એકસ્ટ્રા અફેર

ભાજપ બદલાપુર ઘટના વિશે કાંઈક બોલશે?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

કોલકાતામાં ટ્રેઇની ડોક્ટરના રેપ-મર્ડરની ઘટનાએ દેશભરનાં લોકોને ખળભળાવી મૂક્યાં છે ત્યાં મહારાષ્ટ્રના થાણેના બદલાપુરની એક શાળામાં બનેલી ઘટનાએ સૌને હતપ્રભ કરી નાંખ્યાં છે. માત્ર ૩-૪ વર્ષની બે છોકરીઓને હવસનો શિકાર બનાવનાર તો માનસિક વિકૃત કહેવાય જ પણ પોલીસ અને નેતાઓ પણ આ ઘટનામાં સાવ અસંવેદનશીલ બનીને વર્તી રહ્યાં છે એ જોઈને વધારે આઘાત લાગે છે.

આ કલંકિત ઘટનામાં બદલાપુરની સ્કૂલમાં ૩ અને ૪ વર્ષની બે સાવ નિર્દોષ બાળકીઓનું યૌનશોષણ કરાયું અને આ કાળાં કામ સ્કૂલના બાથરૂમમાં થયાં. અંગ્રેજી મીડિયમની સ્કૂલમાં ભણતી બંને છોકરીઓ હજુ નર્સરીમાં ભણે છે. બંને છોકરીઓ બાથરૂમમાં ગઈ હતી ત્યારે તેમની સાથે ખરેખર કોઈ મહિલા એટેન્ડન્ટ કે ટીચરે જવાની જરૂર હતી. તેના બદલે બંને છોકરીઓને એકલી મોકલાઈ અને તેનો લાભ લઈને ૨૩ વર્ષીય અક્ષય શિંદે નામના આરોપીએ શાળાના બાથરૂમમાં છોકરીઓનું યૌનશોષણ કર્યું.

સ્કૂલના કારભારીઓને આ વાતની ખબર પડી તો તેમણે વાતને દબાવીને છોકરીઓ ઘરે મોકલી દીધી ને કંઈ ન બન્યું હોય એમ વર્તવા માંડ્યા. છોકરીઓએ ઘરે જઈને વાત કરી પછી તેમનો પરિવાર ફરિયાદ નોંધાવવા ગયો તો પોલીસે તેમની વાત સાંભળી નહીં. પોલીસે છોકરીઓનાં માતા-પિતાને ૧૧ કલાક લગી બેસાડી રાખ્યાં. પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં ૧૨ કલાક લગાડી દેવાયા. પોલીસે ફરિયાદ પણ લોકો ભડકેલાં છે એ જોયા પછી લીધી.

આ ઘટનાની વાત આવતાં ભડકેલાં લોકોએ પહેલા શાળામાં તોડફોડ કરી અને પછી બદલાપુર રેલવે સ્ટેશન પર ટ્રેનો રોકીને આક્રોશ વ્યક્ત કર્યો. હજારો લોકો પાટા પર ગોઠવાઈ જતાં લોકલ ટ્રેનોની અવરજવર બંધ થઈ ગઈ હતી. લોકોના વિરોધને કારણે કલ્યાણ-બદલાપુર લોકલ ટ્રેન સેવા ઠપ થઈ ગઈ. પોલીસે ભીડને રોકવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા તો સામે લોકોએ પથ્થરમારો શરૂ કરતાં રેલવે સ્ટેશન રણમેદાનમાં ફેરવાઈ ગયેલું. લોકોએ પોલીસને દોડાવી દોડાવીને માર્યા તો સામે પોલીસે પણ દંડાવાળી કરીને લોકોને ઝૂડી નાખતાં અનેક લોકો ઘાયલ થયા છે. આઘાતની વાત એ છે કે, ભાજપના નેતા એવું કહી રહ્યા છે કે, બદલાપુર સ્ટેશને ભેગાં થયેલાં લોકો બદલાપુરનાં હતાં જ નહીં પણ બહારથી આવેલાં હતાં.

લોકોનો આક્રોશ જોઈને પોલીસને લાગ્યું કે, ફરિયાદ નહીં નોંધીએ તો લોકો આપણને પતાવી દેશે એટલે પોલીસે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધીને આરોપી અક્ષય શિંદેની ધરપકડ કરી છે. સ્કૂલ આવેલી છે એ વિસ્તારનાં મહિલા નિરીક્ષક શુભદા શિતોલેની બદલી કરી દવામાં આવી છે. શાળાના આચાર્ય, વર્ગ શિક્ષક અને એક મહિલા કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે અને માતા-પિતાને બેસાડી રાખનારા ત્રણ પોલીસોને પણ સસ્પેન્ડ કરી દેવાયા છે. મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકાર પણ સફાળી જાગી છે અને આ કેસની તપાસ માટે સીટની રચના કરવામાં આવી છે. આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા માટે પણ કહેવામાં આવ્યું છે.

મહારાષ્ટ્રની ઘટના એક તરફ યુવકોમાં વધી રહેલી વિકૃત્તિઓનો ગંભીર કિસ્સો છે તો બીજી તરફ મહિલાઓની સુરક્ષાની સમસ્યા કેટલી ગંભીર છે એ તરફ ફરી એક વાર આપણું ધ્યાન દોરનારી છે.

કોલકાત્તામાં હૉસ્પિટલ જેવા જાહેર સ્થળે ડૉક્ટર દીકરીને હવસનો શિકાર બનાવીને મારી નંખાઈ ને બદલાપુરમાં તો ચાર વર્ષની છોકરીઓને સ્કૂલમાં હવસનો ભોગ બનાવાઈ. મતલબ કે, ગમે ત્યાં ગમે તે બની શકે છે. જાહેર સ્થળો પર જ સલામતી ના હોય ને સ્કૂલ સલામત ન હોય તો પછી દીકરીઓની સલામતી ને સુરક્ષા કઈ રીતે કરી શકીશું એ સવાલ શૂળની જેમ ભોંકાઈ રહ્યો છે.

આ બંને ઘટનાઓ દેશમાં ચિતાજનક માહોલ બની રહ્યો છે તેનો સંકેત છે. આપણે સંસ્કાર ને સંસ્કૃતિની દુહાઈઓ આપ્યા કરીએ છીએ ને દેશમાં વિકૃતિની ચરમસીમા જેવી ઘટનાઓ બની રહે છે એ જોઈને શું કરવું એ જ ના સમજાય એવો માહોલ છે.

કોલકાત્તામાં બનેલી ટ્રેઈની ડોક્ટર યુવતી પર બળાત્કાર ગુજારીને હત્યા કરી દેવાઈ એ ઘટનાનો આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી કરેલા ભાષણમાં ઉલ્લેખ કરેલો. સ્વાતંત્ર્ય દિને રાષ્ટ્રને કરેલા સંબોધનમાં મોદીએ હુંકાર કરેલો કે, બળાત્કાર ગુજારનારાંને એવી આકરી સજા કરવી જોઈએ કે બળાત્કારનો વિચાર કરનારા પણ થથરી જાય. બળાત્કારીઓને તો ફાંસીએ લટકાવી દેવા જોઈએ.

મહારાષ્ટ્રના બદલાપુરમાં બનેલી ઘટના કોલકાત્તાની ઘટના જેટલી જ આઘાતજનક અને શરમજનક છે. કોલકાત્તામાં ભાજપ વિરોધી મમતા બેનરજીની સરકાર છે ને મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના-એનસીપીની સરકાર છે તેથી કંઈ કહેવાય નહીં. કોલકાત્તાની ઘટનાનો લાલ કિલ્લા પર ઊભા રહીને ઉલ્લેખ કરનારા મોદી અત્યાર સુધી તો બદલાપુરની ઘટના વિશે બોલ્યા નથી પણ આશા રાખીએ કે, આ ઘટનાની પણ એ ટીકા કરે. આ ઘટનામાં ભોગ બનેલી બે નિર્દોષ બાળકીઓ અને તેમના પરિવાર માટે પણ મોદી સહાનુભૂતિના બે શબ્દો ઉચ્ચારે. મોદી ખાલી ભાજપ શાસિત રાજ્યોના નહીં પણ આખા દેશના વડાપ્રધાન છે એ જોતાં રાજકારણી તરીકે વર્તવાના બદલે એ દેશના વડા પ્રધાન તરીકે વર્તે એવી આશા વધારે પડતી નથી જ ને?

મોદીએ બળાત્કારીઓને ફાંસીએ લટકાવી દેવાનો હુંકાર પણ કરેલો. કોલકાત્તાની ઘટનામાં સીબીઆઈ તપાસ કરી રહી છે. સીબીઆઈ કેન્દ્ર સરકારની એજન્સી છે તેથી કોલકાત્તાની ઘટનાના આરોપીઓને ફાંસીની સજા કરાવવા સીબીઆઈ સુપ્રીમ કોર્ટ લગી લડી લેશે એવી પણ આશા છે. મહારાષ્ટ્રમાં તો તેમની પાર્ટીની જ સરકાર છે તેથી સીબીઆઈની તપાસની જરૂર નથી, સ્થાનિક પોલીસ જ તપાસ કરશે ને સ્થાનિક પોલીસ પણ આરોપીઓને ફાંસીની સજા કરાવવા સીબીઆઈ સુપ્રીમ કોર્ટ લગી લડી લેશે એવી આશા વધારે પડતી નથી જ.

મોદી માટે કોલકાત્તા અને બદલાપુર બંને ટેસ્ટ કેસ છે. મોદીએ લાલ કિલ્લા પર ઊભા રહીને આક્રોશ વ્યક્ત કરી લીધો, હવે એક્શનનો ટાઈમ છે. આશા રાખીએ કે, મોદી એક્શનમાં આવે ને સાબિત કરે કે, પોતે ખાલી બોલવામાં જ શૂરા નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button