મહિલા અનામત ખરડો દેશ માટે શરમજનક કેમ?

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે અંતે ગણેશચતુર્થીના દિવસે એટલે ૧૯ સપ્ટેમ્બરે મહિલા અનામત બિલ રજૂ કરી દીધું. ગણેશચતુર્થીએ નવી સંસદમાં કામકાજના શ્રીગણેશ કરાયા ને પહેલું મોટું બિલ લોકસભા અને રાજ્યોની વિધાનસભામાં ૩૩ ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાનું રજૂ કરાયું. કૉંગ્રેસ સહિતના વિપક્ષોએ મહિલા અનામત બિલને બિનશરતી ટેકો આપવાની જાહેરાત કરી છે તેથી આ બિલ સંસદનાં બંને ગૃહોમાં પાસ થઈ જશે એવું લાગે છે.
ભૂતકાળમાં પણ એવું લાગતું હતું પણ સમાજવાદી પાર્ટી અને આરજેડી સહિતના પક્ષોએ અનામતમાં પણ એસસી, એસટી અને ઓબીસી અનામતની વાત કરીને બિલ પાસ નહોતું થવા દીધું. ૨૦૧૦માં રાજ્યસભામાં મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું હતું અને ૧ વિરુદ્ધ ૧૮૬ મતની પ્રચંડ બહુમતી સાથે પસાર પણ કરવામાં આવ્યું હતું પણ પછી લોકસભામાં આ બિલ રજૂ જ ના થયું.
સમાજવાદી પાર્ટી અને આરજેડી એ વખતે યુપીએ સરકારમાં ભાગીદાર હતાં. તેમણે મહિલા અનામતમાં પણ એસસી, એસટી અને ઓબીસી અનામત ના રખાયો તો સરકારને ટેકો પાછો ખેંચી લેવાની ધમકી આપી તેમાં મનમોહનસિંહની સરકાર પાણીમાં બેસી ગઈ હતી.
આ વખતે હજુ સુધી તો કોઈ પક્ષ આડો ફાટ્યો તેથી કોઈ વિઘ્ન આવે એવી શક્યતા નથી પણ રાજકારણીઓનું ભલું પૂછવું. એ લોકો ખરા તાકડે જ કંઈક તૂત ઊભું કરીને ના બેસી જાય તેની ગેરંટી નથી તેથી બિલ પાસ થઈ જશે જ એવું છાતી ઠોકીને ના કહી શકાય.
મોદી સરકારે રજૂ કરેલા મહિલા અનામત બિલ વિશે બીજી પણ એક વાત ખટકે છે. અત્યાર સુધી એવું મનાતું હતું કે, સરકાર સંસદનાં બંને ગૃહો અને રાજ્યોની વિધાન પરિષદોમાં પણ મહિલા અનામતની જોગવાઈ કરશે પણ આ બિલ પ્રમાણે ૩૩ ટકા અનામત પ્રજા દ્વારા સીધા ચૂંટાતા જનપ્રતિનિધિઓ માટે જ લાગુ પડશે. મતલબ કે, રાજ્યસભા અને વિધાન પરિષદોમાં ૩૩ ટકા બેઠકો મહિલાઓ માટે અનામત નહીં હોય. રાજ્યસભા અને વિધાન પરિષદોમાં મહિલાઓ માટે અનામત નહીં રાખવા પાછળ કોઈ કારણ અપાયું નથી પણ આ વાત વિચિત્ર છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારમાં મંત્રી તો રાજ્યસભા અને વિધાન પરિષદના સભ્યોમાંથી પણ બનાવાય છે ત્યારે અનામતમાંથી રાજ્યસભા અને વિધાન પરિષદોને બાકાત શું કરવા રાખવાના? મહિલાઓને સત્તામાં ભાગીદારી અને અધિકાર આપવો જ હોય તો બધે આપવો જોઈએ ને? મોદી સરકારે એવું કર્યું નથી. રાજ્યસભા અને રાજ્યોની વિધાન પરિષદોમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવામાં સરકારને કેમ રસ નથી એ સમજવું અઘરું છે. રાજ્યસભા અને રાજ્યોની વિધાન પરિષદ ઉપલાં ગૃહ મનાય છે. સામાન્ય માન્યતા એવી છે કે, આ ગૃહોમાં બુદ્ધિજીવીઓ બેસે છે. સરકારમાં બેઠેલા લોકો મહિલાઓને બુદ્ધિજીવી નથી માનતા કે શું? ખરેખર આ કારણે રાજ્યસભા અને વિધાન પરિષદોને બાકાત રખાઈ હોય તો એ મહિલાઓનું અપમાન કહેવાય.
નરેન્દ્ર મોદી અને ભાજપના નેતાઓએ મહિલા અનામત બિલને ઐતિહાસિક ગણાવ્યું છે. કૉંગ્રેસ સહિતના પક્ષોમાં બિલનો જશ ખાટવાની હોડ પણ જામી છે પણ વાસ્તવમાં મહિલા અનામત બિલ દ્વારા આ દેશના ઈતિહાસમાં વધુ એક શરમજનક પ્રકરણ આલેખાયું છે. આઝાદીનાં ૭૫ વર્ષ પછી પણ મહિલાઓને સત્તામાં યોગ્ય ભાગીદારી અને સંસદ તેમજ વિધાનસભાઓમાં યોગ્ય પ્રતિનિધિત્વ આપવા માટે કાયદો બનાવવો પડે તેનાથી વધારે શરમજનક બીજું શું કહેવાય?
આપણે મહિલા અનામત બિલ લાવીને ફુલાઈએ છીએ પણ ખરેખર તો આવું બિલ કેમ લાવવું પડ્યું એ વિચારવાની જરૂર છે. આ બિલની જરૂર પડી કેમ કે રાજકીય પક્ષો મહિલાઓને યોગ્ય પ્રતિનિધિત્વ આપતા નથી. આ દેશની કુલ વસતીમાં લગભગ ૫૦ ટકા મહિલાઓ છે પણ લોકસભામાં ગણીને ૮૨ મહિલાઓ છે. મતલબ કે, લોકસભાના ૫૪૩ સભ્યોમાંથી ૧૫ ટકાની આસપાસ મહિલાઓ છે. આ પ્રમાણ અત્યંત શરમજનક કહેવાય. એ શરમ દૂર કરવા માટે કાયદો લાવવો પડે એ વળી વધારે શરમજનક કહેવાય કેમ કે તેનાથી એક વાત સાબિત થાય છે કે, આ દેશમાં રાજકીય પક્ષો સ્વૈચ્છિક રીતે તો મહિલાઓને તેમનો અધિકાર આપવા તૈયાર જ નથી.
રાજકીય પક્ષોએ સ્વૈચ્છિક રીતે દરેક રાજ્યમાં પોતાના લોકસભા અને વિધાનસભાના ઉમેદવારોમાંથી ૩૩ ટકા ઉમેદવારો તરીકે મહિલાઓની પસંદગી કરવાનો સૈદ્ધાંતિક નિર્ણય અમલમાં મૂક્યો હોત તો કાયદો બનાવવાની જરૂર જ ના પડી હોત. રાજકીય પક્ષો એવું ના કરી શક્યા તેથી આવો કાયદો લાવવો પડે છે એ હકીકત છે.
ખેર, જે ના થઈ શક્યું તેનો અફસોસ કરવાનો અર્થ નથી પણ મહિલાઓ માટે ૩૩ ટકા અનામતની જોગવાઈ પછી પણ મહિલાઓને સાચા અર્થમાં પ્રતિનિધિત્વ મળશે કે કેમ તેમાં શંકા છે. આપણે ત્યાં સ્થાનિક સ્વરાજમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામત છે. ગુજરાત સહિતનાં રાજ્યોમાં તો ૫૦ ટકા મહિલા અનામત છે પણ તેનો લાભ કોને મળે છે? મોટા ભાગના કિસ્સામાં તો નેતાઓના પરિવારની મહિલાઓ અને બીજી રીતે તેમની નજીક હોય એવી મહિલાઓને ટિકિટો અપાય છે.
મોટા ભાગના હોદ્દા પણ તેમને જ મળે છે એ જોતાં મહિલા અનામતની જોગવાઈના કારણે નવું દૂષણ ઘૂસી ગયું છે. નેતા પોતાની પત્નિ, દીકરી કે પરિવારની બીજી કોઈ મહિલાને કે પછી પોતાની અંગત હોય એવી મહિલાને હોદ્દા અપાવી દે ને પછી મહિલા શોભાના ગાંઠિયાની જેમ હોદ્દા પર બેસે જ્યારે અસલી વહીવટ પુરુષ જ કરતો હોય એવો સીન થઈ ગયો છે, મહિલા સશક્તિકરણના નામે કરાયેલી મહિલા અનામતની જોગવાઈ વાસ્તવમાં પરિવારવાદને પોષવાનું સાધન બની ગયું છે. મહિલાઓનું શોષણ પણ વધ્યું છે કેમ કે ટિકિટની લાલચ આપીને મોટા નેતા મહિલા કાર્યકરોનો ગેરલાભ પણ ઉઠાવે છે.
લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે અનામતની જોગવાઈથી એવી સ્થિતિ ના સર્જાય અને સાચા અર્થમાં મહિલા સશક્તિકરણ થાય એવી આશા રાખીએ. પોતાના કે પરિવારના નહીં પણ દેશના વિકાસમાં સાચા અર્થમાં યોગદાન આપી શકે એવી મહિલાઓને સત્તામાં ભાગીદારી મળશે તો દેશ આગળ જશે. ઉ