જે પરમારે જણાવ્યું હતું કે બાઇકચાલકની બેદરકારીને કારણે અકસ્માત થયો હતો. તેણે સામેની દિશામાંથી આવતી અન્ય બાઇક સાથે પોતાની બાઇક અથડાવી હતી.
મૃતકોમાં દિલીપ ભુરીયા (ઉં-૨૫), અર્જુન મેડા(ઉં-૧૮), દિનેશ રાઠોડ-(ઉં-૩૦), દેવગન મકવાણા(ઉં-૨૨) અને રાજેશ રાઠોડ(ઉં-૨૨) તમામ રાજકોટ જિલ્લાના સાજડિયાળી ગામના
વતની હતા.
મૃતકોમાંથી દિલીપ, અર્જુન અને દિનેશ બાઇક પર કરિયાણું ખરીદવા સરધાર ગામ તરફ જઇ રહ્યા હતા, જ્યારે દેવગન મકવાણા અને રાજેશ રાઠોડ સરધારથી ભૂપગઢ બાજુ તેમની મોટરસાઇકલ પર આવી રહ્યા હતા.
એફઆઇઆર મુજબ પરમારે જણાવ્યું હતું કે, દેવગન મકવાણા તેનું વાહન બેદરકારીપૂર્વક ચલાવી રહ્યો હતો અને તેણે તેની મોટરસાઇકલને સરધાર-ભૂપગઢ રોડ પર સામેથી આવતી બાઇક સાથે અથડાવી દીધી હતી. આ અથડામણ બાદ ભુરીયાની બાઇક એક ઓટોરિક્ષા સાથે અથડાઇ હતી, જ્યારે મકવાણાની મોટરસાઇકલ અન્ય વાહન સાથે અથડાઇ હતી. પાંચેયને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, પરંતુ તેમના માથા અને શરીર પર ગંભીર ઇજાઓ થતાં તેમના સારવાર દરમિયાન મૃત્યુ થયાં હતાં. (પીટીઆઇ)