એકસ્ટ્રા અફેર

બ્રિજભૂષણ મુદ્દે ચૂપ રહેનારા દેશનું ભલું કરશે?

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે બિહાર વિધાનસભામાં બિહારમાં વસતી નિયંત્રણ અંગે કરેલી શરમજનક ટીપ્પણીના મુદ્દે બબાલ મચી ગઈ છે. બિહારમાં વસતી વધારા પર નિયંત્રણ આવ્યું છે એ માટે છોકરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું એ કારણ જવાબદાર છે એવી વાત કરતાં કરતાં નીતીશ કુમારે સાવ ગંદી વાત કરી નાંખી. નીતીશે કરેલી વાત અહીં લખી શકાય તેમ નથી કેમ કે તેની ભાષા અશોભનિય છે.
એક રાજ્યના મુખ્ય પ્રધાન આવી ભાષામાં વાત કરે એ શરમજનક કહેવાય એ જોતાં તેની ઝાટકણી કઢાય એ યોગ્ય જ છે. મહિલા કે પુરુષ, કોઈના વિશે વાત કરતી વખતે એક મર્યાદા જાળવવી જ જોઈએ, કોઈ પણ પ્રકારની અશ્ર્લિલતા ન આવે તેનું ધ્યાન રાખવું જ જોઈએ. નીતીશ કુમાર એ મર્યાદા ચૂક્યા ને વિવેકભાન ભૂલ્યા એ વ્યક્તિગત રીતે તો તેમના માટે શરમજનક કહેવાય જ પણ આ દેશ માટે પણ શરમજનક કહેવાય.
નીતીશ કુમારે મહિલાઓ પર કરેલી વાંધાજનક ટિપ્પણી બદલ માફી માગીને આ વિવાદ પર પડદો પાડવા પ્રયત્ન કર્યો છે. વિધાનસભાની અંદર નિવેદન આપ્યાના બીજા દિવસે નીતીશે વિધાનસભાની બહાર અને ગૃહમાં પણ અનેકવાર હાથ જોડીને ખેદ વ્યક્ત કર્યો. નીતીશે કહ્યું કે, મારા નિવેદનથી કોઈને દુ:ખ થયું હોય તો હું માફી માગુ છું. હું મારી જાતની નિંદા કરું છું અને આવી વાત મેં કરી એ બદલ મને શરમ આવે છે.
નીતીશે એમ પણ કહ્યું કે, વસ્તી નિયંત્રણ માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે અને મારો ઉદ્દેશ્ય માત્ર શિક્ષણના કારણે વસ્તી વૃદ્ધિ પર આવેલા અંકુશ અંગે બોલવાનો હતો પણ મેં ખરાબ ભાષામાં વાતને મૂકી તેથી હું માફી માંગુ છું. હું મારા શબ્દો પાછા લઉં છું. મેં જે કહ્યું તે ખોટું હતું, અને મારાથી કોઈ દુ:ખ થયું હોય, તો હું માફી માંગુ છું. આ પછી પણ જો કોઈ મારી ટીકા કરે તો હું તેને ધન્યવાદ આપીશ.
ભારતમાં રાજકારણીઓ જાડી ચામડીના હોય છે ને પોતે કરેલી ભૂલ બદલ માફી માગવામાં નાના બાપના થઈ જતા હોય છે તેથી ગમે તેટલી હોહા થાય, માફી માગતા જ નથી. નીતીશે આ માનસિકતા બતાવવાના બદલે માફી માગીને વાતને વાળી એ સારું કર્યું પણ તેના કારણે આ વિવાદ ખતમ થવાનો નથી. ભાજપને નીતીશ સામે પ્રહાર કરવાનો મોકો મળી ગયો છે તેથી ભાજપ આ મોકાને છોડે એ વાતમાં માલ નથી એ જોતાં આ મુદ્દો હજુ ગાજ્યા કરશે.
ખેર, રાજકારણમાં મુદ્દો તો ગાજ્ય કરતા હોય છે પણ નીતીશના નિવેદને આપણા નેતાઓની હલકી માનસિકતાને ફરી છતી કરી દીધી. સાથે સાથે એ પણ સ્પષ્ટ કરી દીધું કે, આપણે ત્યાં મહિલાઓને સન્માન આપવાની વાતો બધા કરે છે પણ મહિલા સન્માનની ખરેખર વાત આવે ત્યારે રાજકારણ વચ્ચે આવી જાય છે.
નીતીશના નિવેદનને મામલે એ જ થઈ રહ્યું છે. કૉંગ્રેસ સહિતના ભાજપ વિરોધી પક્ષો નીતીશનો બચાવ કરી રહ્યા છે જ્યારે ભાજપ અને તેના સાથી પક્ષો પૂરી તાકાતથી તૂટી પડ્યા છે. ભાજપે તો આ નિવેદન બદલ નીતીશના રાજીનામાની માગ પણ કરી નાંખી છે. કેન્દ્રીય પ્રધાન અશ્ર્વિની ચૌબેએ તો ત્યાં સુધી કહ્યું છે કે, નીતીશનું નિવેદન સાવ હલકી કક્ષાનું છે એ જોતાં તેમણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. નીતીશ રાજીનામું ના આપે તો કેન્દ્ર સરકારે તેમને બરતરફ કરી દેવા જોઈએ. બિહાર બીજેપીએ ટ્વિટર પર લખ્યું છે કે નીતીશ બાબુ જેવા અશ્ર્લિલ નેતા ભારતીય રાજકારણમાં જોયા નથી. નીતીશબાબુના મગજમાં એડલ્ટ બી ગ્રેડની ફિલ્મોનો કીડો ઘૂસી ગયો છે. જાહેરમાં તેમના દ્વિઅર્થી સંવાદો પર પ્રતિબંધ મૂકવો જોઈએ. લાગે છે સંગતની રંગત વધી ગઈ છે.
બિહારના નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવથી માંડીને કૉંગ્રેસીઓ સુધીના બધા નીતીશના સમર્થક નેતા બચાવ કરી રહ્યા છે એ જોઈને આઘાત લાગે છે. તેજસ્વીએ તો નીતીશની વાતને સેક્સ એજ્યુકેશન ગણાવી દીધી. ભલા માણસ, સેક્સ એજ્યુકેશન માટે આવી ગંદી ભાષા કઈ રીતે વાપરી શકાય? બિહારની વસતી નિયંત્રણમાં આવી રહી છે તેનું શ્રેય છોકરીઓમાં વધેલા શિક્ષણના પ્રમાણને આપવાની વાત યોગ્ય છે પણ તેના કારણે છોકરીઓનું અપમાન થઈ જાય એવી ભાષા ના જ વાપરી શકાય ને? નીતીશને બચાવ કરનારા બધા એ રીતે ખોટા છે ને નીતીશની સાથે સાથે તેમણે પણ માફી માગવી જોઈએ.
જો કે આઘાત તો ભાજપના નેતાઓના વર્તનને કારણે પણ લાગે છે કેમ કે ભાજપને અચાનક જ મહિલાઓના સન્માનની વાત યાદ આવી ગઈ છે. મણિપુરમાં આપણી બહેન-દીકરીઓ પર ગેંગ રેપ કરીને તેમની નગ્નાવસ્થામાં જાહેર પરેડ કરાવી ત્યારે ભાજપના નેતા ચૂપ હતા. નીતીશના નિવેદન કરતાં એ ઘટના વધારે ગંભીર હતી છતાં ભાજપના કેટલાક નેતાઓએ સરકારી રાહે ટીકા કરીને વાતનો વીંટો વાળી દીધો. અત્યારે નીતીશના રાજીનામાની માગણી કરનારામાંથી કોઈએ એ વખતે કહેલું કે, મણિપુરના મુખ્ય પ્રધાન બિરેનસિંહે રાજીનામું આપવું જોઈએ ને બિરેન રાજીનામું ના આપે તો તેમને લાત મારીને તગેડી મૂકવા જોઈએ ? ભાજપના કોઈ નેતાએ એવું કહ્યું હોવાનું યાદ આવે છે?
મણિપુર જેવો જ શરમજનક કિસ્સો ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામે આપણા ગૌરવ સમાન કુશ્તીબાજ દીકરીઓની છેડતીના આક્ષેપોનો હતો. ભાજપના ક્યા નેતાએ કહ્યું કે, બ્રિજભૂષણ જેવા લંપટ માણસને લાત મારીને તગેડી મૂકવો જોઈએ? નીતિશના નિવેદનની આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટીકા કરી. મોદીએ નીતીશના નિવેદનને અશ્ર્લિલ ગણાવીને કહ્યું કે, અહંકારી ગઠબંધનના એક બહુ મોટા નેતા પોતાનો ઝંડો લઈને ફરે છે, તેમણે વિધાનસભામાં માતાઓ અને બહેનોની હાજરીમાં એવી અભદ્ર ભાષામાં વાત કરી, જેની કલ્પના પણ કરી શકાતી નથી. તેમને કોઈ શરમ નથી. આપણે કેટલા નીચા જઈશું? તેઓ દુનિયામાં દેશનું અપમાન કરી રહ્યા છે. ભારત ગઠબંધનનો એક પણ નેતા માતા-બહેનોના ભયાનક અપમાન સામે એક શબ્દ બોલવા તૈયાર નહોતો. શું આવા વિચારો ધરાવતા લોકો તમારું કોઈ ભલું કરી શકે છે?
મોદી સાહેબ બ્રિજભૂષણને મુદ્દે એક શબ્દ નહોતા બોલ્યા ને આજેય નથી બોલતા. સવાલ એ છે કે, બ્રિજભૂષણ જેવા હલકટોને છાવરનારા આ દેશનું ભલું કરશે? ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો… શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker