એકસ્ટ્રા અફેર

ઑસ્ટ્રેલિયા અને અમદાવાદ, ભારત ઈતિહાસ દોહરાવશે?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ભારતમાં રમાઈ રહેલા વન-ડે મેચોના વર્લ્ડ કપમાં ગ્રાન્ડ ફિનાલેનો તખ્તો તૈયાર થઈ ગયો છે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે ૧૯ નવેમ્બરે રમાનારી ફાઈનલમાં ભારતની ટક્કર ઑસ્ટ્રેલિયા સામે થશે. ભારતે પહેલી સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું જ્યારે બીજી સેમીફાઈનલમાં ઑસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને હરાવતાં બંને જૂના દુશ્મન ફાઈનલમાં આવ્યા છે ને ફાઈનલ એકદમ હાઈ પ્રોફાઈલ બની ગઈ છે.

પહેલી સેમીફાઈનલમાં ભારત ન્યુઝીલેન્ડ સામે સરળતાથી જીત્યું પણ બીજી સેમીફાઈનલ ખરેખર વર્લ્ડ કપની સેમીફાઈનલ કહેવાય એવી મેચ હતી. દક્ષિણ આફ્રિકાએ માત્ર ૨૧૨ રન કરીને ૨૧૩ રનનો જ ટાર્ગેટ આપેલો પણ આ ૨૧૩ રન કરતાં કરતાં તો ઑસ્ટ્રેલિયાને ફીણ પડી ગયું, ઑસ્ટ્રેલિયા છેક ૪૮મી ઓવરમાં ડચકાં ખાતાં ખાતાં જીત્યું. ઑસ્ટ્રેલિયાની સાત વિકેટો પડી ગયેલી ને આફ્રિકાના વિકેટકીપર ડીકોકે ઑસ્ટ્રેલિયાએ જીતવા માટે ૧૦ રન કરવાના હતા ત્યારે કેચ ના છોડ્યો હોત તો મેચનું પરિણામ અલગ હોત.

આફ્રિકાના કેપ્ટન બવુમાએ પણ માર્કરામને વહેલો બોલિંગમાં લાવવાની જરૂર હતી કેમ કે પિચ સ્પિનરોને મદદ કરતી હતી. કેશબ મહારાજ અને તબરૈઝ સમશીની ઓવરો પત્યા પહેલાં માર્કરામને લવાયો હોત તો તેણે એકાદ વિકેટ ખેરવીને દબાણ ઊભું કર્યું હોત. ઑસ્ટ્રેલિયાએ પાવરપ્લેની પ્રથમ છ ઓવરમાં તોફાની શાનદાર શરૂઆત કરી ત્યારે લાગતું હતું કે, ઑસ્ટ્રેલિયા ૨૫ ઓવરમાં મેચ પતાવી દેવાના મૂડમાં છે. ટ્રેવિસ હેડ અને ડેવિડ વોર્નરે છ ઓવરમાં ૬૦ રન બનાવીને આફ્રિકાના ભુક્કા કાઢી નાંખેલા.

રબાડાએ છઠ્ઠી ઓવરમાં ૨૧ રન આપ્યા ત્યારે લાગતું હતું કે, આફ્રિકા ઑસ્ટ્રેલિયનોને નહીં રોકી શકે. આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ સાતમી ઓવર એડન માર્કરમને આપીને આશ્ર્ચર્ય સર્જેલું પણ માર્કરમે ડેવિડ વોર્નરની વિકેટ ખેરવીને બાવુમાને સાચો સાબિત કરેલો. બાવુમાએ એ જ રણનીતિ અપનાવીને માર્કરમને મિડલ ઓવરમાં લાવવાની જરૂર હતી. બવુમાએ ગેરાલ્ડ કોએત્ઝીને એ રીતે લાવીને ઑસ્ટ્રલિય પર દબાણ ઊભું કર્યું. કોએત્ઝી પર મૂકેલો ભરોસો ફળ્યો પણ માર્કરામને પાછલી ઓવરો માટે સાચવી રાખવાની ગણતરીમાં બાવુમાએ થાપ ખાધી.

ખેર, આ બધું રાંડ્યા પછીનું ડહાપણ છે પણ ક્રિકેટ ચાહકોને એક યાદગાર મેચ જોવા મળી તેમાં બેમત નથી. દક્ષિણ આફ્રિકાએ જોરદાર લડત આપી પણ પોતાના પર લાગેલું ચોકર્સનું બિરુદ ના હટાવી શક્યા. વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પાંચમી વાર હારીને હતાશ થઈને પાછા ઘરે જવું પડશે. આફ્રિકનોએ દિલ ખુશ થઈ જાય એવો ફાઈટિંગ સ્પિરિટ બતાવ્યો ને ઓછા સ્કોર છતાં હામ ના હારી એ બદલ તેમનાં વખાણ કરવાં પડે પણ રેકોર્ડ બુકમાં એ બધું લખાતું નથી. રેકોર્ડ બુકમાં હાર-જીત જ લખાતી હોય છે ને વાસ્તવિકતા એ છે કે, આફ્રિકા હારી ગયું ને ઑસ્ટ્રેલિયા ફાઈનલમાં પહોંચી ગયું છે.

ભારતીય ક્રિકેટ ચાહકો સેમીફાઈનલમાં ઑસ્ટ્રેલિયા હારે એવું ઈચ્છતા હતા કેમ કે ક્રિકેટના મેદાન પરની ભારત અને ઑસ્ટ્રેલિયાની દુશ્મની જાણીતી છે. ભારતીયોને અંચાઈ કરવામાં માહિર ઑસ્ટ્રેલિયનો માટે ખાર છે તેથી ભારતીયો ઑસ્ટ્રેલિયનોની હારની મનોકામના રાખતા હતા. ભારતીયોની આ મનોકામના ના ફળી એ સારું થયું કેમ કે હવે ફાઈનલમાં જોરદાર ટક્કર જોવા મળશે. ને વધારે મહત્ત્વની વાત એ કે, ભારત પાસે ઓસ્ટ્રેલિયાને હરાવીને ચેમ્પિયન બનવાની ને જૂના બધા હિસાબો સરભર કરવાની તક આવી ગઈ છે.

દક્ષિણ આફ્રિકા ફાઈનલમાં આવ્યું હોત તો પણ મુકાબલો રોમાંચક જ હોત પણ ઑસ્ટ્રેલિયાને હરાવીને વર્લ્ડ કપ જીતવાની મજા અલગ જ છે. ફાઈનલમાં ઑસ્ટ્રેલિયાને હરાવીએ તો વર્લ્ડ કપ જીતવાનો આનંદ સીધો બેવડો થઈ જાય. ભારત ૨૦૧૧માં ચેમ્પિયન બન્યું પછી ૧૨ વર્ષે ફાઈનલમાં પ્રવેશ્યું છે ત્યારે આ ફાઈનલમાં જીતીને ભારતીયો બેવડો આનંદ માણે એવો દેખાવ રોહિત શર્માની ટીમ કરે તો જલસો પડી જાય.

રોહિત શર્માની ટીમ ઑસ્ટ્રેલિયાને હરાવે એ જરૂરી છે કેમ કે ઑસ્ટ્રેલિયાએ ભારતને બે વાર નોકઆઉટ મેચોમાં હરાવીને વર્લ્ડ કપ જીતવાનું આપણું સપનું રોળ્યું છે. ઑસ્ટ્રેલિયાએ ભારતને ૨૦૧૫ના વર્લ્ડ કપની સેમીફાઈનલમાં અત્યંત શરમજનક રીતે હાર આપી હતી. સીડનીમાં રમાયેલી સેમીફાઈનલમાં ઑસ્ટ્રેલિયાએ સ્ટીવન સ્મિથના ૧૦૫ અને એરોન ફિંચના ૮૧ રનની મદદથી સાત વિકેટે ૩૨૮ રનનો સ્કોર ખડક્યા પછી ભારતને ૨૩૩ રનમાં સમેટીને ૯૫ રને હાર આપેલી. ભારત વતી મહેન્દ્રસિંહ ધોની સિવાય કોઈ નહોતું ચાલ્યું. ધોનીએ ૬૫ રન કરેલા.

ઑસ્ટ્રેલિયાએ ભારતને એવી જ કારમી હાર ૨૦૦૩ના વર્લ્ડ કપની ફાઈનલમાં આપેલી. જોહનિસબર્ગના વોન્ડરર્સ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં રીકી પોન્ટિંગના ૧૪૦ અને ડેમિયન માર્ટિનના ૮૮ અણનમ રનની મદદથી ઑસ્ટ્રેલિયાએ બે વિકેટે ૩૫૯ રનનો પહાડ ઊભો કરેલો. ગ્લેન મેકગ્રાથની કાતિલ બોલિંગ સામે ભારતનું ટોપ ઓર્ડર લથડ્યું ને ભારત કદી બેઠું ના થઈ શક્યું. વિરેન્દ્ર સેહવાગે તોફાની બેટિંગ કરીને ૮૨ રન કરેલા પણ બીજા કોઈનો સપોર્ટ ના મળ્યો તેમાં ભારત ૨૩૪ રનમાં સમેટાઈ જતાં ભારતની ૧૨૫ રને કારમી હાર થયેલી.

ભારતે ૨૦૦૩ની હારનો બદલો ૨૦૧૧ના વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઈનલમાં ઑસ્ટ્રેલિયાને પાંચ વિકેટ હરાવીને વર્લ્ડ કપમાંથી બહાર ફેંકીને લીધેલો. ઑસ્ટ્રેલિયાઓ રીકી પોન્ટિંગના ૧૦૪ અને બ્રેડ હેડ્ડીનના ૫૩ રનની મદદથી છ વિકેટે ૨૬૦ રન કરેલા. ભારતે નિયમિત અંતરે વિકેટો ગુમાવવા છતાં સચિન તેંડુલકરના ૫૩ અને યુવરાજસિંહના અણનમ ૫૭ રનની મદદથી ૧૪ બોલ બાકી હતા ત્યારે જીત મેળવીને સેમીફાઈનલમાં પ્રવેશ કરેલો. સેમીફાઈનલમાં પાકિસ્તાન અને ફાઈનલમાં શ્રીલંકાને હરાવીને ભારત ચેમ્પિયન બનેલું.

ભારતે ૨૦૦૩ની હારનો બદલો એ પછીના બીજા વર્લ્ડ કપમાં લઈ લીધેલો. યોગાનુયોગ ૨૦૧૫ની સેમી ફાઈનલની હાર પછીનો આ વર્લ્ડ કપ પણ બીજો વર્લ્ડ કપ છે. યોગાનુયોગ ભારતે ૨૦૦૩ની હારનો બદલો લઈને ૨૦૧૧ની ક્વાર્ટર ફાઈનલમાં ઑસ્ટ્રેલિયાને અમદાવાદમાં જ હરાવીને બહાર ફેંકી દીધેલું.

હવે એ જ ઑસ્ટ્રેલિયા છે, એ જ અમદાવાદનું સ્ટેડિયમ છે એ જ વર્લ્ડ કપની કારમી હાર પછીના બીજા વર્લ્ડ કપની મેચ છે એ એ જોતાં ઈતિહાસ દોહરાવીને ભારત ઑસ્ટ્રેલિયાને હરાવીને બદલો લે એવી પૂરી શક્યતા છે.

આપણે તો એ જ આશા રાખીએ ને?

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button