લોકોમાં કાયદા માટે માન કે ડર કેમ નથી?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ પ્રધાન ગડકરીએ દેશમાં વધી રહેલા માર્ગ અકસ્માત અંગે લોકસભામાં ચિંતા વ્યક્ત કરીને જે વાત કરી એ વિચારતા કરી મૂકે એવી છે. ગડકરીએ કહ્યું કે, રોડ પર થતા અકસ્માતો રોકવાના તમામ પ્રયાસો છતાં દેશમાં એક વર્ષમાં 1.68 લાખ લોકો રોડ અકસ્માતોને કારણે મૃત્યુ પામ્યાં છે. વધુ ચોંકાવનારી વાત એ છે કે આ અકસ્માતો માં મૃત્યુ પામનારાઓમાં 60 ટકા યુવાનો હતા.
નીતિન ગડકરીના કહેવા પ્રમાણે, રોડ એન્જિનિયરિગ, ઓટોમોબાઈલ એન્જિનિયરિગ, કાયદાનો અમલ અને લોકોમાં જાગૃતિ એ ચાર પરિબળો માર્ગ અકસ્માતોને ઘટાડવામાં મદદ કરી શકે છે, પણ લોકો રસ્તાઓ પર નિયમોનું ચુસ્તપણે પાલન નથી કરતા તેના કારણે મોટી સંખ્યામાં આ મૃત્યુ થયાં છે.
અમે દંડ પણ વધાર્યો છે પણ લોકો નિયમોનું પાલન કરતા નથી કેમ કે આપણા સમાજની સૌથી મોટી સમસ્યા એ છે કે સમાજના લોકોમાં ન તો કાયદા તરફ માન છે કે ન તો કાયદાનો ડર છે.
લોકો રેડ સિગ્નલ પર પોતાનાં વાહનો રોકતા નથી, હેલ્મેટ નથી પહેરતા, કારમાં બેઠા હોય તો સીટ બેલ્ટ નથી બાંધતા ને આવી તો અનેક સમસ્યાઓ છે. ગડકરીએ આપેલા આંકડા પ્રમાણે દેશમાં દર વર્ષે 30,000 લોકો તો હેલ્મેટ નહીં પહેરવાના કારણે મૃત્યુ પામે છે.
Also read: એકસ્ટ્રા અફેર : ઝકરબર્ગ સાથે ડિનર, ટ્રમ્પનું હૃદયપરિવર્તન કેમ થયું?
ગડકરીએ આ પહેલાં પણ આ વાત કરી હતી. થોડાક દિવસ પહેલાં જ ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી એફઆઇસીસીઆઇ રોડ સેફ્ટી એવોર્ડ્સ અને કોન્ક્લેવમાં નીતિન ગડકરીએ કહેલું કે, ભારતમાં યુદ્ધ, આતંકવાદ અને નક્સલવાદ કરતાં વધુ મૃત્યુ માર્ગ અકસ્માતને કારણે થાય છે. બલકે કોઈ રોગચાળા કરતાં પણ વધું વધુ લોકોના મોત માર્ગ અકસ્માતમાં થાય છે. ભારતમાં એક વર્ષમાં 5 લાખ માર્ગ અકસ્માત થાય છે અને 1.5 લાખથી વધુ લોકોનાં માર્ગ અકસ્માતનાં કારણે મોત નીપજે છે, જ્યારે 3 લાખ લોકો ઈજાગ્રસ્ત થાય છે.
ગડકરીએ એ વખતે નિખાલસતાથી કબૂલેલું કે અકસ્માત માટે ઘણાં કારણો જવાબદાર હોઈ શકે છે અને તેમાં અમારા વિભાગની ખામીઓ પણ જવાબદાર હોઈ શકે છે. ઘણી જગ્યાએ રસ્તાઓ પર ખાડા છે. અન્ડરપાસ અને ફૂટ ઓવર બ્રિજનો અભાવ છે. રોડ એન્જિનિયરિગમાં સમસ્યા છે અને અમે ઘણા બ્લેક સ્પોટ્સ શોધી કાઢ્યા છે.
લગભગ 40,000 કરોડ રૂપિયા ખર્ચીને નેશનલ હાઈવે પર અકસ્માત સર્જતા સ્પોટ્સને સુધારવામાં આવી રહ્યા છે પણ બધા રોડ્સના કામ મારા મંત્રાલય હેઠળ નથી આવતાં, કેમ કે હું માત્ર નેશનલ હાઈવે મંત્રાલયનો મંત્રી છું.
રાજ્ય હાઈવે અને જિલ્લાના રોડ રાજ્ય સરકાર હસ્તક છે ને તેમાં પણ તકલીફો હોઈ શકે છે પણ રોડ અકસ્માત માટેનું સૌથી મોટું કારણ લોકોની માનસિકતા અને વર્તન છે. ગડકરીએ આ જ વાત ફરી દોહરાવી છે પણ તેમણે રજૂ કર્યું છે એ અર્ધસત્ય છે. આપણે ત્યાં લોકોમાં કાયદાનો ડર નથી કે કાયદા તરફ માન નથી એવી ગડકરીની વાત સો ટકા સાચી છે પણ આ સ્થિતિ કેમ છે એ વિશે પણ ગડકરીએ બોલવાની જરૂર હતી.
ગડકરીએ લોકોની માનસિકતાની વાત તો કરી પણ તેમના જેવા રાજકારણીઓ અને જેમની કાયદાનો અમલ કરાવવાની જવાબદારી છે એ લોકોની માનસિકતા વિશે પણ બોલવાની જરૂર હતી.
ખેર, ગડકરી કે બીજો કોઈ મંત્રી તો નહીં બોલે તેથી આપણે જ કહેવું પડશે. આ દેશમાં લોકો કાયદાથી ડરતા નથી કે માન નથી આપતા તેનું કારણ સરકારમાં બેઠેલા લોકો છે, રાજકારણીઓ છે.
સૈદ્ધાંતિક રીતે આદર્શ સ્થિતિ એ છે કે, લોકોમાં કાયદા તરફ માન હોય ને અંદરથી જ કાયદો પાળવાની ઈચ્છા પેદા થાય. ભારતનાં લોકોની માનસિકતા જ કાયદાને માન આપવાની નથી. ખબર નથી પણ કેમ, આપણે ત્યાં માનસિકતા જ કાયદો તોડવામાં બહાદુરી સમજવાની ઘડાઈ ગઈ છે. આ દેશમાં લોકો પણ કાયદો નહીં પાળનારને હીરો માને છે.
Also read: એકસ્ટ્રા અફેર: ફટાકડા પર કાયમી પ્રતિબંધથી પ્રદૂષણ ઘટી જશે?
તેના કારણે આ માનસિકતા પ્રબળ થતી જાય છે. આ વાસ્તવિકતા છે ને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ સંસદમાં વધતી જતી અપરાધીઓની સંખ્યા છે. જે દેશની પ્રજા પોતાના પ્રતિનિધીઓ તરીકે ગુનેગારોને અને ગેંગસ્ટર્સને મોકલતી હોય એ પ્રજા કાયદાને માન આપે એવી આશા જ ક્યાંથી રાખી શકાય? તેમાં પણ ટ્રાફિકના નિયમો પાળે એવી તો આશા રખાય જ નહીં.
આ સંજોગોમાં સરકારે જ કાયદાનો અમલ કરાવવો પડે ને લોકોને દંડા મારી મારીને સીધા કરવા પડે પણ કમનસીબે એવું થતું નથી.
તેનું કારણ એ કે, સરકારમાં બેઠેલા લોકોમાં દમ નથી અને તંત્ર સાવ ભ્રષ્ટ છે. તંત્ર ટ્રાફિકના નિયમો તોડનારાને તોડ કરીને જવા દે છે, હેલ્મેટ સહિતના કાયદાનો કોઈ અમલ કરતું નથી. ઘણા કિસ્સામાં સત્તામાં બેઠેલા લોકો પણ આ રીતે કાયદો તોડનારને છાવરે છે કે પછી લોકો નારાજ થઈ જશે એ ડરે કડક અમલ નથી થવા દેતા. બીજું એ કે, ગંભીર અકસ્માતોના કિસ્સામાં ભાગ્યે જ કોઈને સજા થાય છે.
છેલ્લા કેટલાક વરસોથી લક્ઝુરિયસ કાર ચલાવીને અકસ્માતો સર્જવાની ઘટનાઓ વધતી જ જાય છે. આવી ઘટનાઓમાં અકસ્માત સર્જનારાને પોલીસ અને સત્તામાં બેઠેલા રાજકારણીઓ પણ તોડ કરીને છોડી દે છે.
હિટ એન્ડ રનના કેસમાં લોકો મરી ગયાં હોય ને દાખલો બેસે એવી કાર્યવાહી તંત્રે કરી હોય કે કોર્ટે એવી સજા કરી હોય એવો એક પણ કિસ્સો યાદ નહીં આવે. ગડકરી સહિતના બધા રાજકારણીઓ જ્ઞાન પિરસવા બેસે ત્યારે મહાજ્ઞાની થઈ જાય છે. આ દેશમાં સામાન્ય લોકો નીચી બોરડી છે કે જેને બધા ઝૂડી જાય છે. બધો દોષનો ટોપલો સામાન્ય લોકોની માનસિકતા પર ઢોળી દેવાથી સત્તામાં બેઠેલાં લોકોનાં કરતૂતો ઢંકાઈ જાય છે તેથી બધા આ ધંધો કરે છે.
ગડકરી પણ અંતે તો રાજકારણી છે એટલે તેમની માનસિકતા પણ અલગ હોય એવી આશા બિલકુલ ના રખાય.
જો કે તેનો અર્થ એ નથી કે લોકો વાંકમાં નથી. લોકો વાંકમાં છે જ ને તેની કિમત પોતાના જીવ આપીને ચૂકવે છે. ગયા વર્ષે દેશમાં 4.80 લાખથી વધુ માર્ગ અકસ્માતો નોંધાયા હતા, જેમાં 1.72 લાખથી વધુ લોકોના મોત થયાં હતાં. 2022માં 4.61 લાખથી વધુ માર્ગ અકસ્માતો થયા હતાં અને 1.68 લાખથી વધુ મર્યાં હતાં એ જોતાં 2022ના માર્ગ અકસ્માતોની સરખામણીમાં અકસ્માતોમાં 4.2 ટકાનો વધારો થયો છે અને મૃત્યુમાં 2.6 ટકાનો વધારો થયો છે. લોકો નહીં સમજે તો આ રીતે જ મરતાં રહેશે.