ભાજપ માટે હવે મદરેસાઓ આતંકવાદ ઉછેર કેન્દ્રો કેમ નથી?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ભાજપના દાંત ચાવવાના અને બતાવવાના જુદા જુદા છે એ વાત વારંવાર સાબિત થઈ છે. ભાજપના આમ તો કોઈ સિદ્ધાંતો જ નથી પણ રાજકીય ફાયદા માટે ભાજપને પોતાના કહેવાતા સિદ્ધાંતોને અભરાઈ પર ચડાવી દેતાં જરાય શરમ નથી આવતી એ આપણે જોઈએ જ છીએ. બિહારમાં નીતીશ કુમારની સરકારે નવા મદરેસાઓ બનાવવાની જાહેરાતને મુદ્દે લીધેલું વલણ આ વાતનો વધુ એક પુરાવો છે.
નીતીશ કુમાર સરકારે વક્ફ જમીન પર ૨૧ નવી મદરેસા બનાવવાની જાહેરાત કરી છે અને તેને ભાજપે ટેકો આપ્યો છે. જેડીયુના વરિષ્ઠ નેતા અને બિહાર સરકારમાં લઘુમતી કલ્યાણ મંત્રી જામા ખાને એલાન કર્યું છે કે લઘુમતી સમાજના મુદ્દે રાજકારણ રમનારા લોકો માત્ર મતબેંકનું રાજકારણ રમે છે પણ નીતીશ કુમારના શાસનમાં મતબેંકનું રાજકારણ રમાતું નથી. નીતીશ કુમારના નેતૃત્વમાં દરેક સમાજનો વિકાસ થયો છે અને ભવિષ્યમાં પણ થતો રહેશે. વિકાસના રાજકારણના ભાગરૂપે જ નીતીશ કુમાર સરકાર દ્વારા બનાવનાર નવી મદરેસામાં સારી શિક્ષણ વ્યવસ્થા હશે અને નવા શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે.
નીતીશ કુમાર સરકારના નિર્ણયને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી નિત્યાનંદ રાયે વખાણ્યો છે. નિત્યાનંદ રાયના કહેવા પ્રમાણે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની નીતિ વક્ફ બોર્ડની જમીનનો ઉપયોગ મહિલાઓ અને બાળકોના લાભાર્થે થાય એ જ છે. નીતીશ કુમાર સરકારનો નવા મદરેસાઓનો નિર્ણય આ જ નીતિ અનુસાર લેવાયો છે. નિત્યાનંદ રાયે બીજી પણ વાતો કરી છે. તેનો અર્થ એ છે કે, નીતીશના નવી મદરેસાઓ બનાવવાના નિર્ણયમાં કશું ખોટું નથી.
ભાજપનું આ વલણ નફફટાઈની ચરમસીમા જેવું છે. બિહારમાં ભાજપ નીતીશ કુમાર સરકારમાં ભાગીદાર છે તેથી નીતીશની નવી મદરેસાઓ બનાવવાના નિર્ણયમાં તો ભાજપ ભાગીદાર છે જ પણ આઘાતની વાત એ છે કે, ભાજપે આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે અને તેની પ્રસંશા કરી છે. ભાજપ વરસોથી મદરેસાઓને આતંકવાદનાં ઉછેર કેન્દ્રો ગણાવે છે, ભાજપ શાસિત ઉત્તર પ્રદેશ, આસામ સહિતનાં રાજ્યોમાં મદરેસાઓ બંધ કરાવી દેવાના ફૂંફાડા માર્યા કરે છે પણ બિહારમાં નવી મદરેસાઓ બનાવવાની વાતને ટેકો આપીને પ્રસંશા કરે તેનાથી વધારે ડબલ સ્ટાન્ડર્ડ શું હોય ?
ભારતીય જનતા પાર્ટી દ્વારા સમર્થિત બિહાર સરકાર વક્ફ બોર્ડની જમીન પર ૨૧ નવી મદરેસા બનાવે અને તેને મોદી સરકારના રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી મોદી સરકારની નીતિ પ્રમાણેનો ગણાવે તેનો અર્થ શું થાય ? એ જ કે ભાજપ દેશમાં નવી મદરેસાઓ ઊભી કરવાની તરફેણમાં છે. ભાજપનું આ વલણ અત્યાર સુધીના તેના વલણથી સાવ અલગ છે.
અત્યાર લગી ભાજપના નેતા જ એવું કહેતા કે મદરેસાઓમાં અપાતું ધાર્મિક શિક્ષણ આતંકવાદને પોષવામાં મોટી ભૂમિકા ભજવે છે. મદરેસાઓમાં ભણાવનારા કટ્ટરવાદી હોય છે ને એ લોકો ત્યાં ભણતાં છોકરાંના મનમાં કોમવાદનું ઝેર રેડે છે તેના કારણે એ લોકો બીજા ધર્મના લોકોને પોતાના દુશ્મન જ સમજે છે ને આખી દુનિયા પર ઈસ્લામના ઝંડા ફરકાવવાનાં સપનાં જોતા થઈ જાય છે. હવે ભાજપના નેતાઓને મદરેસા વિકાસનાં કેન્દ્રો લાગે છે એ સાંભળીને હસવું આવે છે.
નિત્યાનંદની દલીલ તો અત્યંત હાસ્યાસ્પદ છે. નિત્યાનંદના કહેવા પ્રમાણે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની નીતિ પણ વક્ફ બોર્ડની જમીનનો ઉપયોગ મહિલાઓ અને બાળકોના લાભાર્થે થાય એ જ છે અને નીતીશ એ પ્રમાણે વર્તી રહ્યા છે. સવાલ એ છે કે, મદરેસા બનાવવાથી મહિલાઓ અને બાળકોને શું ફાયદો થશે ? મદરેસાઓમાં બાળકો ભણવા જશે એ સાચું પણ એ શિક્ષણ તેમને ફાયદાકારક સાબિત થવાનું નથી. મદરેસાઓ આધુનિક શિક્ષણ આપતા નથી અને બાળકોને ધર્મનું શિક્ષણ આપીને તેમને કૂવામાંના દેડકા બનાવી દે છે. પોતાના ધર્મ સિવાય બીજા ધર્મને માન આપવાની વૃત્તિનો જ તેમનામાં વિકાસ થતો નથી એ જોતાં મદરેસાઓનું શિક્ષણ મુસ્લિમ બાળકો માટે જરાય ફાયદાકારક નથી. મહિલાઓને તો એટલો ફાયદો પણ થવાનો નથી. બલકે કોઈ જ ફાયદો થવાનો નથી એ જોતાં મહિલાઓને ફાયદાની વાત તો કહેતા ભી દીવાના ઔર સુનતા બી દીવાના જેવી છે.
વક્ફની સંપત્તિનો ઉપયોગ સમાજના ભલા માટે કરવો હોય તો મદરેસા બનાવવા એ છેલ્લો રસ્તો છે. તેના બદલે બીજા રસ્તા અપનાવીને આ સંપત્તિનો સાચે જ સદુપયોગ કરી શકાય. વક્ફની સંપત્તિ પર મુસ્લિમ છોકરાં માટે અંગ્રેજી મીડિયમની સ્કૂલ બનાવી શકાય, મુસ્લિમ દીકરીઓ માટે ટેક્નિકલ ઈન્સ્ટિટ્યૂટ બનાવીને તેમને ટેક્નોલોજીનું જ્ઞાન આપી શકાય કે જેથી ભવિષ્યમાં રોજદારી મળી શકે. મુસ્લિમ મહિલાઓ માટે સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર બનાવી શકાય કે જેમાં અલગ અલગ પ્રકારનાં કૌશલ્યો કેળવીને મુસ્લિમ મહિલાઓ આત્મનિર્ભર બની શકે.
મુસ્લિમ મહિલાઓ માટે લઘુ ઉદ્યોગ કેન્દ્રો ઊભાં કરી શકાય કે જ્યાં મુસ્લિમ મહિલાઓ કામ કરીને રોજગારી પણ મેળવી શકે અને પરિવારને મદદરૂપ થવાની સાથે સાથે દેશના વિકાસમાં પણ યોગદાન આપી શકે. મુસ્લિમ દીકરીઓ માટેની કોલેજ પણ બનાવી શકાય. આ સિવાય સમાજના તમામ વર્ગના લોકોને કામ આવે એવી હોસ્પિટલો કે સંશોધન સંસ્થાઓ પણ ઊભી કરી શકાય.
વક્ફ સંપત્તિનો સદુપયોગ કરવો હોય, સમાજના ભલા માટે તેનો ઉપયોગ કરવો હોય તો ઘણું કરી શકાય પણ તેના બદલે નીતીશ કુમાર મદરેસા બનાવવા માગે છે કેમ કે મદરેસા બનાવવાથી મુસ્લિમ મતોના ઠેકેદારોને પોતાની તરફ ખેંચી શકાય છે. મદરેસાઓને મદદના બહાને આ ઠેકેદારોને પોષી શકાય છે, મુલ્લા-મૌલવીઓને પંપાળી શકાય છે. નીતીશ વરસોથી આ રમત રમે છે અને અત્યારે પણ એ જ રમત કરી રહ્યા છે.
ભાજપ આ રમતમાં ભાગીદાર બની રહ્યો છે કેમ કે ભાજપ માટે પણ સત્તા જ મુખ્ય છે. આતંકવાદને પોષવા માટે મદરેસા જ જવાબદાર છે કે નહીં તેનાથી ભાજપને કોઈ ફરક પડતો નથી. ભાજપ માટે મહત્ત્વની સત્તા છે ને સત્તા માટે ભાજપને નીતીશ કુમારના પગમાં આળોટવામાં શરમ નથી ને મદરેસાઓ બને તેની સામે પણ વાંધો નથી.
કેન્દ્રમાં સ્પષ્ટ બહુમતી ના મળી પછી નીતીશની દયા પર જીવતા થઈ ગયેલા ભાજપના નેતાઓનાં ચશ્માંનો રંગ રાતોરાત બદલાઈ ગયો છે. અત્યાર લગી આખી દુનિયાને ભગવા રંગનાં ચશ્માં પહેરાવવા મથતા ભાજપના નેતા હવે લીલા રંગનાં ચશ્માંથી હિંદુઓને દુનિયા દેખાડવા માગે છે, મદરેસાઓ આતંકવાદના નહીં વિકાસનાં કેન્દ્રો છે એવું ઠસાવવા માગે છે.