મનોહર જોશી કેમ નવિન કે મમતા ના બની શક્યા?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનોહર જોશીનું નિધન થયું એ સાથે જ મહારાષ્ટ્રના રાજકારણના તખ્તેથી એક મહત્ત્વનું પાત્ર કાયમ માટે વિદાય થઈ ગયું. શિવસેનાના દિગ્ગજ નેતા મનોહર જોશીની ઉંમર ૮૬ વર્ષ હતી. ત્રણેક દિવસ પહેલાં તેમને હાર્ટ એટેક આવતાં હિન્દુજા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ તેમને બચાવવા બહુ મથામણ કરી પણ સફળ ના થયા ને છેવટે જોશી સાહેબ કાયમ માટે જતા રહ્યા.
મનોહર જોશીને મહારાષ્ટ્રના રાજકારણમાં ધુરંધર તરીકે સ્વીકારવા પડે એટલી લાંબી તેમની રાજકીય કારકિર્દી છે. મનોહર જોશી લગભગ ૫૦ વર્ષથી રાજકારણમાં સક્રિય રહ્યા અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદે બેસનારા પહેલા બિન કૉંગ્રેસી નેતા હતા. મનોહર જોશી મુખ્ય પ્રધાનપદે બેસનારા શિવસેનાના પણ પહેલા નેતા હતા.
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે રાજકીય કારકિર્દીની શરૂઆત કરનારા મનોહર જોશી મુંબઈના મેયર, વિધાન પરિષદના સભ્ય, ધારાસભ્ય, લોકસભાના સાંસદ અને રાજ્યસભાના સાંસદ તરીકે વરસો સુધી જનપ્રતિનિધિ રહ્યા. મનોહર જોશી શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેના ખાસ માણસ હતા તેથી શિવસેનાએ ૧૯૭૦ના દાયકામાં ચૂંટણીઓ લડવાની શરૂઆત કરી પછી સૌથી પહેલી તક અને લાભ બંને મનોહર જોશીને મળ્યાં હતાં. મનોહર જોશી ૧૯૭૨થી ૧૯૮૯ સુધી સળંગ ત્રણ ટર્મ માટે મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય રહ્યા હતા. એ દરમિયાન જ ૧૯૭૬-૭૭માં મુંબઈના મેયર બનેલા. જોશી ૧૯૯૦માં પહેલી વાર મહારાષ્ટ્ર વિધાનસભામાં ચૂંટાયા પછી સતત તેમની પ્રગતિનો ગ્રાફ ઉપર જ જતો ગયો.
મહારાષ્ટ્રનું મુખ્ય પ્રધાનપદ ભોગવનારા મનોહર જોશી કેન્દ્રીય પ્રધાન પણ બન્યા. અટલ બિહારી વાજપેયીના કાર્યકાળમાં ભાજપ અને શિવસેના વચ્ચે ફેવિકોલનું મજબૂત જોડાણ હતું ત્યારે વાજપેયી સરકારમાં મનોહર જોશીને ભારે ઉદ્યોગ મંત્રાલયનું દમદાર ખાતું અપાયેલું. જોશીએ ટીડીપીના જીએમસી બાલયોગીના નિધનના કારણે ખાલી પડેલું લોકસભાનું સ્પીકર પદ પણ સંભાળ્યું. જોશી ૨૦૦૨થી ૨૦૦૪ દરમિયાન લગભગ બે વર્ષ માટે લોકસભાના સ્પીકર રહ્યા હતા. જોશી એ વખતે મુંબઈ સેન્ટ્રલ બેઠક પરથી લોકસભામાં ચૂંટાયા હતા પણ ૨૦૦૪ની લોકસભા ચૂંટણીમાં હારી ગયા હતા. એ પછી શિવસેનાએ ૨૦૦૬માં રાજ્યસભામાં મોકલતાં જોશી છ વર્ષ સુધી રાજ્યસભાના સભ્ય પણ રહ્યા હતા. એ પછી વધતી ઉંમરના કારણે સક્રિયતા ઓછી થઈ ગયેલી પણ શિવસેનામાં એ સક્રિય હતા.
મનોહર જોશીની રાજકીય કારકિર્દી એ રીતે બહુ લાંબી છે અને નોંધપાત્ર પણ છે. તેમણે પોતાની પાંચ દાયકા કરતાં વધારે લાંબી રાજકીય કારકિર્દીમાં છેલ્લા એક દાયકાને બાદ કરતાં સતત હોદ્દા ભોગવ્યા. મનોહર જોશી કોઈ ને કોઈ રીતે લોકો સાથે જોડાયેલા પણ રહ્યા તેથી તેમને મોટા નેતા માનવા પડે પણ સાથે સાથે એ પણ વાસ્તવિકતા છે કે, જોશી પોતાના માટે અને શિવસેના માટે પણ મળેલી તકને રોળી નાંખનારા નેતા પણ હતા.
બાળાસાહેબ ઠાકરેએ બનાવેલી શિવસેના અત્યારે ડચકાં ખાય છે. શિવસેનાથી અલગ થયેલા એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન છે ખરા પણ વરસ પછી હશે કે કેમ તેમાં શંકા છે. બાળાસાહેબના પુત્ર ઉદ્ધવની અત્યારે જે હાલત છે એ જોતાં એ પણ પોતાના જૂથને ટકાવી શકશે કે કેમ તેમાં શંકા છે. ભાજપની વધતી જતી તાકાત અને નાના નાના પક્ષોના પ્રભાવના કારણે શિવસેનાના અસ્તિત્વ સામે જ ખતરો છે. આ ખતરો રાતોરાત ઊભો નથી થયો પણ તેનાં મૂળિયાં મનોહર જોશીના કાર્યકાળમાં નંખાયેલાં તેથી શિવસેનાના પતન માટે કંઈક અંશે મનોહર જોશી પણ જવાબદાર છે.
મનોહર જોશી શિવસેનાના સંસ્થાપક બાળાસાહેબ ઠાકરેના નજીકના અને વિશ્ર્વાસુ નેતા હતા તેથી ઠાકરેએ સતત તેમને મહત્ત્વ આપ્યું. શિવસેનામાં ભંગાણની શરૂઆત તેના કારણ જ થયેલી.
૧૯૯૦માં ઠાકરેએ વિધાનસભામાં વિપક્ષનું નેતાપદ જોશીને આપ્યું તેનાથી વંકાયેલા છગન ભુજબળે ૧૯૯૧માં બળવો કરીને શિવસેનામાં પહેલું ભંગાણ કરાવેલું. બાળાસાહેબે ભુજબળને બહુ ગાળો આપેલી ને જોશી પર તેમની અમીદૃષ્ટિ પણ ઓછી ના થઈ. આ કારણે જ ૧૯૯૫માં જ્યારે શિવસેના અને ભાજપના જોડાણે મહારાષ્ટ્રમાં ચૂંટણી જીતીને સત્તા કબજે કરી ત્યારે બાળઠાકરેએ જોશીને મુખ્ય પ્રધાન બનાવ્યા હતા. એ વખતે પણ ઘણાંનાં ભવાં વંકાયેલાં પણ એ શિવસેનાના પ્રબળ હિંદુત્વના દિવસો હતા ને બાળાસાહેબ ઠાકરેનું શિવસેના પર એકચક્રી શાસન ચાલતું તેથી ગણગણાટ દબાઈ ગયેલો.
મનોહર જોશી માટે એ પોતાની તાકાત સાબિત કરવાની બહુ મોટી તક હતી. જોશી મુખ્ય પ્રધાન તરીકે જોરદાર શાસન આપીને મહારાષ્ટ્રમાં શિવસેનાને કોઈ ઉખાડી જ ના શકે એ રીતે ખિલા ઠોકી શક્યા હોત પણ જોશી એ ના કરી શક્યા. મનોહર જોશીના નેતૃત્વમાં શિવસેનાએ ભાજપ સાથે મળીને સરકાર બનાવી અને મનોહર જોશી ૧૪ માર્ચ ૧૯૯૫ના રોજ મુખ્ય પ્રધાન બન્યા પણ અ સાવ ઢીલા મુખ્ય પ્રધાન સાબિત થયા. જોશી ૩૧ જાન્યુઆરી ૧૯૯૯ સુધી એટલે કે ત્રણ વર્ષ ૩૨૩ દિવસ સુધી મુખ્ય પ્રધાનપદે રહ્યા ને પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પણ પૂરો કરી શક્યા નહોતા.
હિંદુત્વના પ્રભાવના એ દિવસોમાં શિવસેનાને મજબૂત કરીને કાયમ માટે જામી જવાના બદલે તેમણે ભ્રષ્ટાચાર કર્યો તેમાં ઘરભેગા થવું પડ્યું. પૂણેમાં સ્કૂલ માટે અનામત રખાયેલી જમીન જોશીએ જમાઈ ગિરિશ વ્યાસને કંપનીને આપી દીધી તેમાં તેમના બાર વાગી ગયા. જોશીએ ભ્રષ્ટાચાર કરેલો એવું પછી હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ ઠરાવ્યું. આ ભ્રષ્ટાચારનો મુદ્દો એવો ચગ્યો કે, બાળાસાહેબ પણ જોશીને ના બચાવી શક્યા ને તેમને બદલે નારાયણ રાણેને મુખ્ય પ્રધાન બનાવવા પડ્યા.
જોશી પાસે બહુ ઓછાં લોકોને મળે એવી તક હતી, બાળાસાહેબના આશિર્વાદ હતા પણ જોશી ટીપીકલ નેતા સાબિત થયેલા. જોશીએ એ તક ઝડપી હોત તો મહારાષ્ટ્રનો ઈતિહાસ અલગ હોત, શિવસેનાનો ઈતિહાસ પણ અલગ હોત. ઓડિશામાં નવિન પટનાઈકને ૨૦૦૦માં પહેલી તક મળી પછી એવા જામ્યા કે, આજે ૨૫ વર્ષે પણ ભાજપને નવિનને કઈ રીતે હરાવવા તેનો તોડ મળતો નથી. મમતા બેનરજી દોઢ દાયકાની લાંબી લડત પછી ૨૦૧૦માં પહેલી વાર પશ્ર્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન બન્યાં ને એવાં જામી ગયાં કે, ભાજપ પોતાની પૂરી તાકાત લગાવીને પણ તેમને હરાવી શકતો નથી. મનોહર જોશી પાસે પણ એવી તક હતી પણ જોશી નવિન કે મમતા ના બની શક્યા.
પ્રભુ તેમના આત્માને શાંતિ આપે.