પાટીલની નો રિપીટની ગોળી વર્તમાન સદ્સ્યોને કડવી લાગતી હોવાની પ્રતીતિ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ હોવાનો અણસાર આપતો વધુ એક કિસ્સો કમલમ ખાતે નર્મદાની સેન્સ પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે જોવા મળ્યો હતો. ભરૂચના સાંસદ મનસુખ વસાવા સેન્સ પ્રક્રિયા છોડીને નીકળી ગયા હતા.
જો કે આ સમગ્ર મુદ્દે મનસુખ વસાવાએ પ્રતિક્રિયામાં જણાવ્યું હતુ કે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ તેમનાથી નારાજ છે અને ભાજપના જ કેટલાક લોકો પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને તેમના વિરુદ્ધ ગેરમાર્ગે દોરી રહ્યા છે. મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો હતો કે નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા અને ઝઘડિયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈ મળીને પ્રદેશ અધ્યક્ષને તેમના વિરુદ્ધમાં ગેરમાર્ગે દોરે છે. તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે પાર્ટી તરફથી તેમને ટિકિટ મળે કે ન મળે, તેઓ સાંસદ તરીકે રહે કે ન રહે પરંતુ સ્થાનિક પ્રશ્ર્નોને તેઓ વાચા આપતા રહેશે. સાથે જ સરકારની ગ્રાન્ટનો દુરુપયોગ કરનારા અને સંગઠનને નુકસાન પહોંચાડનાર લોકોનું શરણું તેઓ નહીં સ્વીકારે, એવો હુંકાર પણ કર્યો હતો.
ઊંઝા બાદ હવે ભરૂચ-નર્મદામાં ભાજપની જૂથબંધી ગાંધીનગર પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં સપાટી પર આવી છે. ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં વડોદરા અને નર્મદાનો વારો આવે એ પહેલાં જ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ વોકઆઉટ કર્યા બાદ હવે તેમનું નિવેદન સામે આવ્યું છે. સાંસદ મનસુખ વસાવાએ મીડિયા સમક્ષ વધુ એકવાર બળાપો કાઢ્યો છે. તેઓએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, કેટલાક નેતાઓ મારા વિરુદ્ધ પાટીલ સાહેબને ભડકાવે છે. પ્રદેશ અધ્યક્ષને મારી ખોટી માહિતી આપે છે.
વસાવાએ વધુમાં જણાવ્યું હતુ કે, જેઓએ પાર્ટી અને સંગઠન માટે ક્યારેય કામ જ નથી કર્યું, એવા લોકો મારા વિરુદ્ધ સી.આર પાટીલ સાહેબને ભડકાવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર.પાટીલે તમામ જિલ્લાના સંગઠનના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેઠક ગાંધીનગર ખાતે કમલમમાં બોલાવી હતી.