મહિલા અનામત એક સદીની લડતનું પરિણામ
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
લોકસભા અને રાજ્યોની વિધાનસભામાં ૩૩ ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાનો ખરડો અંતે પસાર થઈ ગયો છે. લોકસભામાં આ ખરડો પહેલાં જ પસાર થઈ ગયો હતો પણ રાજ્યસભામાં પસાર થવાનો બાકી હતો. સંસદના વિશેષ સત્રના ચોથા દિવસે રાજ્યસભામાં પણ મહિલા અનામત બિલ કે જેને સત્તાવાર રીતે નારી શક્તિ વંદન બિલ કહેવાયું છે એ સર્વસંમતિથી પસાર થઈ ગયું.
લોકસભામાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીના બે સાંસદોએ બિલની વિરુદ્ધમાં મતદાન કરેલું. અસદુદ્દીન ઓવૈસીએ મહિલા અનામત બિલનો વિરોધ કરતાં કહેલું કે, મોદી સરકાર માત્ર ‘સવર્ણ’ મહિલાઓનું લોકસભા અને વિધાનસભાઓમાં પ્રતિનિધિત્વ વધારવા માગે છે તેથી આ ખરડો લાવી છે. આ બિલ મહિલાઓને છેતરનારું ઓબીસી તથા મુસ્લિમ વિરોધી બિલ છે. આ બિલ દેશ માટે ખતરનાક છે કેમ કે સંસદમાં મુસ્લિમ મહિલાઓના પ્રતિનિધિત્વના દરવાજા બંધ થઈ જશે. આ બિલ ભવિષ્યમાં મુસ્લિમોનું પ્રતિનિધિત્વ નબળું પાડશે જ્યારે ‘સવર્ણો’ને પ્રોત્સાહન આપશે.
ઓવૈસીની વાતો હાસ્યાસ્પદ છે. જે સમાજ પોતાની મહિલાઓને પુરુષ જેવા અધિકારો નથી આપતો એ સમાજના નેતા ઓવૈસી મહિલાઓના પ્રતિનિધિત્વની વાતો કરે એ શોભતું નથી. મોદી સરકાર ગમે તે વર્ગની મહિલાઓનું પ્રતિનિધિત્વ લોકસભા અને વિધાનસભાઓમાં વધારવા તો માગે છે જ્યારે તમે તો તમારી પોતાની મહિલાઓને પ્રતિનિધિત્વની વાત તો છોડો પણ દેશની મહિલાઓ જેવા અધિકારો પણ આપતા નથી. ઓવૈસી પોતાની મુસ્લિમ મતબૅન્કને ખુશ કરવા આ બધો બકવાસ કરી ગયા પણ તેનાથી કોઈ ફરક પડતો
નથી.
રાજ્યસભામાં ઓવૈસીની પાર્ટીના કોઈ સભ્ય નથી તેથી રાજ્યસભામાં કોઈએ વિરુદ્ધમાં મતદાન ના કર્યું. રાજ્યસભામાં હાજર તમામ ૨૧૫ સાંસદોએ બિલને સમર્થન આપતાં બિલ પસાર થઈ ગયું. હવે આ બિલ રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે અને તેમની મંજૂરી મળતાં જ આ કાયદો બની જશે.
અલબત્ત આ બિલનો અમલ દેશની વસતી ગણતરી અને સીમાંકન સાથે જોડાયેલો છે. વસતી ગણતરી અને સીમાંકન બંને પ્રક્રિયા લોકસભાની ૨૦૨૪ની ચૂંટણી પછી હાથ ધરાવાની છે તેથી આ ખરડાનો અમલ લોકસભાની ૨૦૨૪ની ચૂંટણીમાં થવાનો નથી એ સ્પષ્ટ છે. વસતી ગણતરી અને સીમાંકનની પ્રક્રિયા ક્યારે પૂરી થશે એ ખબર નથી પણ ૨૦૨૭ સુધીમાં પતશે એવું લાગે છે એ જોતાં વસતી ગણતરી અને સીમાંકન પ્રક્રિયા પૂર્ણ થયા પછી મહિલાઓને લોકસભા અને વિધાનસભાઓમાં ૩૩ ટકા અનામત મળશે.
અત્યારે એકાદ મહિનામાં જ રાષ્ટ્રપતિની મંજૂરી મળતાં જ કાયદો ભલે બની જાય પણ ૩૩ ટકા મહિલા અનામતનો અમલ થવામાં બે વર્ષ લાગશે તેથી લોકસભામાં ૨૦૨૯ની ચૂંટણીમાં ૩૩ ટકા બેઠકો મહિલાઓ માટે અનામત હશે પણ કેટલાંક રાજ્યોમાં તેનો અમલ ૨૦૨૬ સુધીમાં જ શરૂ થઈ જશે.
મહિલાઓને તેમની વસતીના પ્રમાણમાં પૂરતું પ્રતિનિધિત્વ અને સત્તામાં ભાગીદારી આપવા માટે કાયદો બનાવવો પડે એ દેશ માટે શરમજનક તો કહેવાય પણ એ રીતે પણ મહિલાઓને પ્રતિનિધિત્વ મળતું હોય તો આપણે ખુશ થવું જ જોઈએ. કાયદાથી તો કાયદાથી પણ તેમને અધિકાર તો મળ્યો? કાયદા દ્વારા તો કાયદા દ્વારા પણ છેલ્લી લગભગ એક સદીથી ચાલતી લડત સફળ થઈ છે.
રાજકારણમાં મહિલાઓને અનામતનો મુદ્દો આઝાદી પહેલાંથી ચર્ચામાં છે. ૧૯૩૧માં કૉંગ્રેસના લાહોર અધિવેશનમાં બેગમ શાહ નવાઝ અને સરોજિની નાયડુએ મહિલાઓને પુરુષોને સમાન રાજકીય દરજજાની માંગ કરી હતી. એ વખતે તો કશું ના થયું પણ દેશ આઝાદ થયો પછી તેના આધારે બંધારણ સભામાં મહિલા અનામતનો મુદ્દો ચર્ચાયો હતો. લોકશાહીમાં તમામ જૂથોને આપોઆપ સમાન પ્રતિનિધિત્વ મળશે એવું કહીને બહુમતી સભ્યોએ આ દરખાસ્તને નકારી કાઢી હતી.
ભારતમાં મહિલાઓની સ્થિતિની સમીક્ષા કરવા માટે ઈન્દિરા ગાંધીની સરકાર દ્વારા ૧૯૭૧માં બનાવાયેલી સમિતિએ ૧૯૭૪માં તેનો રિપોર્ટ આપ્યો ત્યારે મહિલાઓને સત્તામાં વધારે ભાગીદારી આપવાની તરફેણ કરીને સંસદ અને ધારાસભાઓમાં મહિલાઓ માટે અનામતની તરફેણ કરી હતી. આ રિપોર્ટમાં પંચાયતો અને મ્યુનિસિપલ સંસ્થાઓમાં મહિલાઓ માટે અનામત બેઠકો રાખવાની ભલામણ કરવામાં આવી હતી.
ઈન્દિરા તેનો અમલ ના કરી શક્યાં પણ રાજીવ ગાંધી વડા પ્રધાન બન્યા ત્યારે ૧૯૮૮માં મહિલાઓ માટે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં અનામતનો કાયદો બનાવાયો. એ વખતે પણ ગ્રામ પંચાયતથી સંસદ સુધી તમામ સ્તરે મહિલાઓ માટે અનામતની ભલામણ કરાઈ હતી પણ રાજીવ સરકારે સ્થાનિક સ્વરાજમાં અમલ માટે કાયદો બનાવવાનું નક્કી કર્યું. એ માટેની પ્રક્રિયા શરૂ થઈ પણ રાજીવ સરકાર જતી રહેતાં મામલો અટવાયો.
છેવટે નરસિંહરાવની સરકારે ૧૯૯૩માં દેશનાં તમામ રાજ્યોમાં પંચાયતી રાજ સંસ્થાઓ અને શહેરી સ્થાનિક સંસ્થાઓમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ બેઠકો અનામત રાખવાનું ફરજિયાત કરતો ૭૩મો અને ૭૪મો બંધારણીય સુધારો કરીને મહિલાઓને એ અધિકાર આપ્યો. ઓ પછી તો મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ અને કેરળ સહિતનાં કેટલાંક રાજ્યોએ સ્થાનિક સંસ્થાઓમાં મહિલાઓ માટે ૫૦% અનામત લાગુ કરી. ગુજરાતમાં પણ પાછળથી ૫૦ ટકા અનામત કરી.
લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામતનો ખરડો પહેલી વાર ૧૯૯૬માં એચડી દેવગૌડાની સરકાર લાવી. ૮૧મા બંધારણીય સુધારા બિલ તરીકે સંસદમાં રજૂ કરાયેલા મહિલા અનામત બિલમાં ઓબીસી માટે અલગ અનામતની જોગવાઈ નથી તેમ કહીને મુલાયમસિંહ યાદવ અને લાલુપ્રસાદ યાદવ જેવા નેતાઓએ વિરોધ કરતાં આ બિલ પાસ ના થયું.
૧૯૯૮ અને ૧૯૯૯માં અટલ બિહારી વાજપેયીની નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ સરકારે ફરી બિલ રજૂ કર્યું પણ ઓબીસી અનામતના મુદ્દે સર્વસંમતિ સાધવામાં સફળતા ન મળી. વાજપેયી સરકાર ૨૦૦૨ અને ૨૦૦૩માં બે વખત લોકસભામાં આ બિલ લાવી હતી. કૉંગ્રેસ અને ડાબેરી પક્ષોએ સમર્થનની ખાતરી આપી પણ સપા અને આરજેડીના સભ્યોએ ધમાલ કરીને કાર્યવાહી જ ના થવા દેતાં આ બિલ પસાર થઈ શક્યું ન હતું.
ડૉ. મનમોહનસિંહની સરકારે તો રાજ્યસભામાં આ બિલ પાસ પણ કરેલું. જો કે સરકારને સમર્થન પાછું ખેંચવાની એસપી અને આરજેડીની ધમકીને પગલે મનમોહનસિંહ સરકાર પાણીમાં બેસતાં બિલ અટવાઈ ગયું. હવે મોદી સરકાર પાસે સ્પષ્ટ બહુમતી છે તેથી આ બિલ પસાર થઈ ગયું.
આ બિલ પસાર કરવામાં બધા પક્ષોએ યોગદાન આપ્યું છે ત્યારે રાજકીય પક્ષો પાસેથી વધારે એક અપેક્ષા છે. કાનૂની રીતે ૨૦૨૪માં ભલે તેનો અમલ ના થાય પણ રાજકીય પક્ષો દરેક રાજ્યમાં ૩૩ ટકા ટિકિટો મહિલાઓને આપીને મહિલાઓને સમાન તક આપવા તૈયાર છે એ સ્વૈચ્છિક રીતે સાબિત કરે. ઉ