વધારે બાળકોની જવાબદારી ચંદ્રાબાબુ-સ્ટાલિન લેશે?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ભારતમાં રાજકારણીઓ ક્યારે કઈ રીતે વર્તે એ નક્કી નહીં ને તેનું તાજું ઉદાહરણ આંધ ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ અને તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિનનું વસતી વધારાને મામલે વલણ છે. ભારતમાં વધતી જતી વસતી મોટી સમસ્યા છે અને વરસોથી વસતી વધારો કઈ રીતે રોકવા તેના વિશે ચર્ચા ચાલે છે ત્યારે સ્ટાલિન અને ચંદ્રાબાબુ બંનેએ લોકોને વધુ બાળકો પેદા કરવાની અપીલ કરી છે.
આંધ ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ રવિવારે કહ્યું હતું કે, આંધ્ર પ્રદેશની સરકાર એવો કાયદો લાવવાની છે કે જેમાં બે કરતાં વધુ બાળકો ધરાવતા લોકો જ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી લડી શકશે. ચંદ્રાબાબુએ નવદંપતીઓને વધારે બાળકો પેદા કરવાની અપીલ કરતાં કહ્યું કે, આંધ્ર પ્રદેશના ઘણા જિલ્લાઓ એવા છે જ્યાં ગામડાંમાં માત્ર વૃદ્ધો જ રહે છે અને તેમની સારસંભાળ લેનાર કોઈ નથી તેથી વૃદ્ધાવસ્થામાં સાચવી શકે એ માટે વધારે બાળકો પેદા કરવાં જોઈએ.
તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને તો એક કદમ આગળ વધીને કહ્યું કે હવે સમય આવી ગયો છે કે નવવિવાહિત યુગલો ૧૬ બાળકો પેદા કરે. અગાઉ વડીલો નવપરિણીત યુગલોને ૧૬ પ્રકારની સંપત્તિ પ્રાપ્ત કરવાના આશીર્વાદ આપતા હતા. હવે ૧૬ પ્રકારની સંપત્તિને બદલે ૧૬ બાળકો પેદા કરવાનો સમય આવી ગયો છે. ચેન્નાઈમાં હિન્દુ ધાર્મિક અને એન્ડોવમેન્ટ બોર્ડ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં સ્ટાલિનની હાજરીમાં ૩૧ યુગલોએ લગ્ન કર્યાં ત્યારે સ્ટાલિને આ સલાહ આપી હતી.
ચંદ્રાબાબુ અને સ્ટાલિનની સલાહે સૌને ચોંકાવી દીધા છે કેમ કે ભારત દુનિયાનો સૌથી વધારે વસતી ધરાવતો દેશ છે અને તેના કારણે ભારતમાં ઘણી બધી સમસ્યાઓ છે. યુનાઈટેડ નેશન્સ (ઞગ)ની આરોગ્ય એજન્સી યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ (ઞગઋઙઅ)એ એપ્રિલ ૨૦૨૪માં જાહેર કરેલા રિપોર્ટમાં દાવો કર્યો હતો કે, છેલ્લાં ૭૭ વર્ષમાં ભારતની વસતિ બમણી થઈને ૧૪૪.૧૭ કરોડ પર પહોંચી છે. ભારતમાં વસતી વધારાના દરને જોતાં ૨૦૩૬માં ભારતની વસતિ ૧૫૨.૨ કરોડ સુધી પહોંચી શકે છે. આ રિપોર્ટ પ્રમાણે, ભારતની કુલ વસતિના ૨૪ ટકા લોકો ૦-૧૪ વર્ષની વયના છે જ્યારે ૧૫-૬૪ વર્ષની વયના લોકોનું પ્રમાણ ૬૪ ટકા છે.
ચંદ્રાબાબુ અને સ્ટાલિને લોકોને વધારે બાળકો પેદા કરવાની સલાહ આપી તેનું કારણ ભારતમાં યુવાઓનું ઘટી રહેલું પ્રમાણ છે. યૂથ ઈન ઈન્ડિયા-૨૦૨૨ રિપોર્ટ પ્રમાણે, ભારત વૃદ્ધ થઈ રહ્યું છે અને યુવાનોની વસતિ ઘટી રહી છે. ૨૦૩૬ સુધીમાં દેશની વસતીમાં માત્ર ૩૪.૫૫ કરોડ વસતિ જ યુવાનોની હશે. હાલમાં દેશમાં ૧૫ થી ૨૫ વર્ષની વચ્ચે ૨૫ કરોડ યુવાનો છે જ્યારે ૨૫થી ૪૦ વર્ષનાં લોકોની સંખ્યા ૩૭ કરોડ છે.
મતલબ કે, હાલમાં ૪૭ ટકા કરતાં વધુ લોકો યુવાન છે પણ આગામી ૧૫ વર્ષમાં યુવાનોની વસતી ઝડપથી ઘટશે અને ૨૦૩૬ સુધીમાં, દેશની ૧૨ ટકાથી વધુ વસતિ વૃદ્ધોની હશે. યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ (ઞગઋઙઅ)ના ઈન્ડિયા એજિંગ રિપોર્ટ ૨૦૨૩ અનુસાર, ૨૦૧૧માં ભારતમાં યુવા વસતિની સરેરાશ ઉંમર ૨૪ વર્ષ હતી પણ હવે ૨૯ વર્ષ થઈ ગઈ છે.
ભારતમાં વૃદ્ધોની વસતિ ૨૦૩૬ સુધીમાં ૧૨.૫ ટકા, ૨૦૫૦ સુધીમાં ૧૯.૪ ટકા અને સદીના અંત સુધીમાં ૩૬ ટકા થઈ જશે. આ કારણે ભારતને વધારે પ્રમાણમાં યુવા વસતીની જરૂર છે. કોઈ પણ દેશમાં યુવાનોના પ્રમાણમાં વૃદ્ધો વધારે હોય તો તેનું અર્થતંત્ર ખોડંગાવા માંડે ને ભારતમાં પણ ધીરે ધીરે એ સ્થિતિ આવી રહી છે.
દુનિયાના ઘણા દેશોમાં આ પ્રકારની સ્થિતિ છે. જાપાન, રશિયા અને ચીન તેનાં શ્રેષ્ઠ ઉદાહરણ છે. જાપાન, ચીન-રશિયા જેવા દેશો પણ વૃદ્ધોની વધી રહેલી વસતીના કારણે વધુ બાળકોને જન્મ આપવા પર ભાર મૂકે છે. એક સમયે ચીનમાં એ હદે વસતી વિસ્ફોટ થયેલો કે એક બાળકની નીતિ લાવવી પડી હતી પણ ૨૦૨૧માં ચીનમાં થ્રી ચાઈલ્ડ પોલિસી સત્તાવાર રીતે લાગુ કરવામાં આવી હતી.
ચીના હવે ત્રણ બાળકો પેદા કરી શકે છે. જન્મદરમાં વધુ ઘટાડો અટકાવવા માટે ચીને આ નીતિ લાગુ કરી છે. લોકોને સંતાન પ્રાપ્તિ માટે પ્રેરિત કરી શકાય એ માટે સામ્યવાદી સરકારે લોકોને આર્થિક સહાય આપવાનાં પગલાં પણ અમલમાં મૂક્યાં છે. નવા કાયદા અનુસાર, માતાપિતાને તેમનાં બાળકોના ઉછેર અને શિક્ષણનો ભાર ન ઉઠાવવો પડે તે માટે, સરકાર નાણાં, કર, વીમો, શિક્ષણ, આવાસ અને નોકરી વગેરેમાં માતાપિતાને મદદ કરશે.
વન ચાઈલ્ડ પોલિસીના કારણે ત્રણ દાયકામાં લગભગ ૪૦ કરોડ બાળકો ઓછાં થયાં તેથી ચીનમાં યુવાનો ઘટી ગયા ને વૃદ્ધો વધી ગયા. જાપાનમાં પણ ૬૦ ટકા વસતી વૃદ્ધોની છે તેથી જાપાન પણ વધારે બાળકો પેદા કરાવવા મથ્યા કરે છે.
ગયા વર્ષે ડિસેમ્બરમાં રશિયાના પ્રમુખ પુતિને રશિયન મહિલાઓને ઓછામાં ઓછાં ૮ બાળકને જન્મ આપવા માટે કહ્યું હતું. રશિયામાં મોટા પરિવારોની પરંપરા છે ને તેને ફરી જીવંત કરવાની જરૂર છે એવો દાવો કરીને પુતિને કહ્યું હતું કે, ઘણા સમુદાયોમાં હજુ પણ વધુ બાળકો પેદા કરીને પરિવાર વધારવા અને પરંપરાઓ જાળવી રાખવાનો ટ્રેન્ડ છે પણ બધાંએ તેને અનુસરવાની જરૂર છે.
ભારતમાં હિંદુવાદીઓ વધારે બાળકો પેદા કરવા પર ભાર મૂકે છે પણ ચંદ્રાબાબુ અને સ્ટાલિન જેવા સેક્યુલર મનાતા મુખ્યમંત્રીઓ પણ હવે એ જ ભાષા બોલી રહ્યા છે એ આશ્ર્ચર્યજનક છે પણ આ વાસ્તવિકતા છે. સવાલ એ છે કે, ભારતીયોએ આ વાત માનવી જોઈએ કે નહીં? બિલકુલ ના માનવી જોઈએ કેમ કે માત્ર બાળક પેદા કરી દેવાં પૂરતાં નથી. તેમનો સારો ઉછેર, સારું શિક્ષણ, સારું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જળવાય એ જોવું પણ જરૂરી છે. ભારતમાં કઈ સરકાર તેની જવાબદારી લેશે ? સરકાર એ જવાબદારી લેવા માટે તૈયાર હોય તો વધારે બાળકો પેદા કરો, બાકી ભારતમાં આર્થિક સ્થિતિને જોતાં મધ્યમ વર્ગ તેમને વધારે બહેતર જિંદગી આપી શકે તેમ નથી તેથી નેતાઓની વાતોમાં આવવા જેવું નથી.
ભારતમાં હજારો ગામડાં એવાં છે કે જ્યાં વૃદ્ધો જ રહી ગયા છે પણ વધારે બાળકો પેદા થવાથી એ સમસ્યા દૂર થવાની નથી. આ વૃદ્ધોનાં સંતાનો વિદેશ જતાં રહ્યાં છે કે પછી શહેરોમાં જતા રહ્યાં છે કેમ કે ગામડાંમાં કોઈ તકો જ નથી. વધારે બાળકો પેદા કરવાથી પણ એ જ થવાનું છે તેથી યુવાનોને ગામડાંમાં રાખવાં હોય તો ગામડાંને મજબૂત બનાવો, ગામડાંમાં વધારે આર્થિક તકો ઊભી કરો, વધારે બાળકો પેદા ના કરાવશો.