મમતા-કેજરીવાલ કૉંગ્રેસને વધારે બેઠકો કેમ આપે?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
કૉંગ્રેસ સહિતના વિપક્ષોએ ભાજપ સામે લડવા માટે મોટા ઉપાડે બનાવેલા ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્કલુઝીવ એલાયન્સ (ઈંગઉઈંઅ)ના બાળમરણનાં એંધાણ છે. ઈન્ડિયા (ઈં.ગ.ઉ.ઈં.અ.) મોરચાની રચના લોકસભાની ચૂંટણી માટે થયેલી છે પણ ત્રણ મહત્ત્વનાં રાજ્યો ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને પંજાબમાં કોંગ્રેસના સાથી પક્ષો સાથેના ડખાપંચકના કારણે લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલાં જ ઈન્ડિયા (ઈં.ગ.ઉ.ઈં.અ.) મોરચાનું અચ્યુતમ કેશવમ થઈ જવાનાં એંધાણ છે.
ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે કૉંગ્રેસને મચક ના આપતાં બેઠકોની વહેંચણીનું કોકડું ગૂંચવાયલું છે જ ત્યાં હવે પશ્ર્ચિમ બંગાળમાં મમતા બેનરજીએ પણ કૉંગ્રેસને કોરાણે મૂકીને પશ્ર્ચિમ બંગાળ તમામ ૪૨ લોકસભા બેઠકો પર લડવાનો સંકેત આપી દીધો છે. પંજાબમાં પણ આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી ભગવંત માને તમામ ૧૩ લોકસભા બેઠકો પર લડવાનું એલાન કરી દીધું છે. ઉત્તર પ્રદેશની ૮૦, પશ્ર્ચિમ બંગાળની ૪૨ અને પંજાબની ૧૩ લોકસભા બેઠકો મળીને ૧૩૫ બેઠકો ભાજપ અને ઈન્ડિયા (ઈં.ગ.ઉ.ઈં.અ.) મોરચા બંને માટે મહત્ત્વની છે કેમ કે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપે આ ૧૩૫ બેઠકોમાંથી ૮૬ બેઠકો જીતી હતી.
ભાજપે પોતાના સાથી પક્ષ અપના દળ સાથે મળીને ઉત્તર પ્રદેશની ૮૦માંથી ૬૫, પશ્ર્ચિમ બંગાળની ૪૨માંથી ૧૮ અને પંજાબની ૧૩માંથી ૩ લોકસભા બેઠકો જીતી હતી. હવે ઈન્ડિયા (ઈં.ગ.ઉ.ઈં.અ.) મોરચાના પક્ષો એક થઈને લડે તો ભાજપને મોટો ફટકો મારી શકે એવી ગણતરી મૂકાતી હતી કેમ કે યુપી સિવાયનાં બાકીનાં બે રાજ્યોમાં ભાજપ સૌથી મોટો પક્ષ નથી. પશ્ર્ચિમ બંગાળમાં મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસ સત્તામાં છે ને સૌથી મોટો પક્ષ છે. કૉંગ્રેસ મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસ સાથે હાથ મિલાવે તો ભાજપ ૨૦૧૯માં જીતેલી ૧૮ બેઠકોમાંથી સીધો ૮ બેઠક પર આવી જાય એવું ગણિત કેટલાક રાજકીય વિશ્ર્લેષકો મૂકે છે. એ જ રીતે ઉત્તર પ્રદેશમાં પણ કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટી એક થઈને લડે તો ભાજપને દસેક બેઠકોનો ફટકો મારી શકે એવું મનાય છે.
પંજાબમાં ભાજપે ત્રણ જ બેઠકો જીતેલી કે જે હિંદુ મતદારોની બહુમતીવાળી છે પણ આપ અને કૉંગ્રેસ સાથે મળીને લડે તો તેમાંથી પણ એકાદ બેઠક આંચકી શકે. ટૂંકમાં કૉંગ્રેસ અને સાથી પક્ષો વચ્ચે જોડાણ થાય તો ભાજપને વીસેક બેઠકોનો ફટકો મારી શકાય તેમ છે. કૉંગ્રેસમાં એ તાકાત નથી પણ ભાજપ વિરોધી મતો ના કપાય તો તેનો ફાયદો લેવાની મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસ અને અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી બંનેમાં તાકાત છે તેથી આ ગણતરી મુકાતી હતી.
અત્યારે જે અણસાર છે એ જોતાં કૉંગ્રેસ મમત છોડે એવું લાગતું નથી. સામે મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ પોતાના ગઢમાં કૉંગ્રેસને ઘૂસવા દેવા માગતા નથી તેથી આ ત્રણ રાજ્યોમાં જોડાણની શક્યતા દેખાતી નથી. ભાજપ વિરોધી મોરચો બનાવાયો ત્યારે જ કહેવાતું હતું કે, આ સંઘ કાશીએ નહીં પહોંચે ને આ વાત સાચી પડતી લાગી રહી છે.
ભાજપ માટે આ સારા સમાચાર છે. અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાને પગલે દેશભરમાં હિંદુત્વની લહેર ઊઠેલી છે. તેના જોરે ત્રણેક મહિના પછી યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપ તરી જશે એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. હવે ભાજપ વિરોધી મોરચાના ડખાપંચકના કારણે ભાજપની જીતની શક્યતા વધારે પ્રબળ બની ગઈ છે.
આ ડખાપંચકે કૉંગ્રેસની નેતાગીરીની માનસિકતા ફરી છતી કરી દીધી છે. કૉંગ્રેસ ભાજપને હરાવવા માટે એક થવાની વાતો લાંબા સમયથી કરે છે પણ આ ઘટનાક્રમ એ વાતનો પુરાવો છે કે કૉંગ્રેસ પોતાનો અહમ છોડી શકે તેમ નથી તેથી કદી ભાજપને હરાવી શકે તેમ નથી. કૉંગ્રેસમાં તો ભાજપને હરાવવાની તાકાત છે જ નહીં પણ જે લોકો ભાજપને પછાડી શકે છે, બલ્કે પછાડી રહ્યા છે ને પછાડી ચૂક્યા છે તેમને મદદ કરવામાં પણ કૉંગ્રેસીઓને પેટમાં ચૂંક આવે છે એ આઘાતજનક કહેવાય.
કૉંગ્રેસને જે ત્રણ રાજ્યોમાં ડખા પડ્યા છે એ ત્રણેય રાજ્યોમાં કૉંગ્રેસની કોઈ હૈસિયત નથી રહી. ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં એક માત્ર રાયબરેલીની બેઠક જીતેલી ને ૨૦૨૨ની લોકસભા ચૂંટણીમાં એક બેઠક જીતેલી. એ પણ ધુરંધ બ્રાહ્મણ નેતા પ્રમોદ તિવારીનાં દીકરી તિવારીની તાકાત પર ચૂંટાઈ આવ્યાં. બાકી કૉંગ્રેસની પોતાની કોઈ તાકાત નથી. કૉંગ્રેસને બંને ચૂંટણીમાં બે ટકાથી પણ ઓછા મત મળ્યા છે.
આમ છતાં કૉંગ્રેસને ઉત્તર પ્રદેશની લોકસભાની ૮૦ બેઠકોમાંથી ૨૫ બેઠકો પર લડવાના અભરખા છે. અખિલેશ યાદવ ૧૦ બેઠકો આપવા તૈયાર છે પણ કૉંગ્રેસ તૈયાર નથી. કૉંગ્રેસની વાહિયાત દલીલ એ છે કે, ૨૦૦૯માં અમે ૨૧ બેઠકો જીતેલી તેથી એટલી બેઠકો જોઈએ. એમ તો તમે ૧૯૮૪માં યુપીની બધી ૮૫ બેઠકો એકલા હાથે જીતેલી તો બધી બેઠકો પર જ લડો, અખિલેશ સાથે જોડાણની જરૂર જ શું છે ?
પશ્ર્ચિમ બંગાળમાં ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસે બે બેઠક જીતેલી ને ૨૦૨૨ની લોકસભા ચૂંટણીમાં એક પણ બેઠક નહોતી જીતી છતાં કૉંગ્રેસને ૪૨ લોકસભા બેઠકોમાંથી ૧૫ બેઠકો જોઈએ છે. પંજાબમાં કૉંગ્રેસ વિધાનસભાની ચૂંટણીમાં સાવ ધોવાઈ ગઈ છતાં ૧૩ બેઠકોમાંથી ૭ બેઠકો માગે છે. મમતા કે કેજરીવાલ આ માગણીઓ સ્વીકારી શકે તેમ નથી. મમતાએ ૨ અને કેજરીવાલે ૪ બેઠકો આપવાની તૈયારી બતાવી એ કૉંગ્રેસની હૈસિયત પ્રમાણે બરાબર છે પણ કૉંગ્રેસ પોતાની હૈસિયત સમજવા જ તૈયાર નથી.
કૉંગ્રેસે આ જ વલણ તેલંગાણા, મિઝોરમ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ એ પાંચ રાજ્યોની ચૂંટણી વખતે બતાવેલું. કૉંગ્રેસે કર્ણાટક ફરી કબજે કર્યું ત્યારે કૉંગ્રેસ તોરમાં હતી કેમ કે ભાજપને કારમી પછડાટ આપીને કૉંગ્રેસે કર્ણાટકમાં પોતાની સરકાર રચી હતી. તેના કારણે કૉંગ્રેસને લાગતું હતું કે, હવે ભાજપને હરાવવા માટે પોતે સક્ષમ છે તેથી પોતાના સાથી પક્ષોને રીતસરના અવગણવા માંડેલા. આ અહંકારના કારણે કૉંગ્રેસે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં સાથી પક્ષોને અવગણ્યા તેમાં રામ બોલો ભાઈ રામ થઈ ગયું. એ પછી પણ કૉંગ્રેસીઓ સમજવા જ તૈયાર નથી તો તેનાં પરિણામ ભોગવશે.