આપણું ગુજરાત

કચ્છમાં જન્માષ્ટમીની ધામધૂમ : સાતમ-આઠમના મેળામાં અંદાજે ત્રણ લાખ લોકો આવ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)


ભુજ: કચ્છભરમાં જન્માષ્ટમીના પર્વની ઉમંગભેર ઉજવણી કરાઈ હતી. સાતમ-આઠમના તહેવારમાં ભુજ,માંડવી અને અંજાર ખાતે બે દિવસના લોકમેળા યોજાયા છે. સૌથી મોટો ભાતીગળ મેળો ભુજના હમીરસર તળાવની ફરતે યોજાયો તેમાં અંદાજે ત્રણ લાખ જેટલા લોકોએ આ મેળો માણ્યો હતો.
રાજ્યનાં મોટાં શહેરોમાંથી આવેલા વેપારીઓ રમકડાં, હોઝિયરી, લેડીસ પર્સ, બગલ થેલા, ફલાવર પોટ, માટીની મૂર્તિઓ અને કાષ્ટ કામની ગૃહ સજાવટની ચીજવસ્તુઓના સ્ટોલ ગોઠવીને ભુજના સાતમ-આઠમના મેળામાં જે મળ્યું તેના હિસાબે સ્ટોક ક્લિયરન્સ કરવામાં લાગ્યા હતા. આનો લાભ બાળકો અને ગૃહિણીઓને થવા પામ્યો છે, કારણ કે રમકડાં સહિતની ચીજ વસ્તુઓ ખુબ સસ્તામાં ટપોટપ વહેંચાઈ જવા પામી હતી.


બીજી તરફ, કોરોના કાળ તેમજ ડેન્ગ્યૂ, મલેરિયા, ટાઇફોઇડ જેવા રોગોથી શીખ મેળવી ચૂકેલી જનતાએ હાથગાડીઓ પરથી વેંચાતા ખુલ્લા ખાદ્ય પદાર્થોથી અળગા રહેવાનું મુનાસીબ માનતાં ભેળ-પકોડી, રગળા-પેટીસ, પાણીપૂરી, બજારુ બરફવાળી શેરડી જેવી ખાદ્ય સામગ્રીઓના વેચાણ પર અસર જોવા મળી હતી તો સામે પક્ષે લીલાં નાળિયેર અને મકાઈ હોટ ફેવરિટ હતાં. રાજ્યભરમાં થયેલા સચરાચર વરસાદને લઈને આ વખતે મકાઈનું ઉત્પાદન વધતાં તેમજ તામિલનાડુમાં થતી અમેરિકન મકાઈના શેકેલા ભુટ્ટા અને લીંબુ-મસાલા વાળા બાફેલા મકાઈના દાણાની પ્લેટ ભુજના મેળામાં હોટ-ફેવરિટ બનવા પામી હતી. સામાન્ય રીતે સાતમ-આઠમના મેળા દરમ્યાન ભુજમાં પાંચથી આઠ સ્થળે મકાઈના ભુટ્ટા વેંચનારા પરિવારો ઊભા હોય છે પરંતુ તામિલનાડુથી આવેલા અમેરિકન મકાઈના મોટા જથ્થાને લઈને આ વખતે મેળામાં ૩૦થી ૩૫ જેટલા મકાઈના ભુટ્ટા વેંચતા ફેરિયાઓ નજરે પડ્યા હતા. આવા એક ફેરિયા શંકર નટના જણાવ્યા પ્રમાણે, છેલ્લા પચાસ વર્ષમાં તેણે આ વખત જેટલી મકાઈ વેંચી નથી અને ખૂબ સારી કમાણી કરી હોવાનું તેણે ઉમેર્યું હતું.


દરમ્યાન, ભુજના ઉપલીપાળ રોડ પર આવેલા પ્રાચીન દ્વારકાનાથના મંદિરે સવારથી જ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને શહેરના રાજાશાહી વખતના વિસ્તારોમાં બપોર બાદ મટકીફોડના કાર્યક્રમો યોજાયા હતા.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત